સવજીભાઈ ધોળકિયાના અધ્યક્ષ સ્થાને આયોજીત સમર્પણ ગૌરવ સમારોહમાં વિરજવાનોના પરિવારોને 40 લાખથી વધુની સહાય

78
સુરતના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ ચિત્રોની થઈ હરાજી,કારગીલ વિજય માટે ટર્નિગ પોઈન્ટ ટોલોલીંગ ટેકરીનું પેઈન્ટિંગ હીરા વેપારી સવજીભાઈ ધોળકિયાએ રૂ. ૧૧ લાખમાં ખરીદયું ,આ રકમ વીરજવાનોના પરિવારને અર્પણ કરવાનો સંકલ્પ, સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિયેશન તરફથી દરેક પરિવારોને 11 – 11 હજારની સહાય અપાઈ,કુલ 22 વિરજવાનોના પરિવારોને 40 લાખથી વધુની આર્થિક સહાય

DIAMOND TIMES : પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાની અધ્યક્ષ સ્થાને જય જવાન નાગરિક સમિતિ સુરતના સંકલનથી વિવિધ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે કારગીલ વિજય દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.સવારે યુવાટીમ,યુવા સંસ્કૃતિ ટીમ અને સુસંસ્કારદીપ મંડળ તરફથી પુષ્પાંજલીમાં ૧૧ વિરજવાનોના પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.ત્યાર પછી રોટરી ક્લબ ઓફ સુરત તરફથી શાનદાર ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી.મેગા રક્તદાન શિબિર તથા કલાંજલી અને રાત્રે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો હતો.નોંધનિય છે કે સમર્પણ ગૌરવ સમારોહમાં 22 વિરજવાનોના પરિવારોને 40 લાખથી વધુની આર્થિક સહાય આપવામાં આવી હતી.

જવાનોના પરિવારો માટે લાખો રૂપિયાનું દાન

જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી ૧૧ પરિવારોને એક એક લાખ તથા સુરત ૧૧ પરિવારોને સન્માન સાથે બે બે લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી.જ્યારે આશાદીપ સ્કૂલ પરિવાર તરફથી દરેક પરિવારને ૨૫ – ૨૫ હજાર તથા સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિયેશન તરફથી દરેક પરિવારોને ૧૧ – ૧૧ હજારની સહાય આપવામાં આવી હતી.સુરતની જુદી જુદી શાળાઓમાં એક એક પરિવારને સરેરાશ ૪૦ હજારની સહાય બાળકો અને શાળા તરફથી કરવામાં આવી છે.આમ કુલ ૧૧ પરિવારોને ૩૫ લાખની સહાય અર્પણ કરવામાં આવી છે.
સમારોહ દરમ્યાન હાજર મહેમાનો ઉપરાંત દેશભરમાંથી અને વિદેશથી પણ જવાનોના પરિવારો માટે દાનનો પ્રવાહ શરુ રહ્યો હતો. મુખ્ય મહેમાન બ્રિગેડીયર મહેતા તથા લેફ. કર્નલ મુકેશ રાઠોડે આ કાર્યક્રમને રાષ્ટ્રપ્રેમનું શ્રેષ્ઠ કાર્ય ગણાવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન અંદાજે ૧૫ લાખથી વધુનું દાન જાહેર થયું હતું.ઉપરાંત બે ચિત્રોના રૂપિયા ૧૬ લાખ આવ્યા હતા.કાર્યક્રમ પહેલાના દિવસોમાં અંદાજે ૧૦ લાખથી વધુનું દાન એકત્ર થયું હતું.આમ રૂપિયા ૪૫ લાખથી વધુ રકમ જવાનોના પરિવારો માટે એકત્ર કરવામાં આવી છે.

શહીદની દીકરીઓને અભ્યાસ માટે દત્તક લેવામાં આવી

સાબરકાંઠાના સિયાસણના જવાન જીતેન્દ્રકુમાર મેણાત ગત તા. ૧૮/૧૧/૨૦૨૧ ના રોજ શહીદ થતા તેમની રીતુ, તાન્વી અને નેવ્યા નામની ત્રણ નાની દીકરીઓ નિરાધાર બની છે.આ દીકરીઓ જ્યાં સુધી અભ્યાસ કરશે.તે શિક્ષણ અંગે તમામ ખર્ચ આપવા માટે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સે જવાબદારી લીધી છે.પરિવારમાં ઘરડા માતા-પિતા, શહીદના પત્ની દુર્ગાબેન અને ત્રણ દીકરીઓ છે.ત્યારે સમારોહ દરમ્યાન શ્રી મહેશભાઈ રામાણીએ શિક્ષણનો ખર્ચ આપવા જાહેરાત કરી છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના વિરજવાન સંતોષ શેષનાથ યાદવને પણ માત્ર બે દીકરીઓ છે.તેમના પત્ની ધર્મશીલા દેવી અને દીકરીઓ કાર્યક્રમમાં સન્માનિત થયા ત્યારે અરીહંત જવેલર્સના શ્રી પ્રતાપભાઈ જીરાવાળા એ આ બે દીકરીઓના અભ્યાસ માટે દત્તક લેવાની જાહેરાત કરી છે.

કારગીલ વિજય દિને વિરજવાનોને સપ્તરંગી કલાંજલી આપવા માટે કલા પ્રતિષ્ઠાનના ચિત્રકરોએ કારગીલ થીમ પર બે મોટા પેઈન્ટિંગ તૈયાર કર્યા હતા.તેને જે રકમ આપશે તે વિરજવાનોના પરિવાર માટે આપવા કલાકારોનો સંકલ્પ હતો.કારગીલ વિજય માટે ટર્નિગ પોઈન્ટ ટોલોલીંગ ટેકરીનું પેઈન્ટિંગ શ્રી સવજીભાઈ ધોળકિયાએ રૂ. ૧૧ લાખમાં ખરીદયું હતુ. જયારે કારગીલ થીમનું ચિત્ર પી.પી. સવાણી યુનીવર્સીટીના શ્રી સ્નેહ સવાણીએ ખરીદયું છે.કાર્યક્રમની શરૂઆતથી બંને ચિત્રોની હરાજીની જાહેરાત કરી હતી. ૫૧ – ૫૧ હજારથી શરુ થયેલ બોલી કાર્યક્રમના અંત સુધીમાં ૧૬ લાખ સુધી પહોંચી હતી.કલા પ્રતિષ્ઠાનના શ્રી રમણીકભાઈ ઝાપડિયા અને કલાકારોએ ચિત્રો શ્રી સવજીભાઈ ધોળકિયા અને વલ્લભભાઈ સવાણીને અર્પણ કર્યા હતા.

NSG કમાન્ડો નયનાબેન ધાનાણીને પાંચ લાખની સહાય

ખોલવડ કોલેજના નિવૃત પ્રોફેસર કોકિલાબેન મજેઠીયાએ પોતાની મૂડી અને પેન્શનમાંથી જવાનોના પરિવારો માટે રૂપિયા ૫ લાખનું દાન જાહેર કર્યું હતું.ગુજરાતની પ્રથમ મહિલા એન.એસ.જી. કમાન્ડો નયના વી. ધાનાણીનું સમર્પણ ગૌરવ સમારોહમાં વિશેષ સન્માન કરાયું હતું. ત્યારે દાતાઓ તરફથી તેમને વ્યક્તિગત રીતે નયના ધાનાણીના લગ્ન નિમિત્તે રૂપિયા પાંચ લાખ દાન જાહેર થયું હતું. સમારોહમાં રામકૃષ્ણ વિદ્યાભવનના નાના બાળકોએ વ્હાલા મારી વાટ ન જોશોની સંવેદનશીલ ભાવકૃતિ રજુ કરી હતી.આ ગીત કૃતિમાં સૈનિક પરિવારની વિદાય લઇ ફરજ પર જાય છે ત્યારે પરિવારની લાગણી વ્યક્ત કરવામાં આવે છે.આ કૃતિ પ્રેક્ષકો આંસુ રોકી શક્યા ન હતા.ત્યાર પછી એક પછી એક વિરજવાનોના પરિવારોને સન્માનિત કરી સહાય અર્પણ કરવામાં આવી હતી.

સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજેયેલ કાર્યક્રમમાં પ્રવેશદ્વારથી સુંદર અને ભાવભરી વ્યવસ્થા કરવામાં આવી હતી. ૨૨ વિરજવાનોના કટ આઉટ તેમજ હોલમાં કારગીલ સ્મારકની પ્રતિકૃતિ બનાવી હતી. જ્યાં કાર્યક્રમમાં આવનાર લોકોએ વિરજવાનોને ભાવાંજલી અર્પણ કરી હતી.સ્વાગત પ્રવચનમાં ટ્રસ્ટી કે. ડી. વાઘાણીએ સર્વોને આવકારી સંસ્થાનો પરિચય આપ્યો હતો.આભાર વિધિ સવજીભાઈ વેકરીયાએ કરી હતી. જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કાનજીભાઈ ભાલાળા અને ભાવેશભાઈ રફાળીયાએ કર્યું હતું.