યુકેના ગૃહ વિભાગે પ્રત્યાર્પણને મંજૂરી આપતા નીરવ મોદીને ભારત લાવવાના દરવાજા ખુલ્યા
DIAMOND TIMES – ભાગેડુ હીરાના કારોબારી નીરવ મોદીને ટૂંક સમયમાં બ્રિટનથી ભારત લાવવામાં આવશે. યુકેના ગૃહ વિભાગે નીરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. હવે નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે,કારણ કે યુકે સરકાર ભારતની પ્રત્યાર્પણની માંગ માટે સંમત થઈ છે અને પ્રત્યાર્પણને મંજૂરી પણ આપી દીધી છે.
હાલમાં નીરવ મોદી લંડનની જેલમાં છે.આ કેસ નીરવ મોદીની ત્રણ કંપનીઓ,તેના અધિકારીઓ, પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના અધિકારીઓ સાથે મળીને કરવામાં આવેલા બેંક ફ્રોડ અંગેનો છે.નીરવ મોદીએ પીએનબીની બર્ટી હાઉસ શાખાના અધિકારીઓ સાથે મળીને રૂ.11,000 કરોડથી વધુના નકલી ડિબેંચર્સ દ્વારા આ છેતરપિંડી આચરી છે.
આ જ કેસમાં યુકેના ગૃહ પ્રધાને આજે હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીના ભારતમાં છેતરપીંડી અને મની લોન્ડરિંગના આરોપમાં પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. અગાઉ લંડનની એક અદાલતે આ કેસની સુનાવણી દરમિયાન નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ અંગે સંમતિ આપી હતી. તેમજ તેમની તમામ અરજીઓને નકારી કાઢતાં તેમણે કહ્યું હતું કે, ભારતની જેલમાં તેમની કાળજી લેવામાં આવશે.
ભારતીય તપાસ એજન્સીઓએ યુકેની એક કોર્ટને કહ્યું હતું કે મુંબઈની આર્થર રોડ જેલ મોદીની તબિયતની સ્થિતિને સંભાળવા સક્ષમ છે. જેલ નજીક ત્રણ હોસ્પિટલો છે. જો મોદીને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવે છે, તો આર્થર રોડ જેલમાં કારાગાર નં.12 તેમના માટે સંપૂર્ણ તૈયાર છે, જે તમામ ધોરણોને પૂર્ણ કરે છે.