હીરાની ખાણમાથી માતા અને બે બાળકોના મૃતદેહ મળી આવતા સ્થાનિકો અને ચીનની મીલીટ્રી કંપની અન્જીન વચ્ચે અથડામણ

21

DIAMOND TIMES -ચીનની મીલિટ્રી કંપની અન્જીનની માલીકીની ઝિમ્બાબ્વે સ્થિત હીરાની ખાણામાથી માતા અને બે બાળકોના મૃતદેશ મળી આવતા સ્થાનિક લોકો અને ચીનની મીલિટ્રી કંપની અન્જીન વચ્ચે અથડામણ થઈ છે.સ્થાનિક મીડીયાના અહેવાલ અનુસાર એક માતા અને તેના બે નાના બાળકોના મૃતદેહ અન્જીનની માલીકીની ખાણમાં આવેલા એક ખુલ્લા ખાડામાંથી મળી આવ્યા છે.આ ઘટના ઘરેલું વિવાદથી સંબંધિત હત્યા અથવા આત્મહત્યાની હોઇ શકે તેવું સ્થાનિક મીડીયાનું માનવુ છે.

ઝિમ્બાબ્વેના એક પ્રાંતમાં ચિયાડ્ઝવા ગામ નજીક ચીનની મિલિટ્રી કંપની દ્વારા હીરાનું ખાણકામ ચાલી રહ્યુ છે.અહેવાલ મુજબ ચીનની કંપની અન્જીને પ્રોટોકોલ તોડીને ઝિમ્બાબ્વેમાં હીરા ખાણકામ શરૂ કર્યુ છે.ચિયાડ્ઝવા ગામ નજીક હીરાની ખાણ નજીક ખાડાઓને સીલ કરવામાં અને તેમાં પાણી ભરાતા અટકાવવામાં નિષ્ફળ જવા બદલ માતા અને તેના બે બાળકોના મોતની આ ઘટનાથી અન્જીન કંપની સામે સ્થાનિક લોકોમાં રોષ ભભુકી ઉઠતા ગ્રામવાસીઓ અને કંપની સાથે આ મુદ્દે ભારે અથડામણ ચાલુ છે.ખાણકામ કંપની સામે હિંસા કરવાના આરોપમાં સંખ્યાબંધ ગ્રામજનોની ધરપકડ કરવા માં આવી છે.પરંતુ બાદમા તેને જામીન પર મુકત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે વર્ષ 2016માં અન્જીન સામે સ્થાનિકોના રોષથી મુગાબે વહીવટીતંત્ર દ્વારા અંજિનને હીરા ખાણકામ કરતી અટકાવી તેનું લાઈસન્સ રદ્દ કરવામાં આવ્યુ હતુ.પરંતુ મુગાબેના અનુગામી પ્રમુખ એમર્સન મનાન્ગાગ્વા દ્વારા હીરા ક્ષેત્ર દેશના બિમાર અર્થતંત્રને વેગ મળશે તેવી આશાએ અન્જીનને ખાણકામ માટે પુન: મંજૂરી આપવામાં આવી છે.

ઝિમ્બાબ્વેના તત્કાલિન અને સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેની ભ્રષ્ટ સરકાર અને ચીનની અનહુઇ ફોરેન ઇકોનોમિક કન્સ્ટ્રક્શન કંપની(એએફઇસીસી)વચ્ચે ખાસ કરાર કરવામાં આવ્યા છે.જે મુજબ ચીન ઝિમ્બાબ્વેમાં રોડ-રસ્તાઓ,સ્કુલો  હોસ્પીટલ સહીતનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરી આપે તેના બદલામાં ઝિમ્બાબ્વે ડ્રેગનને રફ હીરાથી સમૃદ્ધ તેના મરાંગે વિસ્તારમાં હીરાના ખોદકામની પરવાનગી આપે.આ કરાર પછી ચીને તેની કંપની અન્જીનને ઝિમ્બાબ્વેમાં ઘુસાડી દીધી હતી.પછી તો ડ્રેગને મુગાબેની ભ્રષ્ટ સરકારના અધિકારીઓના મેળાપીપણામાં ઝિમ્બાબ્વેની રાષ્ટ્રીય સંપતિ લુંટવામાં કશુ જ બાકી રાખ્યુ ન હતુ.આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ચીનની સરકારે માત્ર બે વર્ષના સમય ગાળામાં ઝીમ્બાબ્વેમાથી ઉત્પાદીત રફ હીરાના બે મોટા ઓકશન યોજીને કરોડો ડોલરની કમાણી કરી છે.

પરંતુ આ મુદ્દે શિક્ષણ-આરોગ્ય અને અન્ન સહીતની પાયાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત અને બેરોજગારથી ત્રાહીમામ ઝિમ્બાબ્વેના યુવાઓ દ્વારા અન્જીનનો મોટાપાયે વિરોધ કરી એક આંદોલન ચલાવવામાં આવ્યુ હતુ.આ આંદોલનમાં લોકોની માંગ હતી કે દેશની રાષ્ટ્રીય સંપતિ પર કોઇ વિદેશી કંપનીઓનો નહી,પરંતુ દેશના નાગરીકોનો અધિકાર હોવો જોઇએ.જેથી સરકારે તાત્કાલિક મરાંગેમાં હીરાના ખાણકામ માટે વિદેશી કંપનીઓને આપેલા લાયસન્સ (પરવાનગી) રદ્દ કરવા જોઇએ.

આંદોલન વધુ ઉગ્ર બનતા તત્કાલિન મુગાબેની ભ્રષ્ટ સરકારે વર્ષ 2016માં ચીનની અન્જીન સહીતની વિદેશી માઈનિંગ કંપનીઓના પરવાના રદ્દ કરવાની ફરજ પડી હતી . જેના કારણે ચીનની મિલિટ્રી કંપની અન્જીનને પણ પોબારા ભણી જવાની નોબત આવી હતી.ત્યારબાદ ઝીમ્બાબ્વેની સરકારે હીરાના ખાણકામ માટે ZCDC ( ઝિમ્બાબ્વે કોન્સોલિડેટેડ ડાયમંડ કંપની) ની સ્થાપના કરી હતી.ત્યારબાદ મરાંગે વિસ્તારમાં ઝિમ્બાબ્વેમાં સરકારની કંપની ZCDC હીરાનું ખાણ કામ કરતી હતી.

જો કે રોબર્ટ મુગામ્બેની સરકારના પતન પછી ચીન સરકારના ટેકાથી 2017માં ઝિમ્બાબ્વેમાં ઇમર્સન મનાંગાગવાની સરકાર સત્તામા આવી હતી.ત્યારબાદ 2019માં રાષ્ટ્રપતિ ઇમર્સન મનાંગાગવાના નવા વહીવટી તંત્રએ અન્જીનને  હીરાના ખાણકામ માટે ફરીથી મંજૂરી આપી હતી.જેનો ફાયદો ઉઠાવી ડ્રેગને મરાંગે વિસ્તારમાં પ્રોટોકોલ તોડીને હીરા ખાણકામ શરૂ કરતા તેનો ઉગ્ર વિરોધ થયો છે.