ભારત કૃષિપ્રધાન દેશ હોવા છતાં વાર્ષિક રૂપિયા 70 હજાર કરોડના 150 લાખ ટન ખાધ તેલની આયાત કરવી પડે છે.જેની પાછળ જંગી નાણાંનો ખર્ચ થાય છે.આ જંગી ખર્ચને અટકાવી આ નાણાં દેશના ખેડુતોને આપવાની સરકારની છે નેમ.
ડાયમંડ ટાઈમ્સ
ખાદ્યતેલની આયાત પર નિર્ભરતા ઘટાડવા મોદી સરકારે ખાસ મિશન હાથ ધર્યુ છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીતી આયોગની છઠ્ઠી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ઉલ્લેખ કર્યો હતો કે ભારત કૃષિપ્રધાન દેશ હોવા છતાં પણ વાર્ષિક રૂપિયા 70 હજાર કરોડના 150 લાખ ટન ખાધ તેલની આયાત કરવી પડી રહી છે.જેથી દેશમા જ તલબિયા પાકોના વાવેતર માટે ખેડુતોને પ્રોત્સાહીત કરી ખાધતેલનુ ઉત્પાદન વધારી દેશને આત્મનિર્ભર બનાવવાનો છે.ઉપરાંત ખાધતેલની આયાત પાછળ ખર્ચાતા જંગી નાણાં દેશના ખેડુતોના ખાતામાં આપવાનો સરકારનો હેતુ છે.
ભારત દર વર્ષે લગભગ ૧૫૦ લાખ ટન ખાદ્યતેલની આયાત કરે છે.જયારે સ્થાનિક ઉત્પાદન આશરે ૭૦-૮૦ લાખ ટન છે.દેશની વધતી વસ્તી સાથે ખાદ્યતેલોનો વપરાશ પણ વધવાનો છે.જેથી આવનારી પરિસ્થિતિમાં ખાદ્યતેલના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી એ એક મોટું લક્ષ્ય છે.ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઈસીએઆર)ના ડાયરેકટર જનરલ ત્રિલોચન મહાપાત્રનું કહેવુ છે કે જયારે કોઈ કાર્ય મિશન મોડમાં હોય ત્યારે સફળતાની સંભાવના વધી જાય છે.આઈસીએઆરના અધ્યયન મુજબ દેશમાં ૨૦ એગ્રો ઇકોલોજીકલ પ્રદેશો છે.જે ૬૦ કૃષિ-ઇકોલોજીકલ ઝોનમાં વહેંચાયેલા છે.ડો.મહાપત્રાએ ઉમેર્યુ કે વિવિધ પ્રદેશોની આબોહવાને ધ્યાનમાં રાખીને યોગ્ય પાકની ખેતી માટે જાતજાતના બીજ તૈયાર કરવામાં આવે છે.જેનાથી ઉપજમાં વધારો થાય છે.રાજસ્થાનના ભરતપુર સ્થિત મસ્ટર્ડ રિસર્ચ ડિરેકટોરેટના ડાયરેકટર ડો.પી.કે. રાયે કહ્યું કે દેશમાં તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો થવાની મોટી સંભાવના છે.જેના માટે આપણે સરસવને ઉદાહરણ તરીકે જોઇ શકાય તેમ છે.તેમણે કહ્યુ કે મિશન મોડમાં સરસવની ખેતી પર ભાર મૂકવાને કારણે આ વર્ષે તેના ઉત્પાદનમાં વધારો થયો છે.સરસવનાં સારા પાકને કારણે ૧૧૦ થી ૧૨૦ લાખ ટનનું ઉત્પાદન આવવાની ગણતરી છે.
કૃષિ મંત્રાલયના અદ્યિકારીઓના કહેવા મુજબ આગામી પાંચ વર્ષમાં દેશમાં તેલિબિયાના ઉત્પાદનમાં બે ગણો વધારો થવાનો અંદાજ છે. મોસમી પાક ઉપરાંત કેટલાક બારમાસી વૃક્ષોના બીજમાથી પણ તેલ પ્રાપ્ત કરવામાં આવે છે.આ સિવાયના તેલના દરેક સ્ત્રોતમાથી તેલનુ ઉત્પાદન વધારવા પ્રગતિનું લક્ષ્ય રાખી એક અભિયાન હાથ ધરવામા આવ્યુ છે.જે અંતર્ગત ભારતમાં તેલબિયા પાકોનુ વાવેતર વધારવા ખેડુતોને પ્રોત્સાહિત કરવામા આવશે. સાથોસાથ અને વિભિન્ન સ્ત્રોતોથી ખાદ્ય તેલનું ઉત્પાદન વધારવા પણ પ્રયાસો કરાશે.જેની પાછળ રાષ્ટ્રીય તેલ બીજ મિશન આગામી પાંચ વર્ષમાં આશરે રૂપિયા ૧૯૦૦૦ કરોડનો ખર્ચ કરશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ આ મિશન માટે તમામ ફૂલપ્રૂફ તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી છે.જેનો આગામી નાણાકીય વર્ષ એપ્રિલથી ચુસ્તપણે અમલ કરવામાં આવશે.