ડાયમંડ ટાઇમ્સ
રાજસ્થાનની ગુલાબી નગરી જયપુરમાં ચોરીની એક ગજબ ઘટના સામે આવી છે જેને વાંચીને તમે પણ દંગ રહી જશો . જયપુરનાં પ્રખ્યાંત હેર ટ્રાંસપ્લાન્ટ ડોક્ટર સુનીત સોનીના ઘરે થયેલી ચોરીમા તસ્કરોએ એક અલગ રીત જ અપનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો . ડોક્ટર સુનીત સોનીએ પોતાના ઘરના બેઝમેન્ટમાં ચાંદી અને ઘરેણા ભરેલું એક બોક્સ રાખ્યું હતું.જેની ચોરોએ આબાદ રીતે ચોરી કરી લીધી છે.સૌથી મોટો સવાલ એ છે કે ડોકટરનાં ઘરના બેઝમેન્ટમાં ચાંદી અને ઘરેણા ભરેલું બોક્સ પડેલુ છે તેની ચોરોને કઇ રીતે ખબર પડી ?
સૌથી પહેલા તો ચોર ટોળકીએ ડોક્ટરના નિવાસ સ્થાન નજીક આવેલા એક ખાલી પ્લોટને 90 લાખની કિંમતમાં ખરીદ્યો હતો. ત્યારબાદ આ પ્લોટમાં ઘરનું બાંધકામ શરૂ કરવાનો દેખાડો કરી ત્રણ મહિનાના સમય ગાળામાં 15 ફૂટ ઉંડી અને 20 ફૂટ લાંબી એક સુરંગ બનાવી હતી. આ સુરંગ ડોક્ટરના બેઝમેન્ટ સુધી જઇ શકે અને ચોરી થઈ શકે તે મુજબનાં આયોજનને ધ્યાનમાં રાખીને બનાવવામા આવી હતી.
ડોક્ટર સોનીએ 3 મહિના પહેલા ચાંદી અને ઘરેણા ભરેલું એક બોક્સ ઘરના બેઝમેન્ટમાં રાખ્યું હતું. હમણા થોડા દિવસ પહેલા જ્યારે તેમણે જઇને ચેક કર્યુ તો તેમને ઝટકો લાગ્યો હતો. કારણ કે કોઇ તસ્કર ટોળકી બોક્સને કટરથી કાપીને ઉઠાવી ગયા હતા. આ ઘટના અંગે ડોકટરે પોલીસને ચોરી થઈ હોવાની સુચના આપી હતી.જો કે અત્યાર સુધી ડોક્ટર સોનીએ બોક્સમાં કેટલું ચાંદી અને ઘરેણા હતા તેની જાણકારી પોલીસને આપી નથી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગેંગમાં ત્રણ કે તેનાથી વધારે લોકો સામેલ હોવાની શંકા છે.ઉપરાંત આ ચોરીની ઘટનામાં ડોક્ટરનો કોઇ નજીકનો વ્યક્તિ પણ સામેલ હોવો જોઇએ કે જેને આ બોક્સ ડોક્ટરે બેઝમેન્ટમાં રાખ્યું છે તેવી ખબર હોય.આ ઘટનામાં પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી લીધી છે.