વાણિજ્ય મંત્રાલયે સેઝને લગતી પોલિસીમાં બદલાવ કરી ઉદ્યોગકારોને અનુકુળ અને સુસંગત નવી પોલિસી રજુ કરી

18

DIAMOND TIMES – મુંબઈ સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં કાર્યરત જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રના નિકાસલક્ષી એકમોને નિકાસ વધારવામાં મદદ મળે તેવા આશયથી ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયે સ્પેસ ટ્રાન્સફર પોલિસીમાં બદલાવ લાવવાની સાથે અનેક પરિવર્તનકારી પગલાઓ ભર્યા હોવાની જાહેરાત કરી છે.

મુંબઈના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને લઈને નવી સ્પેસ ટ્રાન્સફર પોલિસી બનાવવા તેમજ જુના નિયમોમા ફેરબદલ લાવી નિકાસકાર કંપનીઓની અનુકુળતા મુજબના નવા નિયમો ઘડવા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(GJEPC)એ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય સચિવ સાથેઅગાઉ અનેક શ્રેણીબદ્ધ બેઠકો યોજી આ અંગે અસરકારક રજુઆતો કરી હતી.જેનો સરકારે સકારાત્મક પ્રતિસાદ આપી સેઝના નિયમોમાં બદલાવ લાવવાની સાથે ઉદ્યોગકારોને અનુકુળ થવાનો પ્રયાસ કર્યો છે.આ કામગીરી અત્યંત સરાહનિય છે.

સેઝને લગતા જુના કાયદાની વાત કરીએ તો વર્ષ 2013 સુધી સેઝમાં આવેલી મિલકતો ટ્રાન્સફર થતી ન હતી.જેથી સેઝમાં કાર્યરત નિકાસકારોને બેંક લોન મળતી ન હતી.વળી જુના નિયમની સહુથી મોટી સમસ્યા એ હતી કે કાયદાની વિસંગતાના કારણે સેઝની 50 ટકા જેટલી મિલકતો વર્ષોથી બિન ઉપયોગી પડી રહી હતી.પરંતુ તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે નિકાસને વેગ આપવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના નવા નિયમોની જાહેરાત કરતા હવે આ તમામ સમસ્યાનો અંત આવ્યો છે.

સરકારે કારાત્મક વલણ દાખવી માંગણી મુજબ સેઝને લગતા નિયમોમા કરેલા ફેરફાર અંગે પ્રતિસાદ આપતા GJEPCના ચેરમેન કોલિન શાહે કહ્યુ કે વાણિજ્ય મંત્રાલય દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય છે.જેનાથી સેઝમાં કાર્યરત નિકાસલક્ષી એકમોને મદદ મળશે અને નિકાસમાં પણ વધારો થશે.
તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે નિકાસ ઓર્ડરને વેગ આપવા માટે SEEPZ ખાતે નવા પગલાંની જાહેરાત કરી હતી.મંત્રાલયે SEEPZના વિકાસ કમિશનરને ખૂબ જ સ્પર્ધાત્મક કિંમતે વિવિધ સેવાઓ પૂરી પાડવા માટે કોમન ફેસેલિટી સર્વિસ સેન્ટર (CSC)ની સ્થાપના કરવા જણાવ્યું છે.સ્પેસ ટ્રાન્સફર પોલિસીમાં બદલાવથી ઉદ્યોગકારોને અનેક ફાયદાઓ મળવાના છે.જેમા સેઝની મિલકત ટ્રાન્સફરમાં પારદર્શિતા મુખ્ય છે.