બિટકોઇનને માન્યતા આપવાનો અત્યારે પ્રસ્તાવ નથી : નાણામંત્રી

27

DIAMOND TIMES – સરકાર બિટકોઇન ટ્રાન્ઝેક્શનના ડેટા પણ મેળવી નથી રહી એવી સ્પષ્ટતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે બિટકોઇનને કરન્સી તરીકેની માન્યતા આપવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી. સોમવારે લોકસભામાં એક સવાલના જવાબમાં તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર બિટકોઇનના ટ્રાન્ઝેક્શન અંગેના કોઈ જ ડેટા મેળવી રહી નથી.

બિટકોઇન એક ડિજિટલ કરન્સી છે જે લોકોને બેન્ક, ક્રેડિટકાર્ડ ઇસ્યૂ કરનારાઓ કે અન્ય કોઈ ત્રીજા પક્ષની સામેલગીરી વિના સેવાઓ અને ચીજવસ્તુઓ ખરીદવાની અને નાણાંના આદાનપ્રદાનની સુવિધા આપે છે. 2008માં પ્રોગ્રામરોના છૂપા સમૂહે ક્રિપ્ટોકરન્સીની સાથોસાથ એક ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ તરીકે બિટકોઇન લૉન્ચ કર્યા હતા.

કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ રજૂ કરશે. આ બિલમાં કેટલીક ખાનગી ક્રિપ્ટોકરન્સીને બાદ કરતાં અન્ય તમામ પ્રકારની ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે. સાથે જ આરબીઆઇને સત્તાવાર ડિજિટલ કરન્સી લૉન્ચ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.

બોમ્બે હાઇકોર્ટે ક્રિપ્ટો બિલ અંગે જાણકારી માગી
બોમ્બે હાઇકોર્ટે કેન્દ્ર સરકારના ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ અંગે 17 જાન્યુઆરી સુધીમાં જાણકારી આપવા જણાવ્યું છે. એક જનહિત યાચિકા પર સુનાવણી કરતા હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તે સરકારને કાયદો લાવવા માટે આદેશ આપી શકે નહીં. અરજદારે દેશમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અને લેણદેણ અંગે કાયદો બનાવવા સરકારને આદેશ આપવાની માગણી કરવામાં આવી હતી.