હવે ડાયમંડ ક્ષેત્રની નાની નિકાસકાર કંપનીઓ પણ સરળતાથી કરી શકશે હીરાની નિકાસ

21

સુરતમાં ફોરેન પોસ્ટ ઓફિસની ચેમ્બરની માંગનો સ્વીકાર : ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમા ભારતના કોમ્યુનિકેશન્સ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે થયુ ઉદ્‌ઘાટન

DIAMOND TIMES – પોસ્ટ વિભાગ દ્વારા ૩ નવેમ્બર-ર૦ર૧ના રોજ સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે ભારત સરકારના કોમ્યુનિકેશન્સ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ‘ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર’ના ઉદ્‌ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે સી.આર. પાટીલ અને અતિથિ વિશેષ તરીકે દર્શનાબેન જરદોશ સહીત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી,ગુજરાતના મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ બી.પી. સારંગી,ડેપ્યુટી ડાયરેકટર જનરલ પ્રણય શર્મા તથા કસ્ટમ વિભાગના અધિકારીઓ અને બીએસએનએલના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

ભારત સરકારના કોમ્યુનિકેશન્સ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા દરેક મંત્રીઓને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સંકલન સાધીને કામ કરવા સૂચન કર્યું છે.જેના ભાગરૂપે ચેમ્બરના માધ્યમથી સ્ટેકહોલ્ડરોના પ્રશ્નોને સાભંળવા ગતતા. ૧૮ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ નાનપુરા, સમૃદ્ધિ ખાતે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડાયમંડ તથા ટેકસટાઇલના નાના એકસપોર્ટરો અને પાર્સલ એકસપોર્ટ કરનારા વેપારીઓને પડતી મુશ્કેલી વિશે જાણવા મળ્યું હતું.
આ મુશ્કેલીને દૂર કરવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા અને એક મહિનાની અંદર તેઓની મુશ્કેલીનો અંત લાવવા માટે ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.ઉદ્યોગોના પ્રશ્નોના નિરાકરણ માટે અમારા તરફથી તમામ પ્રયાસો કરવામાં આવશે.

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સુરતના વિકાસ માટે ઘણી ટીપી પડવાની છે.આથી સુરતના શહેરીજનો તેમજ ઉદ્યોગ કારોને ઉદ્યોગોના એકપાન્શન માટે ઘણો સ્પેસ મળી રહેશે.તેમણે કહયું હતું કે સુરતની દરેક માંગણી પૂર્ણ થાય છે.સુરતને કલ્પના કરતા વધારે પ્રાપ્ત થયું છે.નવી ઇન્ડસ્ટ્રી માટે પાણીની વ્યવસ્થા કરવા મહાનગરપાલિકા દ્વારા કામ કરવામાં આવી રહયું છે.નવી ટેકનોલોજી સુરતમાં આવી રહી છે અને ઉદ્યોગકારોની ઉદ્યોગલક્ષી માંગણી પૂર્ણ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહયા છે.

દેશના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, લોકોના તેમજ ઉદ્યોગોના પ્રશ્નોના નિરાકરણ માટે દરેક મંત્રાલયો દ્વારા સમન્વય સાધીને કામ કરવામાં આવી રહયું છે. સુરતમાં તેમજ દેશભરમાં પોસ્ટની જરૂરિયાતોને ધ્યાને રાખીને સુવિધા વધારવામાં આવી રહી છે. ચેમ્બર દ્વારા પણ ઉદ્યોગોના પ્રશ્નોના નિરાકરણ માટે સારું કામ કરવામાં આવી રહયું છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સમારોહમાં સંબોધન વખતે ‘આંતરરાષ્ટ્રીય વ્યવસાય કેન્દ્ર’ અંગેની પૂર્વભૂમિકા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગત તા. ૧૮ સપ્ટેમ્બર, ર૦ર૧ના રોજ ભારત સરકારના કોમ્યુનિકેશન્સ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે ઉદ્યોગકારોની ઇન્ટરેકટીવ મિટીંગ યોજાઈ હતી. જેમાં પોસ્ટ ઓફિસ અને બીએસએનએલના અધિકારીઓ પણ ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં ચેમ્બર દ્વારા મંત્રીશ્રી સમક્ષ એવી રજૂઆત કરાઇ હતી કે, છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં ફોરેન પોસ્ટ ઓફિસની માંગ પૂરી કરવામાં વિલંબ થઇ રહયો છે. જેના કારણે સુરતના ડાયમંડ તથા ટેકસટાઇલના નાના એકસપોર્ટરો અને પાર્સલ એકસપોર્ટ કરનારા વેપારીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. ચેમ્બરની રજૂઆતને પગલે મંત્રી દેવુસિંહ ચૌહાણે સંબંધિત અધિકારીઓને એક જ મહિનામાં વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે આદેશ કર્યો હતો. જો કે, એક મહિનાની અંદર જ પોસ્ટ વિભાગ દ્વારા ડાયમંડ તથા ટેકસટાઇલના નાના એકસપોર્ટરોના લાભાર્થે ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

આ ઉપરાંત સુરત શહેરમાં ગ્રાહકોને ઇન્ટરનેટ નેટવર્કની સારી સુવિધા મળી રહે તે માટે અમદાવાદથી અધિકારીઓની ટીમ સુરત દોડાવી હતી અને ટીમ દ્વારા ટીએસપીના ડ્રાઇવ ટેસ્ટ કરી બીએસએનએલ, વોડાફોન અને જીઓના જે પોકેટ માં જ્યાં ઇશ્યુ મળ્યા છે.ત્યાં નિરાકરણ લાવવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરત પોસ્ટ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યવસાય કેન્દ્રના ઉદ્‌ઘાટનને પગલે હવે ડાયમંડ- ટેકસ ટાઇલના નાના એકસપોર્ટરો સરળતાથી સુરતથી એકસપોર્ટ કરી શકશે.