વ્યાજની આવક પાંચ હજારથી વધુ હશે તો બેંકોએ આયકર વિભાગને આપવી પડશે માહિતી

આયકર ચોરી રોકવા સીબીડીટીએ નવા દિશા નિર્દેશો જારી કર્યા,તમામ ડિવિડન્ડની માહિતી પણ આયકરને આપવી પડશે, જો કે પીપીએફ, સુકન્યા સમૃધ્ધિ ખાતા આ દાયરાથી બહાર.

આયકરની ચોરી રોકવા અને રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે સીબીડીટીએ બેંકો અને કંપનીઓ માટે નવા દિશા નિર્દેશો જારી કર્યા છે. હવે બેંકોએ પાંચ હજાર રૂપિયાથી વધુ વ્યાજ આવકવાળા ખાતેદારોની માહિતી આવકવેરા વિભાગને આપવાની રહેશે.બેંકોને બચત ખાતા, રિકરીંગ એકાઉન્ટ, ફિકસ ડિપોઝીટ એકાઉન્ટ સહિત તમામ ખાતામાંથી મળતા વ્યાજની આવકની માહિતી આવકવેરા વિભાગને મોકલવાની રહેશે. પોસ્ટ ઓફિસ, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અને બોન્ડ જારી કરતી કંપનીઓએ પણ આ માહિતી આપવી પડશે.

જો કે પીપીએફ, સુકન્યા સમૃધ્ધિ ખાતા,અનિવાસી ખાતા વગેરેથી થનારી વ્યાજની આવકની માહિતી આ દાયરામાં નથી. કંપનીઓએ તમામ ડિવિડન્ડની માહિતી આયકર વિભાગને મોકલવી પડશે.ડિવિડન્ડની હજુ સુધી કોઇ સીમા નક્કી કરવામાં આવી નથી.