હીરા ઉદ્યોગમાં સોમવારથી 21 દીવસનુ વેકેશન તો મુંબઈ હીરા બજાર 9 નવેમ્બર સુધી રહેશે બંધ

60

DIAMOND TIMES- સ્કુલમાં અભ્યાસ કરતા બાળકોના 21 દિવસના વેકેશનને ધ્યાનમાં રાખીને હીરા ઉદ્યોગે પણ તમામને અનુકુળતા રહે એ માટે સોમવારથી 21 દીવસનુ સમાંતર વેકેશન રાખવાનો નિર્ણય લીધો છે.જેથી રત્ન કલાકારો-કર્મચારીઓ સહીત હીરાના કારોબાર સાથે સંકળાયેલા વેપારીઓ પરિવાર સાથે વધુમાં વધુ સમય વિતાવી મનભરીને વેકેશનની મજા માણી શકે.

ચાલુ વર્ષ હીરા ઉદ્યોગ માટે ગોલ્ડન પીરીયડ રહ્યો છે.આમ છતા રફ હીરાની આસમાને આંબતી કીંમત અનેક કંપનીઓ માટે ચિંતાનો વિષય બની છે.૨ફ હીરાની ૩૦ ટકા સુધીની વધેલી કીંમત અને પોલિશ્ડ હીરાની ઘટેલી માંગને સમતોલ કરવા કેટલીક કંપનીઓએ અત્યારથી જ વેકેશન જાહેર કરીને ઉત્પાદન કાર્ય અટકાવી દીધુ છે.કેટલીક કંપનીઓ દ્વારા આ મુજબના પગલાઓ ભરવામાં આવતા હીરાના ઉત્પાદન પર અસર થઈ છે.

મુંબઈથી મળતા અહેવાલ મુજબ આગામી દીવાળીના વેકેશનને ધ્યાનમાં રાખી મુંબઈના હીરા બજાર 9 નવેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.ભલે હીરાનું ઉત્પાદન કાર્ય 21 દીવસ સુધી બંધ રહે પરંતુ હીરાના ટ્રેડીંગ કામકાજ લાભ પાંચમના રોજ શરૂ થવાની હાલ તો ધારણા રાખવામાં આવી છે.

કારખાનેદાર મિત્રોએ સાવચેતી પુર્વક રફ્ની ખરીદી કરવી જોઇએ : નિલેશભાઈ બોડકી

દીવાળી વેકેશન અને રફ હીરાની કીંમતો અંગે પ્રતિભાવ આપતા નિલેશભાઈ બોડકીએ કહ્યુ કે રફ હીરાના ભાવમાં છેલ્લા 6 થી 8 મહિનામાં ક્રમશ: 30 થી 35%નો જંગી ભાવ વધારો થયો છે.જ્યારે તેની તુલનાએ પોલિશ હીરામાં માત્ર 10 થી 15 ટકાનો મામુલી ભાવ વધારો નોંધાયો છે.પરિણામે કારખાનેદારોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.

આ પ્રકારની નકારાત્મક પરિસ્થિતિ નિવારવા અને રફ હીરાની કીંમતો પર કાબુ મેળવવા રફની ખરીદી સ્થગીત કરવી પડે તેમ છે.અગાઉ પણ ઉત્પાદન પર કંટ્રોલ કરી રફ હીરાની કીંમત પર કાબુ મેળવ્યાના ભુતકાળમાં અનેક દાખલાઓ છે.જેથી તમામ કારખાનેદાર મિત્રોએ સંપીને સાવચેતી પૂર્વક રફ હીરાની ખરીદી કરવાનો સમય આવી ગયો છે.જો આપણે રફ હીરાની ખરીદી પર અંકુશ મૂકી શકીશું તો આ બાબતે આપણે સફળ થઈશુ

હીરા-ઝવેરાતની વૈશ્વિક માંગના પગલે કોરોના મહામારી વચ્ચે ચાલુ વર્ષે હીરા ઉદ્યોગ માટે નફાકારક રહ્યુ છે.તેની પાછળનું એક કારણ એ જોઈ શકાય કે અમેરિકાના લોકોએ મળેલી સરકારી સહાય અને કરેલી બચત જ્વેલરી અને જેમ્સ સેક્શન માટે ખર્ચ કરતા આ વર્ષની તેજી પાછળ તે કારણ ગણી શકાય છે.અંતમા તેમણે વેકેશન અંગે કહ્યુ કે 21 દિવસ નું વેકેશન એ શાળાના વેકેશનને ધ્યાનમાં રાખીને અપાયુ છે કે જેથી કારીગરો સમયસર પાછા ફરે અને તેનાથી રફ હીરાની કીંમતો પર પણ અંકુશ લાવી શકાય.