400 અબજ ડોલરનો નિકાસ લક્ષ્યાંક પુર્ણ થવાનો આશાવાદ

55

DIAMOND TIMES – નિકાસ ઓર્ડરમાં સતત વૃદ્ધિ નોંધાતાં દેશની મર્ચેન્ડાઈઝ નિકાસો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 400 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે એપ્રિલથી નવેમ્બર દરમિયાન નિકાસો 50.71 ટકા વધી 262.46 અબજ ડોલર થઈ હોવાનું જણાવ્યું છે. ગતવર્ષે સમાનગાળામાં નિકાસો 174.15 અબજ ડોલર નોંધાઈ હતી. ગત આઠ માસમાં નિકાસો 30 અબજ ડોલરની સપાટી ક્રોસ કરી ગઈ છે.

ગત વર્ષે 12 માસમાં 262 અબજ ડોલરની નિકાસ સામે આ વર્ષે અત્યારસુધી નવ માસમાં 262 અબજ ડોલર નોંધાઈ છે. અમે 400 અબજ ડોલરની રેકોર્ડ નિકાસ થવાનો આશાવાદ રાખીએ છીએ.સીઆઈઆઈ પાર્ટનરશિપ  સમિટ – 2021માં ગોયલે જણાવ્યું હતુ કે, દેશની નિકાસો સતત વધી છે. અન્ય દેશો સાથે બિઝનેસ સતત વિસ્તરિત થઈ રહ્યો છે.એપ્રિલથી નવેમ્બર દરમિયાન આયાતો 75.39 ટકા વધી 384.44 અબજ ડોલર થઈ છે.ઈન્ડસ્ટ્રી,મેન્યુફેક્ચરિંગ સેક્ટર, કૃષિ, ટેક્નોલોજી સહિત ક્ષેત્રોમાં રિકવરી ઝડપી બની છે.

કોવિડ-19નો ઉલ્લેખ કરતાં ગોયલે જણાવ્યું હતું કે ભારતે તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. અન્ય દેશોમાં વેક્સિન અને મેડિકલ સપ્લાયમાં વધારો થયો છે. આત્મનિર્ભર ભારત મિશન દેશની નિકાસોમાં વધારો કરશે. કેન્દ્ર સરકાર નિકાસકારોના આર્થિક લાભ માટે નિયમોમાં સતત સુધારો કરી રહી છે.

ભારતમાં વિશ્વભરમાંથી રોકાણોને આવકારવામાં આવ્યાં છે. વિદેશી રોકાણકારોને આવકારવા માટે નિયમો હળવા કરવામાં આવ્યાં છે. ટૂંકાગાળામાં ઝડપી આર્થિક રિકવરીના પગલે વિદેશોમાંથી રોકાણ સતત વધી રહ્યાં છે. ટકાઉ અને મજબૂત ઈકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે વેપાર કરારો, રોકાણો, અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સહિત છ ક્ષેત્રોમાં અન્ય દેશો સાથે ભાગીદારીને પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ બન્યાં છીએ.

દેશની મર્ચેન્ડાઈઝ નિકાસો નવેમ્બરમાં 27.16 ટકા વધી 30.4 અબજ ડોલર થઈ છે. ગતવર્ષે 23.62 અબજ ડોલરની નિકાસો નોંધાઈ હતી. આયાતો 52.94 અબજ ડોલર રહી હતી. જે ગતવર્ષની 33.81 અબજ ડોલર સામે 56.58 ટકા વધી છે. નવેમ્બરમાં વેપાર ખાધ ગતવર્ષે 10.19 અબજ ડોલર સામે વધી 22.91 અબજ ડોલર થઈ છે. એકંદરે દેશની કુલ નિકાસો નવેમ્બરમાં 50.36 અબજ ડોલર નોંધાવાનો આશાવાદ હતો.