નેચરલની સાથે હવે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ પણ પૂરજોશમાં:ઉત્પલ મિસ્ત્રી

181

સુરત સ્પાર્કલ પ્રદર્શન દરમિયાન આયોજીત સેમિનાર ‘ઇનોવેશન્સ ઇન રિયલ એન્ડ લેબગ્રોન ડાયમંડ એન્ડ ટેકનોલોજીકલ ગ્રોથ ઇન જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ’ વિષય ઉપર ચર્ચા કરતા લેકસસ ગૃપના ડાયરેકટર એન્ડ કો–ફાઉન્ડર ઉત્પલ મિસ્ત્રીએ આગામી દશકા દરમિયાન ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં આવનારી આધુનિક ટેકનોલોજી અંગે ઉદ્યોગકારોને અવગત કરાવ્યા હતા.

ડાયમંડ ટાઈમ્સ

સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા સુરત સ્પાર્કલ પ્રદર્શન દરમિયાન ‘ઇનોવેશન્સ ઇન રિયલ એન્ડ લેબગ્રોન ડાયમંડ એન્ડ ટેકનોલોજીકલ ગ્રોથ ઇન જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ’ વિષય ઉપર સેમિનાર યોજાયો હતો.જેમાં નિષ્ણાંત વકતા તરીકે લેકસસ ગૃપના ડાયરેકટર એન્ડ કો–ફાઉન્ડર ઉત્પલ મિસ્ત્રીએ ઉદ્યોગકારો-ઝવેરીઓને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.ઉત્પલ મિસ્ત્રીએ કહ્યુ કે નેચરલની સાથે હવે લેબગ્રોન ડાયમંડ પણ માર્કેટમાં પૂરજોશમાં ચાલી રહ્યા છે.તેમણે એકસ–રે, ૩ ડી વર્ચ્યુઅલ ડાયમંડ (મેક ટુ ઓર્ડર) અને કલાઉડ (સિકયોર્ડ ડાટા) વિશે વેપારીઓ તથા ઉદ્યોગકારોને સમજણ આપતા આગામી દશકામાં ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં આવનારી અધતન ટેકનોલોજી અંગે અવગત પણ કરાવ્યા હતા.

લેબગ્રોન હીરાની કવોલિટીમાં પણ ઉત્તરોત્તર સુધારો થશે: ડો. સ્નેહલ પટેલ

સેમિનાર બાદ યોજયેલી પેનલ ડિસ્કશનમાં અંકીત જેમ્સના ડાયરેકટર પ્રિયાંશ શાહ,એલ્વી જ્વેલ્સના ડાયરેકટર કલ્પેશ વઘાસિયા,સુરત જ્વેલરી એસોસીએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલા,ભંડેરી લેબગ્રોન ડાયમંડના સીઇઓ ડો. સ્નેહલ પટેલ,દુબઇ ગોલ્ડ એન્ડ જ્વેલરી ગૃપના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયા અને ડાયમંડ એલીમેન્ટ્‌સના ડિરેકટર મહેશ સેનાનીએ ભાગ લીધો હતો.

ભંડેરી લેબગ્રોન ડાયમંડ કંપનીના સીઈઓ ડો. સ્નેહલ પટેલે કહ્યુ કે આગામી વર્ષોમાં લેબગ્રોન હીરાની માંગ હજુ પણ વધવાની છે.જેને કારણે લેબગ્રોન ડાયમંડની કવોલિટીમાં પણ ઉત્તરોત્તર સુધારો થશે.વિશ્વના માત્ર એક ટકા જેટલા ધનિક લોકો જ કુદરતી હીરાની ખરીદી કરી રહ્યા છે. કુદરતી હીરાની સરખામણીએ લેબગ્રોન હીરા 60 ટકા સુધી સસ્તા હોય છે.જેથી અમેરીકા સહીત વિશ્વના અનેક દેશોમા આર્થિક રીતે મધ્યમ વર્ગમાં લેબગ્રોન હીરાની ખુબ જ માંગ છે.

સુરત જ્વેલરી ક્ષેત્રમાં તમામ ક્ષમતાઓ ધરાવે છે:ચંદુભાઇ સિરોયા

ચંદુભાઇ સિરોયાએ આશા વ્યક્ત કરતા કહ્યુ કે સુરત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રેઝન્ટ કરી શકે તેવી તમામ ક્ષમતાઓ ધરાવે છે.સુરતમાં જે રીતે સ્પાર્કલ પ્રદર્શનનું આયોજન થયું છે તેવા પ્રકારનું આયોજન દુબઇમાં પણ કરવામાં આવે તો જ્વેલરી ક્ષેત્રમાં લોકોના મનમાં લેબગ્રોન ડાયમંડ પ્રત્યે જે ભય છે તે દૂર થઇ જશે.સુરતની સાથે દુબઇમાં પણ નેચરલ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચેના તફાવતની સમજણ આપવા માટે એકઝીબીશન તથા સેમિનાર દ્વારા જ્વેલરી ક્ષેત્રના લોકોને માહિતગાર કરવા જોઇએ.

પ્રિયાંશ શાહે નેચરલ ડાયમંડ અંગે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યુ કે ભલે માર્કેટમાં લેબગ્રોન ડાયમંડ આવી ગયા હોય,પરંતુ નેચરલ ડાયમંડનો ખરીદદાર ખાસ અલગ જ વર્ગ છે.નેચરલ ડાયમંડ રેર છે અને તે સદાકાળ રહેવાના જ છે.નેચરલ ડાયમંડ એ ધરતીના ભૂગર્ભમાં બનેલી કુદરતની એક અમુલ્ય ચીજ છે.જેથી નેચરલ ડાયમંડ ખરીદનાર આખો કલાસ જ જુદો રહેશે અને તેમાં કોઇ દિવસ ઘટાડો થશે નહીં.

સલીમ દાગીનાવાલાએ જ્વેલરી નિર્માતાઓને અપીલ કરતા કહ્યુ કે આપણે વૈશ્વિક હરીફાઈનો સામનો કરવા ગુણવત્તા અને આધુનિક ડીઝાઅઈનમા સુધાર કરવો પડશે.સુરતમાં જે ડાયમંડ જ્વેલરી બને છે તે વખાણવાલાયક છે.પરંતુ કયારેક સાંભળવા મળે છે કે ભારતની સરખામણીએ હોંગકોંગની કવોલિટી સારી છે.જેને ધ્યાનમા લઈને ડાયમંડ જ્વેલરીની ડિઝાઇન અને કવોલિટીમાં હજી સુધાર લાવવાની જરૂરિયાત લાગે છે.આ બદલાવથી આપણે જ્વેલરી ઇન્ડસ્ટ્રીને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઉપર ચોકકસ પણે પહોંચાડીશું.કલ્પેશ વઘાસીયાએ જ્વેલરી મેન્યુફેકચરીંગ પ્રોસેસમાં ઉભી થનારી ચેલેન્જ વિશે જણાવ્યું હતું કે જ્વેલરી મેન્યુફેકચરર્સ માટે ડાયમંડ માત્ર રો મટીરિયલ છે.ગ્રાહકની જે પ્રકારની ડિમાન્ડ હોય તે પ્રકારના ડાયમંડનો ઉપયોગ કરીને જ્વેલરી બનાવીને આપવામાં આવે છે.