ગુજરાતનો હીરા ઉદ્યોગ ધમધમતો રહે એ અમારી પ્રાથમિકતા: દામજી માવાણી

1746

DIAMOND TIMES –ભારત સહીત સમગ્ર ગુજરાતમાં ફરી કોરોના વિસ્ફોટ થતા હીરા નગરી સુરતમાં બે દિવસ હીરા બજાર બંધ રાખવા નિર્ણય લેવાયો છે.જેના કારણે હીરા ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થયો છે.આ બંધની જાહેરાત પછી મુંબઈ સહીત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં તેની નકારાત્મક અસર પડી છે.આ સ્થિતિ પર કાબુ મેળવવા હીરા ઉદ્યોગે કમરકસી સાવચેતીના પગલા લેવાનુ શરૂ કર્યુ છે.આ અંગે અગ્રણીઓ હીરા ઉદ્યોગ ધમધમતો રહે એ બાબતને પ્રાથમિકતા આપી રહ્યા છે.

ગત વર્ષ 2020ના એપ્રિલ મહીનામાં સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર વર્તાવતા થયેલા લોક ડાઉનના કારણે તમામ કારોબાર , ઉદ્યોગો અને વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ ગયા હતા.પરિણામે કરોડો લોકો બેકાર બનતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા. સુરત મુંબઈ સહીત ગુજરાતના જિલ્લા, તાલુકાઓ અને ગ્રામ્ય મથકે ચાલતા હીરા અને ઝવેરાત ઉદ્યોગને જાણે કાટ લાગી ગયો હતો. પરંતુ લોકડાઉન સમાપ્ત થતા હીરા અને ઝવેરાત ઉદ્યોગે ઝડપી રીકવરી કરી લેતા તે પુન: ધમધમતો થયો હતો.ચીન, મધ્યપુર્વના દેશો,હોંગકોંગ,અમેરીકા અને યુરોપ સહીત વૈશ્વિક બજારોમાં હીરા અને ઝવેરાતની માંગ નિકળતા ગત વર્ષના ડીસેમ્બર મહીનાથી જ સુરતના હીરા ઉદ્યોગે રફતાર પકડી લેતા ઉદ્યોગકારો , રત્નકલાકારો સહીત હીરા ઉદ્યોગ સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા તમામ લોકોને રાહત મળી હતી.વર્તમાન સમયે હીરા ઉદ્યોગની ગાડી પુરઝડપે દોડી રહી છે.

પરંતુ કોરોનાના કારણે ભારતમાં કરવામાં આવેલા લોકડાઉનના બરાબર એક વર્ષ પછી ફરીથી કોરોનાએ માથુ ઉંચકતા હીરા નગરી સુરતમાં બે દિવસ હીરા બજાર બંધ રાખવા નિર્ણય લેવાયો છે.જેના કારણે મુંબઈ સુરત સહીત ભાવનગર, જુનાગઢ , અમરેલી, જસદણ,પાલનપુર સહીત સમગ્ર ગુજરાતમાં કાર્યરત હીરા ઉદ્યોગ દ્વારા આજીવિકા રળતા હજારો પરિવારોમાં ચિંતા વ્યાપી છે.જો કે બીજી તરફ હીરા ઉદ્યોગકારો,હીરા ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી સંસ્થાઓ રોજીરોટી બંધ ન થાય અને ઉદ્યોગ ધમધમતો રહે તે માટે પ્રયત્નશીલ છે.હીરા ઉદ્યોગમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહીતની જરૂરી બાબતોને લઈ સાવચેતી વધારાઈ છે.આ માટે લોકજાગૃતિ પણ કેળવાઈ તે માટે પગલા લેવાનું શરૂ કરી દેવાયું છે.

અમો હીરા ઉદ્યોગને બંધ રાખવાની જરા પણ ફેવરમાં નથી : દામજી માવાણી(મંત્રી,સુરત ડાયમંડ એસિસિયેશન)

કોરોનાના કહેર વચ્ચે લાખો પરિવારને રોજીરોટી આપતો ગુજરાતનો હીરા ઉદ્યોગે ધમધમતો રહે તેને પ્રાથમિકતા અપાઈ રહી છે.અગ્રણી હીરા ઉદ્યોગકારો,સુરત ડાયમંડ એસિસિયેશન સહીત હીરા ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી વિવિધ અગ્રણી સંસ્થાઓ દ્વારા હીરા ઉદ્યોગને કાર્યરત રાખવા સંયુક્ત રીતે સંનિષ્ઠ પ્રયાસ કરી રહી છે.અમો હીરા ઉદ્યોગ બંધ કરવાની જરા પણ તરફેણમાં નથી.બીજી તરફ કોરોનાના સંકમણને રોકવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહીતની સરકારની તમામ ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવા કટીબધ્ધ છીએ.હીરા ઉદ્યોગમાં સાવચેતી વધારી કોરોના સામે લડવા લોકજાગૃતિ કેળવાઈ તે માટે જરૂરી પગલા લેવાનું શરૂ કરી દેવાયું છે.જેમા અમોને રત્નકલાકારો,ઉદ્યોગકારો તરફથી સરાહનિય રીતે સહકાર મળી રહ્યો છે એમ સુરત ડાયમંડ એસિસિયેશનના મંત્રી દામજી માવાણીએ ડાયમંડ ટાઇમ્સને કહ્યુ હતું.