પરિવર્તનની પ્રક્રીયામાથી પસાર થઈ રહ્યો છે આપણો હીરા ઉદ્યોગ : સક્ષમ ફાવશે,જ્યારે નિર્માલ્ય હાંફશે !

ફીનીક્સ પંખીની જેમ રાખમાથી બેઠા થવાનુ ઝનુન ધરાવતા હીરા ઉદ્યોગને જ્યારે જરૂર છે ત્યારે અત્યંત નિર્ણાયક સમયે હીરા ઉદ્યોગને આધુનિક ટેકનોલોજી ધરાવતી મશીનરીની ભેટ આપનાર વિવિધ મશીનરી નિર્માતા કંપનીઓ,આ મશીનરીને સહજતાથી સ્વીકારી પોતાના કારખાનાઓમા કાર્યરત કરનાર સાહસિક હીરા ઉદ્યોગપતિઓ,આધુનિક મશીનરી પર હીરાને તૈયાર કરવાની કોઠાસુઝ ધરાવતા બેજોડ રત્નકલાકારો, હીરા ઉદ્યોગ ના વિકાસમા અડચણરૂપ સમસ્યાઓના નિવારણ માટે સબંધિત વિવિધ સરકારી વિભાગો સુધી અસર કારક રીતે રજુઆત કરનાર હીરા-ઝવેરાત ઉદ્યોગનુ પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ અને આવી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન દીર્ધ દ્રષ્ટા હોદ્દેદારોની નિસ્વાર્થ અને સંનિષ્ઠ કામગીરીનો સોનેરી સંગમ આપણા હીરા ઉદ્યોગનુ ખુબ જ મજબુત પાસુ અને મુખ્ય આધાર સ્થંભો છે.

DIAMOND TIMES – તાજેતરમાં જ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા નિષ્ણાંત વક્તા જોય શાહે ઉદ્યોગ સાહસિકોને સંબોધતા કહ્યુ હતુ કે વિવિધ સેકટર માં ચોથું ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ઝડપથી આવી રહ્યું છે.જેને ધ્યાનમાં રાખી ઉદ્યોગકારોએ ટકી રહેવા પરિવર્તનની સાથે કદમથી કદમ મિલાવવા 4.0 નો સહારો લેવો આવશ્યક છે.

4.0ના છ મુખ્ય પિલર આઇઓટ અને સેન્સર્સ,કનેકટીવિટી અને કલાઉડ કોમ્પ્યુટીંગ, બિગ ડાટા એનાલિટીકસ, બ્લોક ચેઇન, સાયબર સિકયુરિટી તેમજ એ.આઇ/એમ.એલ. અંગે વિસ્તૃત માહીતી આપતા તેમણે કહ્યુ કે તમારા મોબાઈલ ઉપર જે ડાટા મળે છે તે 4.0 ની શરૂઆત છે.આ ડેટાને પ્રિસ્ક્રીપ્ટીવ એનાલિટીકસ અને ઓરોનોમસ ઓપરેશન સુધી લઈ જવાનો તમારે આગ્રહ રાખવો જોઈએ. ઉપરોક્ત સેમિનારનો નિષ્કર્ષ એ છે કે હીરા ઉદ્યોગકારોએ માત્ર હીરા પોલિશ્ડ કરવા પર કે પછી સ્થાનિક બજારમાં હીરા વેંચવા પર જ ધ્યાન કેન્દ્રીત કરવાના બદલે ડીઝીટલ ટેકનોલોજીની મદદથી વૈશ્વિક પરિવર્તનોને પારખી રણનીતી બનાવવાની આવશ્યકતાઓ છે.

હીરા અને ઝવેરાતની નિકાસ વૃદ્ધિ માટે 3TS પર ધ્યાન કેન્દ્રિત કરી આધુનિક ટેકનોલોજી,ટ્રેડીંગ અને તાલીમની આવશ્યકતા : પિયુષ ગોયલ 

અન્ય એક મહત્વની ઇવેન્ટ પર નજર કરીએ તો તાજેતરમાં જ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે મુંબઈમાં સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEEPZ) ખાતે મેગા કોમન ફેસિલિટી સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો.આ પ્રસંગે સાહસિકોને 3TS પર ધ્યાન કેન્દ્રિત કરવાની હાંકલ કરતા પીયૂષ ગોયલે કહ્યુ કે હીરા અને ઝવેરાતની નિકાસ વૃદ્ધિ માટે આધુનિક ટેકનોલોજી,તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે.

તેમણે ઉમેર્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હીરા ઝવેરાતની નિકાસ માટે આપેલા લક્ષ્યાંકને હાંસિલ કરવા માટે જેમ અને જ્વેલરી ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો પાસે શક્તિ,વચન અને ક્ષમતાઓ છે.હવે ભારતના હીરા ઝવેરાત ઉદ્યોગને સાચા અર્થમાં વૈશ્વિક ચેમ્પિયન બનાવવાનો સમય આવી ગયો છે.તેમણે કહ્યુ કે ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશો નહીં . હીરા ઝવેરાતના મેન્યુફેકચરીંગમાં કુશળ માનવ બળની સાથે આધુનિક ટેકનોલોજી યુક્ત શ્રેષ્ઠ મશીનરીનો જ ઉપયોગ કરવામાં અને પરિવર્તનને સ્વીકારવામાં કોઇ કચાશ રાખવી જોઇએ નહી.આ ક્ષેત્રમાં આપણે હજુ અનેક મોટી મહત્વાકાંક્ષાઓ રાખવાની જરૂર છે.

હીરા ઉદ્યોગના વિકાસમાં સુરતની ટેકનોલોજી નિર્માતા કંપનીઓનું અમુલ્ય યોગદાન

આપણે સહુ સારી રીતે જાણીએ છીએ કે હીરા ઉદ્યોગના વિકાસમાં સુરતની ટેકનોલોજી નિર્માતા કંપનીઓનું અમુલ્ય યોગદાન છે.વર્તમાન સમયમા સુરતની અનેક અગ્રણી ટેક્નોલોજી કંપનીઓએ મેઈક ઇન ઇન્ડીયાના સુત્રને સાર્થક કરી અત્યંત ઉપયોગી અને નફાને બમણો કરવાની ક્ષમતા ધરાવતી વિવિધ પ્રકારની મશીનરીનો આવિષ્કાર કર્યો છે.જેના પર અગ્રણી અને એક કદમ આગળ રહેતા હીરા ઉદ્યોગકારોનું ધ્યાન કેન્દ્રીત થયુ છે.

વધુમાં અનુભવી ઉદ્યોગકારો દ્વારા મેન્યુફેક્ચરીંગની રીત સુધારવાની પ્રક્રીયાની સમાંતર ઝીણવટ પૂર્વક નવી જાણકારી પ્રાપ્ત કરી હીરા ઉદ્યોગને ઉંચાઈ અપાવવાના જે પ્રયાસો થયા એ કાબિલેદાદ છે.કેટલીક નામાંકિત અને અગ્રણી કંપની ઓએ ચિત્તા જેવી ચપળતા દાખવી ધંધાનો વિકાસ કરવાની નેમ રાખી ટેક્નીકલ જાણકારી અને માહિતીનું સમયસર ઈમ્પીલમેન્ટેશન કર્યુ.પરિણામે હીરા ઉદ્યોગની પ્રગતિ માટે સંકલીત ભવ્ય કાર્ય થયું. એક્સપોર્ટસ વધારવા પ્રમોશનલ એક્ટિવીટી કરવામાં આવી.કાઉન્સિલ અને વિવિધ એસોસિએશન સક્રિય બન્યા.નિકાસકારોને લાભ અપાયા,એસઈઝેડ કાર્યરત કરાતા વિદેશ વ્યાપાર વધ્યા.ટેક્નોલોજીના ખાસ ઉપયોગથી પ્રોડક્શન વધ્યું,ગુણવત્તા સુધરતા નિકાસ પ્રોત્સાહન થકી દેશનું એક્સપોર્ટસ વધારવામાં હીરા ઉદ્યોગે ફાળો આપ્યો.

ભારતને આંતરરાષ્ટ્રિય જ્વેલરી ટ્રેડિંગ હબ તરીકે નિહાળવા માગું છું : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

ત્રીજી એક મહત્વની ઘટના પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘણા મહીનાઓ પહેલા મુંબઈ ખાતે આયોજીત માઈન્સ ટુ માર્કેટ કોન્ફરન્સમાં ઉદ્યોગ સાહસિકોને સંબોધતા કહ્યુ હતુ કે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગનું ભવિષ્ય માત્ર કટીંગ અને પોલિશીંગ ના દાયરામા સીમિત રાખવાને બદલે તેનાથી આગળ વધારવાની જરૂર છે.કારણ કે આ ક્ષેત્રમા વણખેડાયેલી અનેક સંભાવનાઓ છે.હીરાના કટીંગ અને પોલિશીંગ ક્ષેત્રમા ભારત વૈશ્વિક મથક છે.પરંતુ તેનાથી સંતોષ માનીને બેસી રહેવા ના બદલે આગળ વધવાની આવશ્યકતા છે.આગામી સમયમા હુ ભારતને આંતરરાષ્ટ્રિય જ્વેલરી ટ્રેડિંગ હબ તરીકે નિહાળવા માગું છું.

વડાપ્રધાનશ્રીએ ઉમેર્યુ હતુ કે જેમ એન્ડ જ્વેલરીના ફિલ્ડમાં ભારતનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે.ભારતના ટ્રાન્સપરન્ટ ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયાના ઉદ્દેશોને હીરા-ઝવેરાત ઈન્ડસ્ટ્રી ખુબ જ ઉત્તમ રીતે અનુસરી રહી છે.જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીએ અત્યાર સુધીમાં અનેક સિદ્ધિઓ હાંસિલ કરી છે.આમ છતા આપણે હજુ ખુબ લાંબી મજલ કાપવાની બાકી છે.આ બાબતને ધ્યાનમાં રાખીને જેમ એન્ડ જ્વેલરીની પ્રગતિ માટે વૈશ્વિક બજારમા હિસ્સો વધારવા સાથે મળીને અથાગ પ્રયત્નો કરવા પડશે.કટીંગ અને પોલિશીંગ ક્ષેત્રથી વેલ્યુ એડીશન તરફ એક કદમ આગળ વધવુ જોઇએ. માઈન્સથી માર્કેટ સુધીની સમગ્ર ચેઈનમાં ભારતનુ પ્રભુત્વ વધે અને જ્વેલરીના ક્ષેત્રમાં પણ આપણે અવ્વલ સ્થાન મેળવીએ તેવી મારી મહેચ્છા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સેવેલી ઉપરોક્ત મહેચ્છા હવે સાકાર થાય તેવી સંભાવનાઓ છે.ગુજરાત હીરા બુર્સના સેક્રેટરી નાનુભાઈ વાનાણીની આગેવાની હેઠળની મહેનતુ ટીમ દ્વારા ઈચ્છાપોર ખાતે જેમ એન્ડ જ્વેલરી પાર્કની 50 હજાર સ્ક્વેર મીટર જગ્યામાં વર્લ્ડ ક્લાસ જ્વેલરી મોલ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.જ્વેલરી પાર્કના નિર્માણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હીરાના કટીંગ અને પોલિશીંગની સાથે હવે જ્વેલરીના નિર્માણ થકી વેલ્યુ એડીશન તરફ પ્રગતિ કરવાનો છે.

દુનિયાની દિગ્ગજ કંપનીઓ લેબગ્રોન હીરાના માર્કેટિંગ માટે અપનાવી રહી છે ખાસ નવી સ્ટેટેજી 

તાજેતરની ચોથી મહત્વની ઘટના પર નજર કરીએ તો દુનિયાની દિગ્ગજ જ્વેલરી કંપનીઓ લેબગ્રોન ડાયમંડના માર્કેટિંગ માટે ખાસ નવી સ્ટેટેજી અપનાવી રહી છે.ગત સપ્ટેમ્બર મહીનામાં આયોજીત થયેલી અને સતત ચાર કલાક લાંબી ચાલેલી એનાલિસ્ટ ઇવેન્ટ દરમિયાન વિશ્વના સૌથી મોટી ફેશન જ્વેલરી કંપની પાન્ડોરાએ લેબગ્રોન ડાયમંડના પ્રમોશન અંગેના પ્રયત્નો વિશે માહિતી પુરી પાડી હતી.”પાન્ડોરા બ્રિલિયન્સ”તરીકે બ્રાન્ડેડ લાઇનનું યુકેના બજારમાં વિશિષ્ટ રીતે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.લેબગ્રોન હીરાના માર્કેટિંગ માટે પાન્ડોરા ખાસ નવી સ્ટેટેજી વાપરી કેવી રીતે દાવપેચ રમવા તે પણ શીખી રહી છે.

પાન્ડોરાએ અગાઉ જાહેરાત કરી ચુકી છે કે તે જ્વેલરી ઉત્પાદનમાં માત્ર લેબ્ગ્રોન હીરાનો જ ઉપયોગ કરશે.પાન્ડોરા આઇકોનિક ચાર્મ બ્રેસલેટના ઉત્પાદન અને વેંચાણ માટે વિખ્યાત છે.તે દર વર્ષે અંદાજિત 10 કરોડ નંગ દાગીનાનું વેચાણ કરે છે.હવે પાન્ડોરાએ બ્રિલિયન્સ મર્ચેન્ડાઇઝ મિશ્રણમાં એક નવા આકર્ષણનોં ઉમેરો કર્યો છે.જેમાં 250 પાઉન્ડ(340 અમેરીકી ડોલર) નીપ્રારંભિક કીંમત ધરાવતો 0.15 કેરેટની સાઈઝના લેબગ્રોન હીરા જડીત સોનાના સેટ તેમજ 1,290 પાઉન્ડ (1,765 ડોલર)નીપ્રારંભિક કિંમત ધરાવતા 1.0 કેરેટ હીરા જડીત સોનાના સેટનો સમાવેશ થાય છે.

100 થી પણ અધિક દેશોમાં 6,700 પોઈન્ટ ઓફ સેલ ધરાવતી પાન્ડોરા લેબગ્રોન ડાયમંડ સેક્ટરમાં પ્રવેશ કરનારી વિશ્વની સૌથી મોટી જ્વેલરી કંપની છે.પાન્ડોરાના સીઈઓ એલેક્ઝાન્ડર લેસિકે સ્પષ્ટ કર્યું છે કે હીરા સદા માટે નહી,પરંતુ તમામ માટે ઉપલબ્ધ કરાવવાની અમારી નેમ અને વ્યૂહરચના છે.આ અહેવાલ પરથી અંદાજ લગાવી શકાય તેમ છે કે આગામી સમય લેબગ્રોન હીરાનો છે.

વર્તમાન સમયે લેબગ્રોન ડાયમંડની નિકસમાં 450 ટકાનો જંગી વધારો થયો છે.પાછલા બે વર્ષ દરમિયાન સૌથી વધુ કામકાજ લેબગ્રોન ડાયમંડમાં થઈ રહ્યાં છે.ઉત્પાદનમાં સૌથી વધુ વૃદ્ધિની સાથે નિકાસમાં પણ હીરા ઉદ્યોગકારો આગળ રહ્યા છે.વર્ષ 2019 માં રૂપિયા 155 કરોડના લેબગ્રોન હીરાની નિકાસ થઈ હતી.તેની તુલનાએ વર્ષ 2021માં વધીને રૂપિયા 640 કરોડથયુ છે.વર્તમાન સમયે સુરતમાં સિન્થેટીક ડાયમંડનું ઉત્પાદન કરતી 125 જેટલી અગ્રણી કંપનીઓ કાર્યરત છે.લેબગોન ડાયમંડની સૌથી વધુ નિકાસ અમેરિકામાં થાય છે.હવે ઉદ્યોગકારોએ આ પરિવર્તન પારખવાની આવશ્યકતાઓ છે.

અલરોઝાએ મારી ચારણી :માત્ર સક્ષમ કંપનીઓની જ સાઈટ હોલ્ડર્સ તરીકે ચાલુ રાખી 

મહાન વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિને આજથી સેકંડો વર્ષ પુર્વે ઉત્ક્રાતિવાદની થિયરી આપી હતી.જીવસૃષ્ટ્રિમાં કુદરતના અફર નિયમને ઉજાગર કરતા ડાર્વિનને ઉત્ક્રાતિવાદની થિયરી રજુ કરતા તેમના અવલોકનમાં ટાંક્યુ હતુ કે જે જીવ સક્ષમ અને ચિત્તા જેવા ચપળ હશે તે જ જીવશે કે જીતશે, જ્યારે નમાલા,આળસુ અને શુષ્ક પ્રકૃતિના જીવો કાળક્રમે નાશ પામશે .

માત્ર એથિકલ પ્રેક્ટીસ દ્વારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા કે ઉત્તમ ગુણવત્તા યુકત ઉત્પાદન આપવાના આધુનિક સમયના આ નવા ટ્રેન્ડમાં ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાંતિનો નિયમ હવે હીરા ઝવેરાત સહીત દરેક બિઝનેસમાં બરાબર લાગુ પડે છે.ઇન શોર્ટ કહી શકાય કે ચિત્તા જેવી ચપળતા દાખવી કસ્ટમર ઇઝ ઓલ્વેઝ રાઈટની યુક્તિને સખત રીતે અનુસરીને માત્ર એથિકલ પ્રેકટીસ થકી જ બિઝનેસમાં વિજેતા થઈ શકાશે.તેનાથી વિપરીત અનએથિકલ પ્રેકટીસ,વિચાર્યા વગરનું સાહસ,ગણતરી વગરના આયોજન,ડાયનાસોર જેવી નિષ્ક્રિયતા અને શોર્ટ કટ દ્વારા સફ્ળતા મેળવવા સહીતના દુર્ગુણો બિઝનેસનો વિનાશ નોતરવા પુરતા છે.

તાજેતરમાં જ રશિયાની રફ કંપની અલરોઝાએ ચાર્લ્સ ડાર્વિનની ઉપરોક્ત થિયરી સાબિત કરી બતાવી છે.હીરા-ઝવેરાત ના કારોબારમાં અલરોઝાએ ઉત્ક્રાંતિના નિયમ મુજબ જુની સાઈટ હોલ્ડર્સ કંપનીઓ પૈકી નબળી કંપનીઓને રિજેક્ટ કરી આર્થિક ,સામાજિક સહીત તમામ રીતે સક્ષમ કંપનીઓને જ સાઈટ હોલ્ડર્સ તરીકે ચાલુ રાખવાનો અભિગમ અપનાવ્યો છે. આમ કરવા પાછળ ગુડબુકમાં સમાવિષ્ટ હીરાની સક્ષમ કંપનીઓને રફ હીરાની વધુ અનુરૂપ પસંદગી પૂરી પાડવાનો અલરોઝાનો ઉમદા ઉદ્દેશ્ય છે.જ્યારે પર્ફોમન્સના પરિણામોને આધારે અલરોઝએ નબળી કંપનીઓને સાઈડ લાઈન કરી દીધી છે.

અલરોઝાના નવી સાઈટ હોલ્ડર્સની યાદીમાં હવે સક્ષમ અને વિશ્વસનીય હીરાની 51 કંપનીઓ અને 10 ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે.તમામ મહત્વના અને ઝીણવટ ભર્યા પાસાઓ,ક્ષમતાઓ અને વિશ્વસનિયતાના આધારે અલરોઝએ વીણી વીણીને પસંદ કરેલી સાઈટ હોલ્ડર્સની યાદીમાં સમાવિષ્ટ ચુનંદા હીરાની કંપનીઓ અને અલરોઝા વચ્ચે થયેલા કરારો આગામી 1 જાન્યુઆરી 2022થી 2024 સુધી ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.

અલરોઝાએ સાઈટ હોલ્ડર્સ તરીકે નિયુક્ત કરેલી હીરાની કંપનીઓ અલરોઝા એલાયન્સની સભ્ય કંપની તરીકે ઓળખાય છે.વળી અલરોઝા એલાયન્સની સભ્ય કંપનીઓએ બિઝનેસ આચરણના ઉચ્ચ ધોરણોને અનુસરીને અલરોઝાએ ઘડેલા સિદ્ધાંતોનું ફરજિયાત પાલન કરવાનું હોય છે.નવી યાદીમાં ટ્રેડીંગ,ડાયમંડ કટિંગ તેમજ પોલિશિંગ ટ્રેડિંગ મળી કુલ ત્રણ કેટેગરીમાં અલરોઝા એલાયન્સની સભ્ય કંપનીઓની અલરોઝાએ પસંદગી ઉતારી છે.

અલરોઝા એલાયન્સની પસંદગીની યાદી જાહેર કરતા અલરોઝાના ડેપ્યુટી સીઇઓ એવજેની અગુરીવે પોતાના પ્રતિભાવ માં કહ્યુ કે UN દસ્તાવેજો,રશિયન ફેડરેશનના કાયદાઓ તેમજ ઉદ્યોગ સ્તરે જવાબદાર ધોરણોને લાગુ કરવા માટેની શ્રેષ્ઠ-પ્રેક્ટિસ પહેલ પર આધારિત અલરોઝા દ્વારા ઘડવામાં આવેલા સિધ્ધાંતો અને માર્ગદર્શિકાનું પાલન કરવા અલરોઝા ની એલાયન્સ કંપનીઓએ સુસજ્જ છે.અલરોઝા એલાયન્સની સભ્ય ગ્રાહક કંપનીઓની રફ હીરાની માંગને સંતોષવા તેમજ તેમને સપ્લાય કરવામાં આવતા રફ હીરાના પુરવઠામાં સ્થિરતા લાવવા અલરોઝા પ્રતિબધ્ધ છે.

બીજી તરફ અલરોઝા એલાયન્સ કંપનીમાં પોતાનું સ્થાન મજબુતાઈથી જાળવી રાખનાર સુરતની સક્ષમ હીરાની કંપની ઓના માલિકોએ પોતાના ઉમદા પ્રતિભાવ આપ્યા હતા.તેઓએ કહ્યુ કે રશિયા-ભારત વચ્ચેનો સહયોગ વધુ મજબુત બન્યો છે.કોરોના મહામારીના સમયમાં હીરા ઉદ્યોગની વૈશ્વિક ગતિ મંદ પડી ગઈ હતી.પરંતુ હવે વૈશ્વિક હીરા ઉદ્યોગે જેટ ગતિએ વિકાસ અને વૃદ્ધિ પામી રહ્યો છે.ભારતની મુખ્ય ડાયમંડ પ્રોસેસિંગ કંપનીઓએ રશિયા સાથે સહયોગ કરી લીધો છે.જેનાથી રશિયામાં ઉત્પાદીત થતા રફ હીરાનો ખુબ મોટો જથ્થો ભારતમાં આવી રહ્યો છે.