ચીનની કંપની અંજીન અને ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવે સાથે મળીને કરેલા હીરાના કાળા કારોબારનો પાન્ડોરા પેપર્સમાં પર્દાફાશ

52

રફ હીરાનો બે નંબરનો કાળો કારોબાર કરવા ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ અને ચીનની કંપની અંજીને મીલીભગત રચી એક ડાયમંડ શેલ કંપની બનાવી ઝિમ્બાબ્વેની રાષ્ટ્રીય સંપતિને મોજથી લુંટી હોવાનો ન્યૂ ઝિમ્બાબ્વે અખબારનો અહેવાલ

DIAMOND TIMES– તાજેતરમાં ઇન્ટરનેશનલ કંસોર્ટયમ ઓફ ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા પાન્ડોરા રિપોર્ટેમાં અનેક રહસ્યોનો પર્દાફાશ થયો છે.117 દેશોના 150 મિડીયા હાઉસના 600થી વધુ પત્રકારોએ શ્રીમંત લોકોના નાણાકીય રહસ્યોનો ઉજાગર કરવા માટે 1.19 કરોડથી વધુ ગુપ્ત ફાઇલો મેળવી છે.

જેના આધારે બહાર પાડવામાં આવેલા પાન્ડોરા રિપોર્ટમાં ભારતની 300 તથા પાકિસ્તાનની 700 હસ્તીઓના નામ છે. ભારતની હસ્તીઓમાં સચિન તેંડુલકર,અનિલ અંબાણી, કિરણ મજુમદારના પતિ, ભાગેડુ નિરવ મોદી અને તેની બહેન ના નામો બહાર આવ્યા છે.હવે આ પેપર્સમાં ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવનું પણ નામ ખુલ્યુ છે. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવે હીરાના બે નંબરના કારોબર માટે સેશેલ્સમાં એક ઓફશોર શેલ કંપનીની સ્થાપના કરી હોવાનો પર્દાફાશ થયો છે.

ન્યૂ ઝિમ્બાબ્વે અખબારના અહેવાલ અનુસાર ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ અને વર્તમાન સમયે રાષ્ટ્રપતિ ઇમર્સન મનાંગગવાના નાયબ મુખ્ય સચિવનો હોદ્દો ધરાવતા માર્ટિન રૂશવાયાએ વર્ષ 2010માં હીરાના બેનંબરના કારોબાર માટે ગ્રેટગેમ કોર્પોરેશનની સ્થાપના કરી હોવાનો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.

એ સમયે ઝિમ્બાબ્વે ડિફેન્સ ફોર્સે મરાંગે વિસ્તારમાં હીરાના ખાણકામ માટે ચીનની એન્જિન કંપની સાથે ભાગીદારી કરી હતી.અખબારમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ -2012માં ઓફશોર પ્રોવાઇડર આલ્ફા કન્સલ્ટિંગ લિમિટેડે ઉચ્ચ અધિકારીઓના સંભવિત ભ્રષ્ટાચાર અંગે ચિંતા વ્યકત કરીને તેની સેશેલ્સના ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટને જાણ પણ કરી હતી.પરંતુ સત્તાના જોરે આ મામલો રફેદફે કરી દીધો હતો.

ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ)માં ખુલાસો થયો છે કે રાષ્ટ્રપતિ ઇમર્સન મનાંગગ્વાના વહીવટ અને નાણાં વિભાગના નાયબ મુખ્ય સચિવ અને ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ માર્ટિન રૂશવાયાએ 2010માં મોસ્કોની એક લો ફર્મની મદદથી સેશેલ્સમાં ગ્રેટગેમ કોર્પોરેશનની સ્થાપના કરી આ કંપનીને ઝિમ્બાબ્વેના સૈન્યની ગુપ્ત હીરાની લેવડદેવડ અને બજેટ બહારના ધિરાણની સુવિધા આપવાનો આરોપ છે.ઉલ્લેખનિય છે કે ઝિમ્બાબ્વે ડિફેન્સ ફોર્સિસ (ઝેડડીએફ)એ મરાંગેમાં હીરાની ખાણકામ માટે ચીનની અંજીન કંપની સાથે ભાગીદારી કરી તે સમયની આસપાસ આ શેલ કંપનીની સ્થાપના કરી હતી.

ઝિમ્બાબ્વેની રાષ્ટ્રીય સંપતિને લુંટવા માટે બનાવેલી ડાયમંડ શેલ કંપનીના બે શેરધારકોમાંના એક માર્ટિન રૂશવાયા હતા.બીજી મોસ્કો નિવાસી ઓલ્ગા બકીનાની માલિકીની શેલ કંપની હતી. ગ્રેટગેમના એકમાત્ર ડિરેક્ટર ગ્રે માશાવા હતા.જે પછી ઝિમ્બાબ્વેની સેનાના કર્નલ હતા.જ્યારે લાતવિયામાં કંપનીનું બેંક ખાતું હતું.