વિલિયમસન ખાણને રિ-ઓપન કરવાની પેટ્રાની જાહેરાત

702

DIAMOND TIMES – ભયંકર પુરના કારણે દુર્ઘટના ગ્રસ્ત બનેલી રશિયાની મીર ખાણને ફરીથી  ધમધમતી કરવાની અલરોઝાની જાહેરાત બાદ રફ કંપની પેટ્રા ડાયમંડે પણ બે વર્ષથી બંધ અવસ્થામાં પડેલી તાંઝાનિયામાં આવેલી સરકાર અને પેટ્રાની ભાગીદારી ધરાવતી વિલિયમસન ખાણને રિ-ઓપન કરવાની જાહેરાત કરી છે.ઉલ્લેખનિય છે કે પુરવઠાની તંગી વચ્ચે રફ હીરાની વધેલી વૈશ્વિક માંગના પગલે રફ હીરાની કીંમતોમા થયેલા વધારાનો આર્થિક ફાયદાનો મોલ મોટા ભાગની રફ ઉત્પાદક કંપનીઓ લણી લેવા માગે છે.

પેટ્રા ડાયમંડ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ ડફીએ જણાવ્યું કે કંપની આગામી વર્ષ 2022 ના પ્રથમ ક્વાર્ટરમાં વિલિયમસન ખાણ માં કામગીરી ફરી શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. વિલિયમસન ખાણમાંથી પ્રતિવર્ષ અંદાજીત 2.2 થી 2.7 લાખ કેરેટ રફ હીરાનું ઉત્પાદન મળવાની ધારણા રાખવામાં આવી રહી છે.ગત એપ્રિલ-2020 માં કોરોનાના પગલે હીરા ઉદ્યોગમાં ભારે હતાશાના વાતાવરણ વચ્ચે રફ હીરાના ઉત્પાદન કાર્યને સ્થગિત કરી દેવામાં આવ્યુ હતુ.વિલિયમ્સન ખાણ વિશ્વની સૌથી જૂની સતત કાર્યરત હીરાની ખાણ છે કે જેને 1940માં કાર્યરત કરવામાં આવી હતી. આ ખાણમાં સંપૂર્ણ ક્ષમતા સાથે રફ હીરાનું ઉત્પાદન ફરી શરૂ કરવા માટે તાંઝાનિયાની સરકારે નાણા ભંડોળ ફાળવ્યુ હોવાના અહેવાલ છે.