નામડેબ અને ડીબિયર્સ વચ્ચે રફ હીરાના વેંચાણને લઈને સંઘર્સ થવાની સંભાવના

27

DIAMOND TIMES – નામડેબ કંપની રિપબ્લિક ઓફ નામિબિયા અને ડીબિયર્સ ગ્રૂપ વચ્ચે 50 ટકા ભાગીદારી ધરાવતુ એક સંયુક્ત સાહસ છે.જે નામિબિયા સ્થિત ઓરેન્જ રિવર માઇન્સ,સધર્ન કોસ્ટલ માઇન્સ અને નોર્ધન કોસ્ટલ માઇન્સમાં રફ હીરાનું ખાણકામ અને ઉત્પાદન કરે છે.

નામડેબ અને ડીબિયર્સ ગ્રૂપ વચ્ચે ભાગીદારીના વર્તમાન કરાર મુજબ બંને વચ્ચે ભલે 50 ટકાની ભાગીદારી હોય,પરંતુ રફના કુલ સંયુક્ત વાર્ષિક ઉત્પાદન પૈકી નામડેબને માત્ર 15 ટકા જ રફ હીરાનો જથ્થો સ્વતંત્ર રીતે વેંચવાનો અધિકાર છે.જ્યારે બાકીના રફ હીરાનું ડીબિયર્સ દ્વારા વેંચાણ કરવામાં આવે છે.પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર નામ ડેબ હવે રફના કુલ સંયુક્ત વાર્ષિક ઉત્પાદન પૈકી 50 ટકા જથ્થો પોતાની રીતે વેંચવા માંગે છે.આ મામલે બંને ભાગી દારો વચ્ચે ખટરાગ થવાની સંભાવના છે.

નામીબિયન અખબારને આપેલી મુલાકાતમાં કંપનીના ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ ઓફિસર સ્વેન વોન બ્લોટનિટ્ઝને કહ્યુ કે અમો ડીબિયર્સ સમક્ષ અમારી માંગણી મજબુત રીતે પણ અત્યંત સાવધાની પૂર્વક કરવાના છીએ.કારણ કે કંપની માત્ર રફ હીરાનું ઉત્પાદન કરવાના બદલે રફ હીરાના વેંચાણ અને ડાયમંડ ટ્રેડિંગ વેલ્યુ ચેઇનમાં સંપૂર્ણ રીતે સ્થાપિત થવા માટે કટિબદ્ધ બની છે.

નામડેબ કંપની પ્રથમ કોન્સોલિડેટેડ ડાયમંડ માઈન્સ (CDM) તરીકે ઓળખાતી હતી.જેને એકીકૃત કર્યા પછી વર્ષ 1994 માં નામીબિયન સરકાર વચ્ચે ભાગીદારી થતા નામડેબ અસ્તિતવમાં આવી હતી.ત્યારબાદ વર્ષ 2011માં નામીબિયા પ્રજાસત્તાકની સરકાર અને ડીબિયર્સ ગ્રૂપ વચ્ચે ભાગીદારી માટે હસ્તાક્ષર થતા નામડેબની માલિકીનું માળખું બદલાયુ હતુ.