- અમેરિકામાં આશરે 2.75 કરોડ લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરે છે
- ચીન વર્ષ 2019થી જ સત્તાવાર રીતે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકેલો છે, પણ ઓનલાઇન કામગીરી ધરાવે છે
-
ભારતમાં ક્રિપ્ટોકરન્સીના વધી રહેલા સામ્રાજ્ય સામે કેન્દ્ર સરકાર સફાળી જાગી છે અને સમયસર યોગ્ય પગલાં ભરવા જઈ રહી છે. દેશમાં જે ઝડપથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનો જાણે ધોધ વહી રહ્યો છે, એને જોતાં અર્થતંત્ર ઉપરાંત અનેક મોરચે ખતરાની ઘંટડી વાગી રહી છે. ક્રિપ્ટોકરન્સી પાછળ છુપાયેલી એક હકીકત એ છે કે એ કોઈ કરન્સી, રોકાણનું માધ્યમ કે પછી એસેટ (અસ્કયામત) કેટેગરીમાં અત્યારે આવતી નથી, એટલે કે ક્રિપ્ટોકરન્સીમાં જે લોકો પૈસાનું રોકાણ કરી રહ્યા છે તેમને રોકાણકાર કહી શકાય એમ નથી.
આશ્ચર્યની વાત તો એ છે કે ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં નાણાં રોકનારની સંખ્યા ખૂબ જ ઓછા સમયમાં 10 કરોડથી પણ વધારે થઈ ગઈ છે અને આ આંકડો ભારતીય શેરબજાર સાથે જોડાયેલા રોકાણકારોની સંખ્યાની તુલનામાં ખૂબ જ વધારે છે, એટલે કે છેલ્લાં 100-125 વર્ષમાં દેશનાં શેરબજારોમાં રોકાણકારોનો આંકડો લગભગ 8 કરોડ નજીક પહોંચ્યો છે, તેની તુલનામાં ક્રિપ્ટોકરન્સીમાં થોડાં વર્ષોમાં જ 10.07 કરોડ રોકાણકારો આકર્ષવામાં સફળ રહ્યું છે. અમેરિકામાં આશરે 2.75 કરોડ લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરે છે. પ્રથમ નંબર અને બીજા ક્રમ પર રહેલા ભારત અને અમેરિકામાં આ આંકડા વચ્ચે ઘણું મોટું અંતર છે.
ક્રિપ્ટોકરન્સીમાં પૈસા લગાવનારાઓને ઓછા સમયમાં વધારે પૈસા કમાવાની લાલચ વચ્ચે તેઓ એ પાયાની માહિતીથી સંપૂર્ણપણે અજાણ છે કે તે શું ખરીદી કરી રહ્યા છે અને શા માટે ખરીદી કરી રહ્યા છે. તેમના રોકાણ પાછળનો મૂળમંત્ર કે ઉદ્દેશ એક જ છે કે રોકાણકારો આગામી દિવસો, મહિના કે પછી વર્ષમાં ખૂબ ઊંચી કિંમતે વેચાણ કરી અઢળક કમાણી કરવી. ક્રિપ્ટોકરન્સીમાં કોઈ પ્રકારનાં સમજણ, વિચાર કે પછી સ્થિતિનું વિશ્લેષણ-સંશોધન કર્યાં વગર જ રોકાણ કરવામાં આવી રહ્યું છે.
ક્રિપ્ટોકરન્સી પર કોઈ જ પ્રકારનું નિયંત્રણ નથી, એટલે કે અનરેગ્યુલેટેડ છે, અયોગ્ય પ્રવૃત્તિઓમાં ઉપયોગ થવાની સંપૂર્ણપણે શક્યતા છે. સરકાર કે પછી મધ્યસ્થ બેન્કનો એની પર કોઈ જ અંકુશ નથી. આ સંજોગોમાં ભારતમાં સરકાર સંસદમાં ક્રિપ્ટોકરન્સીને લગતું વિધેયક રજૂ કરે અને એ કાયદાનું સ્વરૂપ ધારણ કરે એ અગાઉ ક્રિપ્ટોકરન્સીમાંથી નીકળવું જરૂરી છે અન્યથા એના ભાવવધારામાં જે હવા ભરાઈ રહી છે એમાંથી ગમે ત્યારે ઘટાડો આવી શકે છે અને તેજીનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટી શકે છે.
વિશ્વભરમાં અનેક એવા દેશો છે, જે પૈકી કોઈએ પોતાને ત્યાં ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કરી છે તો કેટલાક એવા દેશો પણ છે, જેમણે એને માન્યતા આપી છે. જ્યાં સુધી ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ કે નિયંત્રણની વાત આવે છે તો ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં નાણાં રોકનારા લોકોની સંખ્યા સૌથી વધારે છે. ત્યારે વિશ્વના અન્ય કોઈપણ દેશની તુલનામાં ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર કડક કાયદો લાવવામાં આવે અને એ લાંબા સમય સુધી કડકાઈપૂર્વક જળવાય એ ખૂબ જરૂરી છે.
ભારતમાં 10.07 કરોડ લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરે છે
ભારતમાં સૌથી વધારે સંખ્યામાં 10.07 કરોડ લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છે. અમેરિકા 2.74 કરોડ સાથે બીજા ક્રમ પર છે, જ્યારે ત્યાર પછીના ક્રમ પર રશિયામાં 1.74 કરોડ અને નાઈજીરિયામાં 1.30 કરોડ છે.
વસતિની તુલનામાં ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો ભારતમાં કુલ વસતિના 7.30 ટકા લોકો ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા છે અને તે પાંચમા ક્રમે છે. યુક્રેન કુલ વસતિ પૈકી ક્રિપ્ટો ધરાવનાર 12.73 ટકા સાથે પ્રથમ ક્રમ પર છે. ત્યાર બાદ રશિયા 11.91 ટકા, કેન્યા 8.52 ટકા અને અમેરિકા 8.31 ટકા છે.
વિશ્વના અન્ય દેશોએ ક્રિપ્ટોકરન્સી અંગે શાં પગલાં ભર્યાં છે
ચીન
ચીને ક્રિપ્ટોકરન્સીને લગતી પ્રવૃત્તિઓને શરૂઆતમાં આવકારી હતી, પણ બાદમાં વિશ્વમાં એ સૌથી વધુ નિયંત્રિત ક્રિપ્ટો-માર્કેટ્સ પૈકીનું એક છે. ચીન વર્ષ 2019થી જ સત્તાવાર રીતે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકેલો છે. અલબત્ત, તેણે ફોરેન એક્સચેન્જો મારફત ઓનલાઈન કામગીરી જાળવી રાખી છે.યુરોપિયન યુનિયનો
યુરોપિયન યુનિયનના દરેક દેશ ક્રિપ્ટોકરન્સી માટે તેના પોતાના નિયમન ધરાવે છે. મોટા ભાગના સોફ્ટ-ટચ રેગ્યુલેટરી ફ્રેમવર્ક ધરાવે છે. “ક્રિપ્ટો-એસેટ્સ રેગ્યુલેશન અંગે ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં એક ખરડો રજૂ કર્યો હતો. આ નિયમન પ્રમાણે નિયંત્રિત નાણાકીય સાધનો પ્રમાણે ક્રિપ્ટોકરન્સીને લગતા વ્યવહાર કરવામાં આવશે. બ્રોકરેજ સેવાઓ, અથવા રોકાણને લગતી સેવાઓ પૂરી પાડતી કોઈ પણ બ્રોકરેજ સર્વિસિસ કંપનીએ અગાઉથી નિયમકારી સંસ્થાઓ પાસેથી મંજૂરી મેળવવાની રહેશે.ઇંગ્લેન્ડ
યુકેમાં ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગને પ્રત્યેક રીતે નિયંત્રિત કરવામાં આવતી નથી. ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) એક એવી સંસ્થા છે, જે અધિકૃત ક્રિપ્ટોકરન્સી સંબંધિત કારોબારને લાઈસન્સ આપે છે. FCA સમયાંતરે રોકાણકારોને તેમના રોકાણ સંબંધિત સાવચેતી જારી કરે છે.અમેરિકા
અમેરિકામાં વિવિધ રાજ્યો અલગ-અલગ નિયમનકારી વ્યવસ્થા ધરાવે છે. એકંદરે અમેરિકા ક્રિપ્ટોકરન્સીને લગતી તમામ પ્રવૃત્તિની તરફેણ કરે છે.કેનેડા
કેનેડામાં ક્રિપ્ટોકરન્સી લીગલ ટેન્ડર નથી, જોકે એ દેશમાં કાયદેસર છે. આ ઉપરાંત ડિજિટલ કરન્સીને લગતા વ્યવહાર પર કરવેરાની જોગવાઈ છે. દેશમાં ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરતી વખતે ગ્રાહકોને કરવેરાને લગતી જવાબદારીમાંથી મુક્તિ મળતી નથી.અલ સાલ્વાડોર
અલ સાલ્વાડોર વિશ્વનો એકમાત્ર દેશ છે, જે બિટકોઈનને લીગલ ટેન્ડર તરીકે માન્યતા આપી છે. અલ સાલ્વાડોરના કાયદા પ્રમાણે કોઈ પણ માલસામાન અથવા સેવા માટે ડોલરમાં ચુકવણી કરવાપાત્ર હોય છે, એને બિટકોઈનમાં ચુકવણી કરી શકાય છે.