મુંબઈ સ્કોર્પિયો વિસ્ફોટક કેસમાં ધડાકો : મુંબઈના ઝવેરીએ સચિન વઝે માટે હોટેલમાં કરાવ્યો હતો રૂમ બૂક

623

DIAMOND TIMES- મુંબઇમાં મુકેશ અંબાણીના ઘર નજીક સ્કોર્પિયો કારમાંથી મળી આવેલા વિસ્ફોટકોના કેસમાં ઍન્ટિ ટેરરિસ્ટ સ્કવૉડ (એટીએસ)ના અધિકારીઓએ સચિન વઝેની ધરપકડ કર્યા બાદ આ કેસમાં રોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે.એટલું જ નહીં પરંતુ આ કેસમાં ગુજરાત કનેકશન પણ બહાર આવવા લાગ્યું છે.પ્રથમ તો એટીએસે ગુજરાતી બુકી નરેશ ગોરની ધરપકડ કરી હતી. ત્યારબાદ હવે એવો ખુલાસો થયો છે કે સચિન વઝે જે ફાઇવ સ્ટાર હોટેલમાં રહ્યો હતો એનું બુકિંગ તેમ જ પેમેન્ટ ઝવેરી બજારના એક વેપારીએ કર્યુ હતુ. મનસુખ હિરણની હત્યા માટે જે સિમ કાર્ડ વાપરવામાં આવ્યાં હતાં એનું પગેરૂ પણ અમદાવાદમાં મળી આવ્યું છે.આ ઉપરાંત હોટેલમાં રોકાણ દરમિયાન જે મહિલા સચિન વઝે સાથે રોકાઈ હતી તે પણ ગુજરાતની હોવાનું કહેવાય છે.

25 લાખ રૂપિયામાં 100 દિવસ માટે કરાવ્યો હતો રૂમ બૂક

મુંબઈની ટ્રાઇડન્ટ હોટેલમાં સચિન વઝે માટે મુંબઈના એક ઝવેરીના કહેવાથી 25 લાખ રૂપિયામાં 100 દિવસ માટે એક રૂમ બુક કરાવવામાં આવ્યો હતો.આ રૂમનું દરરોજનું ભાડું 10,000 રૂપિયા હોવાનું કહેવાય છે.વેપારીએ વઝેને મુંબઈની તાજ,ટ્રાઇડન્ટ અને ઓબેરોય હોટેલનો વિકલ્પ આપતા સચિન વઝેએ હોટેલ ટ્રાઇડન્ટ પસંદ કરી હતી.આ ત્રણેય હોટેલ વઝેની ઑફિસથી નજીક હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) સૂત્રના કહેવા પ્રમાણે ટ્રાઇડન્ટ હોટેલના રૂમ નંબર 1964માં અઢળક પુરાવાઓ મળી આવ્યા કે તેના આધારે અનેક મોટા માથાઓના નામ સામે આવશે ત્યારે ખળભળાટ મચી જશે.

ચીટીંગના નાણા કઢાવવાની સચિન વઝેને આપી હતી જવાબદારી

મુંબઈના ઝવેરીએ કરી આપેલા હોટલ બુકીંગ અંગે ખુલાસો કરતા એટીએસનાં સૂત્રોએ કહ્યુ કે આ ઝવેરીનું અન્ય એક ઝવેરી રૂપિયા 80 લાખનું ચિટીંગ કરી ગયો છે.તેમણે આ અંગે એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં બીજા ઝવેરી વિરુધ્ધ ચીટિંગનો કેસ પણ કર્યો છે. આ ઝવેરીએ 80 લાખની રિકવરી માટે સચિન વઝેનો સંપર્ક કર્યો હતો.સચિન વઝેએ તેને આ કેસ સીઆઇયુ (ક્રાઇમ ઇન્ટેલિજન્સ યુનિટ)માં ટ્રાન્સફર કરીને મદદ કરવાનું વચન આપ્યુ હતુ. આ કામ કરી આપવના બદલામાં સચિન વઝેએ એ ઝવેરીને ટ્રાઇડન્ટ હોટેલનું બિલ ભરવાનું કહ્યું હતુ.

હોટેલ બુકીંગ માટે બનાવટી આધાર કાર્ડનો ઉપયોગ
હોટેલ વિશે માહિતી મળતાં એનઆઇએની ટીમે હોટેલ પહોંચીને તપાસ હાથ ધરી હતી.ટીમ દ્વારા હોટેલના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ, બુકિંગ રેકૉર્ડ સહિત સ્ટાફનાં સ્ટેટમેન્ટ લીધાં હતાં.એનઆઇએને જણાયું હતું કે સચિન વઝે માટે મુંબઈના જ્વેલરીના વેપારીના કહેવાથી હોટેલના19 મા માળ પર રૂમ નંબર 1964 બુક કરવામાં આવ્યો હતો.આ રૂમ બુક કરાવવા માટે બનાવટી આધાર કાર્ડ આપવામાં આવ્યું હતું.આ આઇડી કાર્ડમાં સચિન વઝેનું નામ સુશાંત સદાશિવ ખામકર લખેલું જોવા મળ્યું હતું.આ માહિતી ટીમને મળતાં હવે એનઆઇએની ટીમે રૂમ બુક કરાવનાર જ્વેલર સાથે પૂછપરછ કરી હતી.