અંદાજપત્રમાં આરોગ્ય, શિક્ષણ, શહેરી વિકાસ, ઉદ્યોગો, સોલાર, બંદર, વિજળી, સિંચાઈ સહિતના ક્ષેત્રો માટે કરવામાં આવી મોટી જોગવાઈ, કૃષિ ધિરાણ પર વ્યાજ માફી, ઈલેકટ્રીક વાહનોમાં સબસીડી, તહેવારોમાં ખાદ્યતેલ વિતરણ સહિત અનેકવિધ યોજનાઓ જાહેર,આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોને સરકારી નોકરી અને કોલેજનાં છાત્રોને ટેબલેટ આપવાની જાહેરાત
ડાયમંડ ટાઈમ્સ
ડાયમંડ ટાઈમ્સ
ગુજરાતના નાણાપ્રધાન નીતીન પટેલે રાજયનું અત્યાર સુધીનું સૌથી મોટુ 2.23 લાખ કરોડનું બજેટ રજુ કર્યુ હતું. બજેટમાં નવા નાણાકીય વર્ષમાં 587.88 કરોડની પુરાંત રહેવાનો અંદાજ દર્શાવ્યો છે. રાજયના 2021-22ના નવા નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજુ કરતા નાણાંપ્રધાન નીતીન પટેલે કહ્યું કે કોરોનાના કપરા કાળમાં પણ રાજયની વિકાસ યાત્રાને જાળવી રાખી છે. આ વિકાસયાત્રાને વધુ વેગવંતી બનાવવા અત્યાર સુધીનું સૌથી મોટુ 2,27,029 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.
નવા નાણાકીય વર્ષમાં 167969.40 કરોડની મહેસુલી આવક સામે 166760.80 કરોડનો મહેસુલી ખર્ચ થશે. મહેસુલી પુરાંત 1208.60 કરોડની રહેશે. મુળ આવક 50751 કરોડની અંદાજવામાં આવી છે.જયારે લોન-પેશગી સહિતનો મૂડી ખર્ચ 56571.72 કરોડ રહેશે. જેમાં 5820.72 કરોડની ખાધ રહેવાનો અંદાજ છે. 5200 કરોડના ચોખ્ખા જાહેર હિસાબને ધ્યાને લેતા 587.88 કરોડની પુરાંત રહેવાનું પણ અનુમાન છે.
બજેટ પ્રવચનમાં તેઓએ કહ્યું હતું કે ગુજરાતને સંપૂર્ણ કોરોના મુક્ત બનાવવા, વિકાસયાત્રાને આગળ ધપાવવા સહિત અનેક લક્ષ્યાંકો નકકી કરવામાં આવ્યા છે.છેલ્લા બે દાયકામાં ભાજપ સરકાર દ્વારા દરેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. કોરોનાકાળના કપરા સમયમાં પણ સરકારે 14000 કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ હતું.
તેઓએ કહ્યું કે સામાજીક જવાબદારી નિભાવવા તથા સરકારી-અર્ધસરકારી સેવામાં યુવા વર્ગને સમાવવા આવતા પાંચ વર્ષમાં બે લાખ યુવકોની ભરતી કરવામાં આવશે.આ સિવાય વેપારધંધા ધમધમી રહ્યા છે. ખાનગી ક્ષેત્રમાં રોજગારી સર્જન માટે સરકારે પ્લેટફોર્મ પુરુ પાડયું છે. આવતા પાંચ વર્ષમાં મેન્યુફેકચરીંગ, ફાર્મા, એનર્જી,એન્જીનીયરીંગ, ઈન્ફ્રાસ્ટ્રકચર, આઈટી,પ્રવાસન, હોટેલ, ફુડ પ્રોસેસીંગ, બેંકીંગ અને સર્વિસ સેકટરમાં 20 લાખ જેટલી રોજગારીની તકો ઉભી કરાશે. નવા વર્ષના અંદાજપત્રમાં આરોગ્ય, શૈક્ષણિક, પીવાના પાણી સહીતની પાયાની સુવિધાઓ સુદ્રઢ બનાવવા અને રસ્તા- સિંચાઈ-વિજળી- બંદર સહીતનાં ક્ષેત્રોના વિકાસ માટે માળખાગત સુવિધાઓ મજબૂત બનાવવા પર ખાસ ભાર મુકાયો છે.