JCKમાં નિષ્ણાંતોનું અવલોકન : વિકસતા જંગી બજારનો લાભ મેળવવા લેબગ્રોનની કિંમતો સ્થિર રાખવાની આવશ્યકતા

368

DIAMOND TIMES : જેસીકે લાસ વેગાસમાં લેબગ્રોન હીરા અને ટ્રેસીબિલિટી એ વાતચીતના મુખ્ય વિષયો હતા. ખરીદદારો લેબગ્રોન હીરાના વ્યવસાય અંગે વધુ આશાવાદી જણાતા હતા. સાન એન્ટોનિયોમાં સ્ટોન ઓક જ્વેલર્સના માલિક ડેન ડિમેંટે મીડીયાને જણાવ્યું હતું કે લેબગ્રોન હીરાની બજારમાં ઘણી વધુ સ્વીકૃતિ છે. પરંતુ ગ્રાહકો તેની કિંમતો અંગે વધુ સ્પષ્ટતા ઈચ્છે છે. કારણ કે લેબગ્રોન હીરાની અસ્થિર કિંમતોથી ગ્રાહકો ભયભીત અને અસમસંજની સ્થિતિમાં છે. જેથી લેબગ્રોનની ખરીદીમાં ખચકાટ અનુભવે છે. તેમણે કહ્યું કે જો આ સમસ્યાનાનું નિવારણ આવી જાય તો લેબગ્રોન હીરા ઉદ્યોગ રોકેટ ગતિએ પ્રગતિ કરવા સક્ષમ છે. આ બાબતને ધ્યાને રાખી તેમણે લેબગ્રોનની કિંમતોમાં સ્થિરતા લાવવા માટે તાત્કાલિક અસરકારક પગલા ભરવાની મોટા ગજાના કારોબારીઓને અપીલ કરી હતી.

ક્રાફ્ટ લેબગ્રોન ડાયમંડ્સના પ્રેસિડેન્ટ જેફરી કોહેને સ્વીકાર્યું કે લેબમાં ઉગાડવામાં આવતા હીરાની માંગ જે રીતે વધી રહી છે,તેની તુલનાએ તેની કિંમતો આગળ વધી રહી નથી. કેટલાક વેપારીઓ ભવિષ્ય કે લાંબાગાળાના વ્યવસાય વિશે વિચાર્યા વગર હીરાનું ડમ્પિંગ કરે છે. તેઓ એટલા નીચા ભાવે માલ ફેંકી રહ્યાં છે કે ગ્રાહકો આટલું સસ્તું પણ નથી માંગતા. આવી સ્થિતિ વચ્ચે લોકો પૂછે છે કે લેબગ્રોન હીરાની વાસ્તવિક કિંમત શુ છે ? અને તેની નીચામા નીચી કિંમત શુ છે ? આ સવાલનો જવાબ આપવો અમારા માટે પણ કઠીન છે.

સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશન પર તમામની આશાભરી નજર

એક તરફ લેબગ્રોન હીરાના ઉત્પાદન સાથે સંકળાયેલી કેટલીક ભારતિય કંપનીઓએ લાસવેગાસમાં મોટી સાઈઝના લેબગ્રોન હીરા પ્રદર્શિત કરી પોતાની સર્વશ્રેષ્ઠતાનો વિશ્વમાં ડંકો વગાડી દીધો છે.તો બીજી તરફ લેબગ્રોન હીરાનું અત્યંત નીચી કિંમતે બજારમાં વેંચાણ થતુ હોવાના અહેવાલ આવી રહ્યા છે.

આ સમસ્યા નિવારવા અને લેબગ્રોન વૈશ્વિક બજારની વિસ્તરતી જતી અપાર સંભાવનાઓનો લાભ લેવા લેબગ્રોન હીરાની કિંમતો સ્થિર રાખવાની આવશ્યકતા છે. ત્યારે આ માટે સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશન પર ઉદ્યોગકારોની આશાભારી નજર કેન્દ્રીત થઈ છે. કારણ કે સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા ઉદ્યોગ માટે અનેક પરિવર્તનશીલ અને લાભકારી કાર્યો થયા છે. જેથી લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને હોદ્દેદારોની નિસ્વાર્થ ભાવે કામ કરવાની વિશેષ ક્ષમતાઓથી સહુ કોઈ સારી રીતે વાકેફ છે. પરિણામે એસો.પાસે ઉદ્યોગને આશા છે.

મંદીના વાદળો વિખેરાઈ જતા હવે તેજીનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રીત કરજો : બાબુકાકા વાઘાણીની ઉદ્યોગકારોને અપીલ

લેબગ્રોન હીરાના ઉત્પાદન સાથે સંકળાયેલી કેટલીક ભારતિય કંપનીઓ એ જેસીકે લાસવેગાસમાં મોટી સાઈઝના લેબગ્રોન હીરા પ્રદર્શિત કરી આ ક્ષેત્રે સુરતની સર્વ શ્રેષ્ઠતાનો ડંકો વગાડી દીધો છે. આવા સકારાત્મક માહોલ વચ્ચે લાસવેગાસથી પણ લેબગ્રોન હીરાના જંગી ઓર્ડર મળ્યા હોવાના ખુશીના સમાચાર અને અહેવાલ આવ્યા છે. આ અહેવાલને સમર્થન આપતા સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ કહ્યું કે હવે મંદીના વાદળો વિખેરાઈ ગયા છે અને તેજીનો સુર્યોદય થઈ ચુક્યો છે. કારણ કે જેસીકે લાસવેગાસમાં આપણી અપેક્ષાઓથી પણ અધિક ઓર્ડર પ્રાપ્ત થયા છે.

બાબુકાકા વાઘાણીએ ઉત્સાહજનક પ્રતિસાદ આપતા કહ્યું કે લેબગ્રોન હીરાની નીચી કિંમતો અંગે જેસીકે લાસવેગાસમાં નિષ્ણાતો દ્વારા વ્યકત કરવામાં આવેલી ચિંતાઓથી અમો સારી રીતે વાકેફ છીએ. અમો આ સમસ્યાના નિવારણ માટે મક્કમ પણ છીએ. તેમણે ઉમેર્યુ કે વર્તમાન કિંમતથી નીચી કિંમતે હવે લેબગ્રોન હીરાનો કારોબાર શક્ય જ નથી. જેથી હવે વધુ ભાવ તુટવાની ચિંતા કર્યા વગર વર્તમાન તેજીનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ. તેમણે કહ્યું કે વર્તમાન સમયે જે ભાવે માલ વેંચાઈ રહ્યો છે તે ભાવ પોષણક્ષમ છે. આવી બજાર સ્થિતિમાં ભલે આપણે જંગી નફો ન રળી શકીએ, પરંતુ કારીગરોને સાચવી આરામથી કારખાનાઓએ ચલાવી શકાય તેવી આદર્શ સ્થિતિનું ઉદ્યોગમાં નિર્માણ થઈ ચુક્યુ છે.

લેબગ્રોન હીરાની કિંમતો સ્થિર રાખવા એસોસિએશન સંકલ્પ બધ્ધ : હરેશભાઈ નારોલા

લેબગ્રોન હીરાના વૈશ્વિક બજારની વર્તમાન સ્થિતિ અંગે પ્રતિભાવ આપતા સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ હરેશભાઈ નારોલાએ કહ્યું કે લેબગ્રોન હીરાને અસ્થિર કિંમતોની સમસ્યાથી અમો સારી રીતે વાકેફ છીએ. વધુમાં તેના નિવારણ માટે કઈક નક્કર કરવા પણ ઉત્સુક છીએ. તેમણે લેબગ્રોન ઉદ્યોગ માટે ખુશીના સમાચાર આપતા કહ્યું કે JSK લાસવેગાસ-2023માં સંતોષ કારક કિંમતોથી લેબગ્રોન હીરાના ખુબ મોટા ઓર્ડર મળ્યા છે.

તેમણે બીજી એક સકારાત્મક બાબત અંગે પ્રકાશ પાડતા કહ્યું કે લેબગ્રોન ક્ષેત્રની મોટી કંપનીઓએ હવે ઓપન બજારમાં રફ હીરાનું વેંચાણ કરવાના બદલે ઇન હાઉસ હીરા પોલિશ્ડ કરી તેની નિકાસ કરી રહી છે. જેનાથી લાંબાગાળાના વ્યવસાય વિશે વિચાર્યા વગર થતા હીરાના ડમ્પિંગ પર કન્ટ્રોલ આવી જવાની સંભાવનાઓ છે. અંતમાં તેમણે લેબગ્રોન હીરાની કિંમતો સ્થિર રાખવા માટે જરૂરી અને યોગ્ય પગલાઓ ભરવા એસોસિએશન સંકલ્પ બધ્ધ હોવાની તેમણે ખાત્રી આપી હતી.