પાંડોરાના ભ્રામક દાવાએ હીરા ઉદ્યોગમાં સળગાવ્યો વિવાદનો દાવાનળ

1168

કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન નૈતિક રીતે વધુ પ્રાધાન્યક્ષમ હોવાના પાંડોરાના દાવા પછી ભારે વિવાદ,અગ્રણી ઉદ્યોગ જુથો લાલઘુમ,પાંડોરાના ભ્રામક દાવા અને નિવેદનનો વિરોધ નોંધાવવા રિસ્પોન્સીબલ જ્વેલરી કાઉન્સિલ (આરજેસી) , વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ (ડબ્લ્યુડીસી) , વર્લ્ડ જ્વેલરી કન્ફેડરેશન( સિબ્જો), નેચરલ ડાયમંડ કાઉન્સિલ (એનડીસી) અને ઇન્ટરનેશનલ ડાયમંડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન( આઈડીએમએ) આવ્યા એક મંચ પર,પાંડોરાને સંયુક્ત આવેદન પત્ર પાઠવી તીખી પ્રતિક્રિયા સાથે આપી ચેતવણી,પાંડોરાના દાવાઓનું પણ કર્યુ ખંડન…

DIAMOND TIMES – આજથી થોડા દીવસ પુર્વે વિશ્વની સૌથી મોટી ઝવેરાત કંપની પાંડોરાએ જ્વેલરીના નિર્માણમાં માત્ર લેબગ્રોન ઉત્પાદનો જ વાપરવાની જાહેરાત કરી હતી.આ જાહેરાતની સાથે પાંડોરએ વિવાદનો મધપુડો છંછેડતા નિવેદન આપ્યુ હતુ કે રિયલ હીરાની તુલનાએ લેબગ્રોન નૈતિક રીતે વધુ પ્રાધાન્યક્ષમ છે.પાંડોરાના આ નિવેદન અને દાવા અંગે વિવિધ વૈશ્વિક ઉદ્યોગ સંગઠનોએ એક મંચ પર આવી પાંડોરાના ઉપરોક્ત દાવાનું ખંડન કરીને તીખી પ્રતિક્રીયા આપી છે.

રિસ્પોન્સીબલ જ્વેલરી કાઉન્સિલ (આરજેસી),વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ (ડબ્લ્યુડીસી),વર્લ્ડ જ્વેલરી કન્ફેડરેશન( સિબ્જો), નેચરલ ડાયમંડ કાઉન્સિલ (એનડીસી) અને ઇન્ટરનેશનલ ડાયમંડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન( આઈડીએમએ) સહીતના ઉદ્યોગ સંગઠનોએ વિરોધ વ્યકત કરવા પાંડોરાને પાઠવેલા સંયુક્ત આવેદન પત્રમાં કહ્યુ છે કે જેમની આજીવિકા હીરાની ખાણકામ પર આધારિત છે તેવા લાખો લોકોની અમોને ચિંતા છે.રિયલ અને લેબગ્રોન હીરાની તુલના દ્વારા પાન્ડોરા રિયલ હીરાને લઈને ખોટો અને ભ્રામક પ્રચાર કરે છે.આ સંગઠનોએ પાંડોરાને ચેતવણી આપતા કહ્યુ કે જ્વેલરીમાં માત્ર લેબગ્રોન હીરાનો જ ઉપયોગ કરવાનો નિર્ણય સ્વીકાર્ય છે,પરંતુ સંભવિત ભ્રામક અને ગેરમાર્ગે દોરનારા દાવા ગ્રાહકોમાં મુંઝવણ અને અવિશ્વાસ પેદા કરી શકે છે જે સમગ્ર ઉદ્યોગ માટે નુકસાનકારક છે.જેથી આ પ્રકારના નિવેદન અને ભ્રામક દાવાઓથી સુર રહેવા અમારી પાંડોરાને ચેતવણી છે.