નવું વર્ષ : નવા સંકલ્પો

22

 ગયા વર્ષની સરખામણીએ આ વર્ષ વ્યવસાયમાં સારી રીતે વ્યસ્ત રહેવાથી ફટાફટ પસાર થઇ ગયું અને સમય આવી ગયો નવા વર્ષની સોનેરી પ્રભાતનો. ખરેખર તો વર્ષના છેલ્લા મહિનાથી જ આપણું મન નવા વર્ષની શરૂઆત ની તૈયારી અને દિવાળી પછી શું? એ પ્લાન/સંકલ્પો માં જ પરોવાઈ જાય છે.

જનરલી, દરેક સામાન્ય લોકોમાં નવા વર્ષનાં સંકલ્પો કોમન હોય છે જેમકે રેગ્યુલર જીમમાં જવું, નવો ડાયેટ પ્લાન કરવો, નવી ભાષા શીખવી, નવો શોખ વિકસાવવો વગેરે. જયારે, આંત્રપ્રિન્યોર અને ધંધાર્થી લોકોની તરફેણ થોડી અલગ હોય છે. વ્યક્તિગત સંકલ્પો ઉપરાંત નવા વર્ષમાં પોતાના ધંધાની બ્રાન્ડ અને બિઝનેસ કઈ રીતે વધારવો એના વિષે વિચારે છે.

આવનારું નવું વર્ષ દરેક ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટઅપ, નાની કે નામાંકિત કંપનીઓ માટે અઢળક તકોથી ભરપુર હશે કારણકે ઇન્ડસ્ટ્રીઝ અને ગ્રાહકો ઝડપથી શિફટિંગ, અપડેટિંગ અને વધારે ડિમાન્ડિંગ થઇ ગયા છે. તેથી જરૂરી નથી કે નવા વર્ષ માટે મોટા પ્લાન, વિઝન કે રિઝોલ્યુશન્સ હોવા જોઈએ; રોજિંદા વ્યવસાયમાં જ સુક્ષ્મ ફેરફારો કે સુધારા પણ આવનારા વર્ષોમાં ખુબ સારું પરિણામ લાવી શકે છે.ફક્ત જરૂરી છે આપણા નક્કી કરેલા સંકલ્પોને S.M.A.R.T એનાલિસિસ કરીને અમલમાં મૂકીએ.ધ્યાનમાં રાખો કે દરેક સંકલ્પ Specific, Measurable, Attainable, Realistic અને Timely હોવો જોઈએ. તેથી, એક મોડર્ન બિઝનેસમેન અત્યારના ટ્રેન્ડ પ્રમાણે ક્યાં નવા સંકલ્પો લઇ શકે એની આ વર્ષ 2021 ના 21 નવા સંકલ્પો ની યાદી 4 કેટેગરીમાં વિભાજન કરેલી છે.

                                    માર્કેટીંગ

1. વેબસાઈટ બનાવો કે અપડેટ કરો.

પહેલા વેબસાઈટ ફક્ત બિઝનેસનાં પ્રોફેશનલ સ્ટેટસ માટે બનાવતા પરંતુ આવનારા વર્ષોમાં એ મુખ્ય જરૂરીયાત હશે. કોરોનાકાળ પછી જ ગ્રાહક- સપ્લાયર ને રૂબરૂ મળવાનું ચલણ ઓછું થઇ ગયું તેમજ નાનામાં નાના ધંધાર્થીને પણ ગ્લોબલી પોતાની પ્રોડક્ટ કે સેવા વેચવાનો અનલિમિટેડ સ્કોપ છે ત્યારે આપણા ધંધાની, પ્રોડક્ટ કે સર્વિસ ની ઓળખ ફક્ત વેબસાઈટ દ્વારા શક્ય છે. ધંધાનો પ્રકાર, ટાર્ગેટ કસ્ટમર માર્કેટ, પ્રોડક્ટ/સર્વિસ, જરૂરીયાત, બજેટ આધારીત પ્રેક્ટિકલ યુઝર ફ્રેન્ડલી ઓછામાં ઓછા બજેટમાં પણ વેબસાઈટ બનાવીને સામાન્ય નાના વ્યવસાયની પણ વૈશ્વિક ઓળખ ઉભી કરી શકીએ.

2. ઓડિયન્સ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંકળાયેલા રહો.

એક બિઝનેસમેન માટે, સોશિયલ મીડિયા એ માર્કેટિંગ માટેનો મોસ્ટ પાવરફુલ અને એકદમ મફત સોર્સ છે. ટેક્નોલોજીના સદુપયોગ તરીકે સોશિયલ મીડિયાને હકારાત્મક અભિગમ સાથે સ્વીકારી એનો બિઝનેસ કે વ્યક્તિગત બ્રાન્ડ ને મોટા હોર્ડિંગ્સ, ખર્ચાળ એડવર્ટાઈઝમેન્ટ કરતા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને, લાઈક-કમેન્ટ કે શેર કરીને ઓડિયન્સ કે ગ્રાહકો સાથે વધારે સારી રીતે જોડાઈ શકાય છે.

3. માર્કેટિંગ પ્લાન/બજેટ સુનિશ્ચિત કરો.

નવા વર્ષના માર્કેટિંગ પ્લાન માટે બ્રેઇનસ્ટોર્મિંગ કરીએ ત્યારે કન્ટેન્ટ એકદમ સંકુચિત રાખો. ઘણીવાર કંપની/પ્રોડક્ટ બ્રાન્ડને ફેલાવવા વધારે ઓડિયન્સ કવર કરવા બજેટ ઘણુ ફાળવી દઈએ પરંતુ એનું ઇફેક્ટિવ પરિણામ ન મળે. એટલે, જનરલ (માસ) માર્કેટિંગ ની જગ્યાએ સ્પેસિફિક (નીશ) માર્કેટિંગ કે જે ફક્ત ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચે એ વધુ અસરકારક અને ઇકોનોમિક સાબિત થશે. જેમાં છેલ્લા 2-3 વર્ષમાં કરેલા માર્કેટિંગ માંથી એનાલિસિસ કરીને ઇફેક્ટિવ સોર્સ માં વધારે અને નહિવત પરિણામ દેનારને બાદ કરી શકાય.

4. વિડીયો માર્કેટિંગ નો અનુભવ કરો.

2020-21 માં સોશિયલ મીડિયામાં સૌથી ઇફેક્ટિવ લાઈવ રીલ્સ અને વિડિઓ રહ્યા છે. ધંધાર્થી તરીકે પ્રોડક્ટ/સર્વિસ કે કંપનીના લાઈવ શોર્ટ વિડિઓ સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમ દ્વારા પ્રોફેશનલ વિડીઓગ્રાફી કરી કે આવડત મુજબ સરળતાથી જાતે બનાવી, શેર કરી ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી શકાય.

5. ગ્રાહક ના સંતોષમાં વધારો કરવો.

જરૂરી નથી કે બિઝનેસના ક્યાં સ્ટેજ માં છીએ, નવી સ્ટાર્ટઅપ કે ખુબ નામાંકિત બ્રાન્ડ માટે પણ ગ્રાહક સંતોષમાં વધારો અને સુધારો એ ફાયદાકારક છે. નવા વર્ષની શરૂઆત ઉત્તમ સમય છે કે ગ્રાહકોને ટુંકો, પ્રેક્ટિકલ સવાલ સાથે સર્વે મોકલીએ જેમાં આપણા વિષે તટસ્થ અભિપ્રાય આપી શકે. જે આપણી કંપનીને સુધારવામાં, અમુક બાબતોમાં ધ્યાન દોરી ધંધાને સારી રીતે ડેવલપ કરવામાં ખુબ ઉપયોગી નીવડી શકે. ઉપરાંત, સર્વે દ્વારા મળેલા પોઝિટિવ ટેસ્ટીમોનિયલ્સ ને વેબસાઈટ માં ઉમેરી કે માર્કેટિંગ માં પાવરફુલ ટુલ તરીકે અપનાવી શકીએ. ઉપરાંત, ગ્રાહકોને રેગ્યુલર સારી જાણકારી, શુભેચ્છા કે લિમિટેડ ઓફર આપીને વેલ્યુ એડેડ સર્વિસ તરીકે ગ્રાહક સંતોષમાં સુધારો લાવી શકીએ.

6. ગ્રાહકોમાં ફિલ્ટર કરો.

નવા વર્ષની શરૂઆત એ પરફેક્ટ સમય છે કે જયારે આપણે એક સ્ટેપ બેક જઈને એનેલાઇઝ કરી શકીએ કે આપણા ખરા ગ્રાહક કોણ છે. છેલ્લા વર્ષનું સેલ્સ જોઈ, આપણા ગ્રાહકોમાં શું સમાનતા છે એ આધારે ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરી શકાય જે નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી ડેવલપ કરવામાં સહાયરૂપ થાય. ઉપરાંત, કોઈપણ બિઝનેસમાં ટોટલ સેલ્સ અને ટોટલ કસ્ટમર નો 80-20 નો રેશિયો હોય છે એ મુજબ, આપણા 20% કસ્ટમર જે ટોટલ સેલ્સનો 80% હિસ્સો જનરેટ કરે છે એમને વધારે પ્રાયોરીટી અને સર્વિસ આપી શકાય તેમજ ખરાબ અનુભવ થયેલ ગ્રાહકો સાથે ચેતીને વ્યવહાર કરવાની કે બાદ કરવાની ખબર પડે.

7. ચોપડામાં ઊંડી નજર નાખો.

અહીંયા આપણે વાંચવાના પુસ્તકની નહિ, ફાયનાન્સની વાત કરીએ છીએ. છેલ્લા વર્ષનાં રોજમેળમાં બારીકાઈથી ચકાસી ઓબ્ઝર્વ કરો કે ક્યાં વધારાના ખર્ચા હતા જે બાદ કરી શકાય અને કઈ અણધારી આવક હતી જેના પર વધારે ફોકસ કરી શકાય.

8. હરીફો પર નજર રાખો.

ઘણા ધંધાર્થીઓની નજર સતત તેમના હરીફ પર હોય છે. જો આપણે એમ ન કરતા હોઈએ તો શરૂઆત કરી દો. એ માટે ગ્રાહકો પાસેથી હરીફની પોઝિટિવ-નેગેટિવ અપડેટ મળી શકે, સોશિયલ મીડિયામાં ફોલો કરી શકાય. હરીફ દ્વારા નવી ઓફર, પોલિસી, ટેક્નોલોજી કે પ્રોડક્ટ, સર્વિસ વગેરે વિષે અપડેટ રહેવાથી આપણા ધંધામાં શું પરિવર્તન જરૂરી છે એનો ખ્યાલ આવે.

9. રદ કરેલા પ્રોજેક્ટ ને ચાલુ કરવો.

નવા વર્ષમાં અમુક જુના નિષ્ફળ પ્રયત્નોને ફરી ઉજાગર કરી શકાય. ઘણીવાર ચાલુ બિઝનેસને લગતા સબસિડરી બિઝનેસ કે પ્રોડક્ટ માટે કરેલા પ્રયત્નો અમુક સંજોગોવશાત નિષ્ફળ ગયા હોય પણ વિઝન સારું હોય તો નવી સ્ટ્રેટેજી, પ્લાન, બજેટ અને યોગ્ય વ્યક્તિની નિમણુંક કરી ફરી શરુ કરી શકાય.

 

10. કંઈક નવું ઓફર કરો.

નવું વર્ષ મતલબ નવી શરૂઆત. એવી કોઈ પ્રોડક્ટ કે સર્વિસ છે જે તમારા ગ્રાહકોની માંગ છે? અથવા જે રેગ્યુલર વેચો છો એમાં કઈ એડ-ઓન થઇ શકે કમ્પ્લીમેન્ટરી તરીકે? બિઝનેસ બ્રાન્ડ ને નવી પ્રોડક્ટ કે સર્વિસ સાથે અપડેટ કરવાથી નવા ગ્રાહકો તો મળશે જ, સાથે સાથે જુના ગ્રાહકો દ્વારા રીપીટ બિઝનેસ મેળવવાનું સારું કારણ બનશે.
પ્રોડક્ટીવીટી

11. તમારી ટીમમાં રોકાણ કરો.

પ્રોડક્ટિવ એમ્પલોયઝ અને ગ્રોથ નું વાતાવરણ નિયમિત કરવા લંચ અને લર્ન, ગેસ્ટ સ્પીકર દ્વારા સ્પીચ, સારા પુસ્તકોના વાંચન ની વ્યવસ્થા કે એમ્પલોયઝ ને રસ નાં વિષયોમાં ઓનલાઇન કોર્સ કે ક્લાસ માટે ફંડિંગ કરીને આયોજન કરી શકાય. ટીમને શાર્પ રાખવાથી કંપનીની પ્રોડક્ટીવીટીમાં ફાયદો થાય જ છે સાથે સાથે એમની વ્યક્તિગત કાળજી લેવા બદલ સમ્માન અને એપ્રિસિએશન ની લાગણી અનુભવાશે.

12. ટુ ડુ લિસ્ટ ની આદત અપનાવવી.

હવે સ્માર્ટવર્કની જરૂર છે, હાર્ડવર્ક ની નહિ. સફળ આંત્રપ્રિન્યોર હંમેશા ઓફિસના ઓછા સમયમાં મેક્સિમમ પ્રોડક્ટિવિટી પર ધ્યાન આપે છે. દિવસની શરૂઆતમાં આજે કરવાના કામોની યાદી બનાવો, જેમાં અગત્યના 3 કામોને સર્કલ કરો જે થવા જ જોઈએ. કંપનીની પુરી ટીમમાં અપ્લાય કરવું હોય તો રેડી પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટુલ કે સોફ્ટવેર ડેવલપ કરી વર્ક પેટર્ન બનાવી શકાય.

13. ‘ના’ પાડવાની ટેવ પાડો.

થોડું વિચિત્ર લાગે પણ નવા વર્ષનો આ સંકલ્પ અઘરો પણ અસરકારક થશે. આપણી જાતને ના પાડવા જેટલી ફ્લેક્સિબલ અને મક્કમ બનાવીએ તો બિનજરૃરિયાત ટાસ્કથી ભરપૂર દિવસને હળવો બનાવી શકાય. જેટલી બીજાને મદદ કરવાનું મહત્વ છે એટલું જ નમ્રતાથી ના પાડવામાં છે. અનનેસેસરી ટાસ્ક ઓછા કરી પ્રાયોરિટી વર્ક માં ફોકસ કરી સમયનો સદુપયોગ થઈ શકે.

14. ‘ ટાઈમ બ્લોકીંગ’ નો ઉપયોગ કરો.

ટાઈમ-બ્લોકીંગ મેથડ નો ઉપયોગ કરી પ્રોડક્ટિવિટી વધારી શકાય. ‘પોનોડોરો ટેક્નિક’ મુજબ તમે તમારી જાતને ચેલેન્જ સાથે કલાક બ્લોક કરી દો કે જેમાં ફક્ત નક્કી કરેલા ટાસ્ક જ ઝડપથી પુરા કરી દેવાના અને પછી 5-10 મિનિટ નો બ્રેક લેવાનો. આવું આપણી સાથે કે કંપનીના સ્ટાફ સાથે કરવાથી બ્લોકીંગ ટાઈમ માં વ્યક્તિનું મગજ હાઇપર ફોક્સથી, બીજા ડિસ્ટ્રેક્શન વગર ચોક્સાઈથી કામ કરશે અને પછી રિવૉર્ડરૂપે મળતી 10 મિનિટ બ્રેક સ્ટ્રેસ ફ્રી અને હળવા કરી દેશે. (ચાઈના ની એક્યુરસી સાથે આપણા કરતા ડબલ પ્રોડક્શન માટેની આ મુખ્ય સ્ટ્રેટેજી છે)

15. કામની ફાળવણી કરતા શીખીએ.

હજીપણ મોટાભાગ ના આંત્રપ્રિન્યોર વર્ષો જૂની કંપની હોવા છતાં ઘણાખરા કામોનું સંચાલન પોતાના હાથ માં જ રાખે છે, જે વિકાસ રૂંધવા અને વ્યક્તિગત સ્ટ્રેસ માટે નું મુખ્ય પરિબળ છે. નવા વર્ષનું આ મુખ્ય રિઝોલ્યુશન હોવું જોઈએ કે આપણી જવાબદારીઓનો મોટાભાગનો હિસ્સો યોગ્ય સ્ટાફની મદદ લઇ કે એપોઇન્ટ કરી ડેલિગેટ કરતા રહેવું. ધંધાને વિસ્તારવા કે મલ્ટી બિઝનેસ સફળતાપૂર્વક ચલાવવા આ પાયાની જરૂરિયાત છે કે યોગ્ય વ્યક્તિની આવડત અને અનુભવ આધારે ભરોસો કરી કાર્યને ડેલિગેટ કરી ઓટો સિસ્ટમ ઉભી કરવી.

વ્યક્તિગત

16. એક સારા બોસ બનો.

નવા વર્ષની શરૂઆત જાત સાથે અમુક કમિટમેન્ટસ જેમ કે સમયની નિયમિતતા, સુટેવો વગેરેથી કરી શકાય કે જેનો પ્રભાવ સ્ટાફ પર પડે છે. ઉપરાંત, એમ્પ્લોયઝ સાથે સારી રીતે કનેક્ટ થવા પ્રયાસ કરવો, એના માટે ટિમ બિલ્ડીંગ એક્સપિરિયન્સ, રેગ્યુલર મીટિંગ્સ, વન ટુ વન ઇન્ટરવ્યૂ અને ઓબ્ઝર્વેશન, ફીડબેક સિસ્ટમ, રીવોર્ડ સિસ્ટમ વગેરે અમલમાં મૂકી સારા લીડર તરીકે છાપ ઉભી કરી શકાય.

17. હેલ્ધી પ્લાન બનાવો.

વર્ષ દરમ્યાન રમતની ટુર્નામેન્ટ, સ્ટાફ માટે જીમ મેમ્બરશીપ, લંચ ડિલિવરી સર્વિસ, હેલ્ધી નાસ્તો ઓર્ડર કરવા પ્રોત્સાહન, બ્રેક ટાઈમમાં વાંચન, નિયમિત યોગા કસરત માટે ગાઇડલાઇન અને એપ્રિસિએશન વગેરે હેલ્ધી વાતાવરણ ઉભું કરી શકે. ઘણી હેલ્થ ઈન્સ્યુરન્સ કંપનીઓ સારા બેનીફીટ ઓફર કરે છે જેના બિઝનેસમાં હેલ્ધી વાતાવરણ હોય.

18. સમયાંતરે શોર્ટ વેકેશન લો.

ફોન કે લેપટોપ ને દૂર રાખીને ક્યારેક જાતને, પરિવારને સમય આપવો એ મોસ્ટ રિફ્રેશિંગ મોડ છે કે જે તમને નવી એનર્જી સાથે વર્કમાં ફોકસ કરવા મદદરૂપ થશે.

19. માનસિક હેલ્થ માટે પ્રાયોરિટી આપો.

અત્યારે સ્ટ્રેસ અને ડિપ્રેશન કોમન ડિસઓર્ડર થઈ ગયા છે એટલે મેન્ટલ હેલ્થ એ વર્લ્ડનો હોટ ટોપિક છે. જીમમાં બળ કરવું અને લેસ કાર્બોહાઇડ્રેટ ખાવું એ તો કોમન છે જ પણ સૌથી વધારે મેન્ટલ હેલ્થ લોકોના રડાર માં છે. એટલે, નવા વર્ષમાં માનસિક તંદુરસ્તીને પ્રાયોરિટી આપવી, જરૂર જણાય તો ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય સારવાર અવશ્ય લઇ શકાય.

20. ભુલોમાંથી શીખીએ.

સ્ટેપ બેક વિચારીને ગયા વર્ષોમાં કરેલી ભુલો રિપીટ ન થાય એ ખાસ તકેદારી રાખીએ. એ ભુલ – અનુભવ માંથી શીખીને અપડેટ થઇ બિઝનેસ ને વધુ સારો બનાવવા પ્રયત્ન કરીએ.
21. ખુલ્લા મનથી કંઈક આપીએ.
રૂપિયા આપવાની વાત નથી. એક સ્વયંસેવક કે મેન્ટર તરીકે આપણી સારી આવડત વહેંચીને આત્મસંતુષ્ટિ નો આનંદ મેળવીએ. નવા સ્ટાર્ટઅપ યુવા આંત્રપ્રિન્યોર ને પીઢ- અનુભવી બિઝનેસમેન દ્વારા દિલથી મળેલી એક વાક્યની સલાહ પણ જીવનમંત્ર બની શકે. નવા જનરેશન ને એને શું કરવું જોઈએ? એની થોકબંધ સલાહ ની જરૂર નથી. આપણા કરતા અપડેટેડ વર્ઝન છે એટલે એને જે કરવું છે એ કઈ રીતે? અને શું ધ્યાન રાખવું એ સલાહ આપી રસ્તો જરૂર ખુલ્લો કરી શકીએ. સારી સ્કિલ, સારા વિચારો અને અનુભવ દ્વારા સમાજ કે રાષ્ટ્રની સેવાનો નાનામાં નાનો સંકલ્પ પણ ઉજ્જવળ ભવિષ્યનાં નિર્માણમાં સહાયરૂપ થઇ શકે.

દિપોત્સવ પર્વ અને નુતન હિંદુ વર્ષ વિક્રમ સંવંત 2078 ની સૌ વાચકમિત્રોને હાર્દિક શુભકામનાઓ…