DIAMOND TIMES – કેનેડાની ડાયવિક ખાણમાં થયેલા અકસ્માતના બનાવ પછી સલામતિને લઈને કામદારોમાં રોષ ભભુકી ઉઠયો છે.ડાયવિક ખાણમાં કામદારો કામગીરી કરી રહ્યાં હતા એવા સમયે ઉપરથી એક મોટો ખડક ખાબકતા એક કામદાર ઘાયલ થયો છે.આ દુર્ઘટના પછી કામદારોએ ખાણ સંચાલકો વિરુધ્ધ સલામતી અંગે બેદરકારી દાખવવા નો ગંભીર આરોપ લગાવ્યો છે.ઉલ્લેખનિય છે કે ડાયાવિક ખાણનો 60 ટકા હિસ્સો પ્રથમથી જ ઓસ્ટ્રેલિયાની કંપની રિયોટિંટો પાસે હતો.ત્યારબાદ ગત મહીને જ બાકીનો 40 ટકા હિસ્સો ડોમિનિયન ડાયમંડ માઇન્સ પાસેથી રિયોટિંટોએ હસ્તગત કર્યો છે.
ખાણમાં દુર્ઘટના બાદ કામદારોએ ખાણ મેનેજર,બ્લાસ્ટિંગ સુપરવાઈઝર વિરુધ્ધ વર્કર્સ સેફ્ટી એન્ડ કમ્પેન્સેશન કમિશન માં ફરીયાદ આપી છે.નવેમ્બર 2020માં પણ ડાયાવિક ખાણમાં અક્સ્માતનો બનાવ બન્યો હતો.જેમા ખાણમાં કરવામાં આવેલા વિસ્ફોટ પછી એક મોટા ખડકને ખસેડવાનો પ્રયાસ કરતી વખતે કામદારને ગંભીર ઈજા થઈ હતી . જ્યારે તેને ઓપરેટ કરી રહેલા ઉત્ખનન મશીન પર ખડકનો મોટો સ્લેબ પડ્યો હતો.એ દુર્ઘટનામાથી શિખ લઈને સલામતિના વ્યાજબી પગલા ભરવાના બદલે ખાણ સંચાલકો દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનો પણ કામદારોએ આરોપ લગાવ્યો છે.
કામદારોએ ફરીયાદમાં આક્ષેપ કર્યો છે કે કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી કરવામાં,સલામતીનું રક્ષણ કરવામાં તેમજ બ્લાસ્ટિંગ પ્રક્રિયાઓ વખતે કેવી સાવચેતી જાળવવી તે અંગે યોગ્ય રીતે તાલીમ આપવામાં અને તેને સંલગ્ન વ્યાજબી પગલાં ભરવામાં ખાણ કંપની નિષ્ફળ ગઈ છે.આ ફરીયાદને અનુલક્ષીને જાન્યુઆરી 2022માં ખાણ સંચાલકો ને કોર્ટમાં હાજર થવાનું ફરમાન આપવામાં આવ્યુ છે.બીજી તરફ ડાયવિકના પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે કાનૂની પ્રક્રિયા ચાલુ હોવાથી આ અંગે હાલ કોઈ ટિપ્પણી કરવી ઉચિત્ત નથી.