બ્રેઈનડેડ રત્નકલાકારના અંગદાન થકી ત્રણ લોકોને મળ્યું નવજીવન

889

DIAMOND TIMES – કતારગામ સ્થિત હરેકૃષ્ણ સોસાયટી ખાતે રહેતા 40 વર્ષિય રત્નકલાકાર જમનભાઈ પોપટભાઈ ગોંડલીયા( મૂળ રહેવાસી વિભાણીયા,તા.કાલાવડ, જીલ્લો જામનગર) ગત તારીખ 15 સપ્ટેમ્બરના રોજ બ્લડ પ્રેસર વધી જતા બેભાન થઇ ગયા હતા.પરિવારજનોએ તેમને તાત્કાલિક કિરણ હોસ્પીટલમાં દાખલ કરી ડૉ.કલ્પેશ ગોહિલની સારવાર શરૂ કરવામાં આવી હતી.સીટી સ્કેન કરાવતા તેઓને બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થતા 17 સપ્ટેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર,ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ,ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.દર્શન ત્રિવેદી,મેડીકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ અને નેફ્રોલોજીસ્ટ ડૉ.કલ્પેશ ગોહિલે જમનભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

કિરણ હોસ્પીટલના મેડીકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ અને નેફ્રોલોજીસ્ટ ડૉ.કલ્પેશ ગોહિલે ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનની રાજ્ય સલાહકાર સમિતિના સભ્ય તેમજ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલે વાલાનો સંપર્ક કરી જમનભાઈના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપી હતી.જેથી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ.મેહુલ પંચાલની સાથે રહી જમનભાઈના ભાઈ ભરતભાઈ,બનેવી કરશનભાઈ સાંગાણી, પિતરાઈ ભાઈ કાંતિભાઈ, મુકેશભાઈ, ટપુભાઈ, તેમજ બંને પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.જમનભાઈના પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલે વાલાએ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO)ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની,લિવર અને હૃદયના દાન માટે જણાવ્યું હતુ.

જમનભાઈના ભાઈ ભરતભાઈએ જણાવ્યું કે મારા ભાઈની કિડની 2012માં ખરાબ થઇ જતા મારા મમ્મી દુધીબેને તેમની એક કિડની મારા ભાઈને આપી હતી અને તેમનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું.ત્યારબાદ 2021માં મારા ભાઈની ટ્રાન્સપ્લાન્ટ થયેલી કિડની ફરી ખરાબ થઇ જતા તેને અઠવાડિયામાં બે વખત ડાયાલીસીસ કરાવવું પડતું હતું.જેથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓની પીડા અમે સારી રીતે સમજીએ છીએ.હવે મારો ભાઈ બ્રેઈનડેડ છે ત્યારે તેના અંગોના દાનથી તેના જેવા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળશે તેનો સહુને આનંદ છે.

અન્ય એક દાતા વલસાડની અમરધામ કૉ.ઓ.સોસાયટી ખાતે રહેતા 57 વર્ષીય વિરેન્દ્રભાઈ (ઉર્ફે-રશીકભાઈ) ખીમજીભાઈ દેઢિયાને પણ કીરણ હોસ્પીટલમાં દાખલ કર્યા હતા.જેમનું પણ બ્રેઈન ડેડ થયાનુ જાહેર થતા તેમણે પણ કિડની, લિવર અને હૃદયનું દાન આપ્યુ હતુ.સુરતની કિરણ હોસ્પિટલથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની MGM હોસ્પીટલમાં આસામના રહેવાસી 39 વર્ષીય ખેડૂતમાં ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ યુવક 2019 થી હૃદયની બીમારીથી પીડાતો હતો અને છેલ્લા મહિનામાં તેના હૃદયનું પમ્પીંગ માત્ર 5 થી 10 ટકા હતું.

સુરતની કિરણ હોસ્પિટલથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 180 મીનીટમાં કપાયુ