ડાયમંડ ટાઇમ્સ
પાકિસ્તાન જમીન માર્ગે ભારતથી કપાસની આયાતને મંજૂરી આપી શકે છે. નિયંત્રણ રેખા (LoC) પર નવી સંઘર્ષવિરામ સમજૂતી બાદ બંને દેશ વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો થોડે અંશે પુનઃસ્થાપિત થાય તેવી સંભાવનાઓ વધી છે. રવિવારે પબ્લિશ થયેલા એક રિપોર્ટમાં આ જાણકારી રજૂ કરવામાં આવી હતી.
વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યું હતું કે, વાણિજ્ય મામલે વડાપ્રધાનના સલાહકાર અબ્દુલ રઝાક દાઉદ આ અંગે નિર્ણય લઈ શકે છે જેથી આગામી સપ્તાહથી ભારતથી કપાસની આયાત કરી શકાય.
રિપોર્ટ પ્રમાણે પહેલેથી જ વડાપ્રધાન ઈમરાન ખાન સમક્ષ કપાસની તંગીનો મુદ્દો રજૂ કરાયેલો છે. ઈમરાન ખાન વાણિજ્ય મંત્રાલયનો ચાર્જ પણ સંભાળે છે. એક વખત સૈદ્ધાંતિક નિર્ણય લેવાઈ જાય ત્યાર બાદ મંત્રીમંડળની આર્થિક સંયોજન સમિતિ સમક્ષ ઔપચારિક આદેશ રજૂ કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ આ મામલે આંતરિક ચર્ચા થઈ ચુકી છે પરંતુ વડાપ્રધાનની મંજૂરી બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે