દુલ્હનને તૈયાર કરવાના કોન્ટ્રાક્ટના બહાને બ્યુટીશીયને રત્નકલાકારના પત્ની પાસેથી રૂ. 20 હજાર પડાવ્યા

DIAMOND TIMES : કોસાડમાં પાર્લર ચલાવતી મહિલા પર કોલ આવ્યોઃ બહેનના લગ્ન છે અને એડવાન્સ પેમેન્ટનું કહી ગુગલ પે કરૂ છું એમ કહી એકાઉન્ટ હેક કર્યુ

અમરોલી-કોસાડ રોડ પર રહેતી બ્યુટીશીયનને આર્મીમેનના નામે કોલ કરી ભેજાબાજે પોતાની બહેનના લગ્ન છે અને તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ આપવાના બહાને ગુગલ પે કી એડવાન્સ પેમેન્ટ કરે છે એમ કહી એકાઉન્ટ હેક કરી રૂ. 20 હજાર તફડાવ્યાની ફરીયાદ અમરોલી પોલીસમાં નોંધાય છે.

કોસાડ લેક ગાર્ડન નજીક લેકવ્યુ રેસીડન્સીમાં સુહાની બ્યુટી પાર્લર ચલાવતી બ્યુટીશીયન રેખા અમીત તાળા (ઉ.વ. 37 રહે. દ્વારકાધીશ સોસાયટી, અમરોલી-કોસાડ રોડ અને મૂળ. ખટીયા, તા. લાલપુર, જિ. જામનગર) પર ગત 29 જુલાઇના રોજ અજાણ્યાનો કોલ આવ્યો હતો, કોલ કરનારે પોતાનું નામ પ્રવિણકુમાર અને પોતે ઇન્ડિયન આર્મીમાં નોકરી કરે છે અને હાલ મુંબઇના અંધેરી એરપોર્ટ પર ફરજમાં છે, તમારો નંબર જસ્ટ ડાયલમાંથી લીધો છે, મારી બહેનના 20 ઓગસ્ટે લગ્ન છે અને તેને તૈયાર કરવાનો ઓર્ડર આપવાનો છે.

વાતચીતમાં રેખાએ રૂ. 30 હજાર ખર્ચ થશે એમ કહેતા પ્રવિણકુમારે ગુગલ પે થી 1-1 રૂપિયો બે વાર ટ્રાન્સફર કર્યા હતા અને રેખાને તેનો પાસવર્ડ એન્ટર કરવા કહ્યું હતું. રેખાએ પાસવર્ડ એન્ટર કરતા વેંત રૂ. 10 હજાર અને ત્યાર બાદ મારા પૈસા કયાંક ફસાય ગયા છે એમ કહી પુનઃ પ્રોસેસ કરવાનું કહેતા બીજી વખત રૂ. 10 હજાર ઉપડી ગયા હતા. જેથી રેખા ચોંકી ગઇ હતી અને તુરંત જ પોતાની એકાઉન્ટમાંથી તમામ રકમ રત્નકલાકાર પતિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી.