વધુ એક સપ્તાહ મિનિ-લોકડાઉન’ : 8 મહાનગરો સહિત 36 શહેરોમાં 18 મે સુધી રાત્રિ કર્ફ્યૂ

659

DIAMOND TIMES – મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ 36 શહેરોમાં રાત્રિ કરફયું સહિતના રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે ગહન ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી.બેઠક બાદ લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા બાદ 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યા છે.

રાજ્ય સરકારનાં નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રિ કર્ફયુ 11 મે-2021 સુધી રાખવામાં આવેલો તે 12મે-2021 થી 18 મે-2021 એમ સાત દિવસ માટે દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે.

મુખ્યમંત્રીએ રાજ્યના નાના મોટા વેપારી, ઊદ્યોગો તથા જનતા જનાર્દને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કર્ફયુ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે ઉમેર્યુ કે, સૌના સહિયારા પ્રયાસો ફળદાયી નિવડયા છે અને કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે.રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કર્ફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.