સ્થળાંતર : માર્કેટની સાથે માનસિકતાનું પરિવર્તન પણ અત્યંત જરૂરી : વિપુલ સાચપરા

1226

હર નયી સુબહ એક નયા મૌકા લેકર આતી હૈ..

DIAMOND TIMES – હમણાં સોશિયલ મીડીયામાં વાયરલ થયેલો “ સૌ ચાલો સુરત જઈએ”નો મેસેજ વાંચીને એક સુરતવાસી તરીકે આનંદ થયો . જેમાં હીરાનાં કારોબારીઓ- ઉદ્યોગકારો માયાવી મુંબઈની મોહજાળ છોડીને સુરતમાં પધારો એવો સંદેશ આપવા માં આવ્યો હતો. હીરાનગરી તરીકે વિખ્યાત સુરતના ખુબ સુરત વિસ્તાર ખજોદમાં ઉદ્યોગનું સૌથી મોટું સુરત ડાયમંડ બુર્સ આકાર લઈ રહ્યું છે.

તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી ત્યારે તેમણે પણ જણાવ્યું કે બુર્સ આ વર્ષમાં ધમધમતુ થઈ જશે. દેશ અને દુનિયાની મોટાભાગની કંપનીઓના સુરત ડાયમંડ બુર્સમાં આગમનનાં એંધાણ થઈ રહ્યા છે. આ બુર્સ ધમધમતુ થતાની સાથે જ દેશ અને દુનિયામાં થી હીરાની ખરીદી માટે બાયર્સો સુરત આવતા થશે. જેથી સુરત  ડાયમંડ  બુર્સ સમગ્ર  ઉદ્યોગ માટે એક મોટું હબ બની જશે એવો આશાવાદ પ્રવર્તી રહ્યો છે, અત્યંત મહત્વાકાંક્ષી ગણાતો આ પ્રોજેકટ રાજ્ય માટે આર્થિક પરિવર્તન લાવનારો સાબિત થશે. આ બુર્સ ની સાથે બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ BKC ની જેમ ડ્રિમ સીટી પણ આકર લેશે.જેમાં સેવન સ્ટાર હોટલ, રેસ્ટોરેન્ટ , સ્કુલ, હોસ્પિટલ,કોર્પોરેટ ઓફિસો,બેંક, ગોલ્ફ કોર્સ,મેટ્રો ટ્રેન,ટેક્સટાઇલ યુનિવર્સિટી સહીતની વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. 10 હજાર ઓફિસો સાથે 66 લાખ સ્ક્વેર ફૂટમાં પંચતત્વની થીમ પર તૈયાર થઈ રહેલુ આ  બુર્સ કાર્યરત થતાની સાથે જ મુંબઇનો હજારો કરોડોનો ડાયમંડ અને જ્વેલરીનો બિઝનેસ સુરતમાં સ્થળાંતર થવાની સંભાવના છે.

મુખ્ય ઓફિસો મુંબઈથી સુરત સ્થળાંતર થશે : – સામાન્ય રીતે વિશ્વમાં દરેક સ્થળે જોવા મળે છે કે જ્યા જે ચીજનું ઉત્પાદન થતુ હોય તે સ્થળે તેનું મુખ્ય માર્કેટ હોય છે. વિશ્વના 10 પૈકી 9 હીરાનું કટિંગ અને પોલીશીંગનું કામ સુરતમાં થાય છે. પરંતુ સુરત હીરા ઉદ્યોગનું હબ હોવા છતાં મોટા ભાગની ડાયમંડ કંપનીઓની મુખ્ય ઓફિસો મુંબઈમાં છે. હવે આ મુખ્ય ઓફિસો મુંબઈથી સુરત સ્થળાંતર થશે ત્યારે મુંબઈ અને સુરતની માર્કેટમાં રહેલા તમામ સભ્યો એક નેજા હેઠળ એકઠા થશે.આ એકીકરણમાં જો માનસિકતા એક થશે તો વધુ સારી અને સરળ રીતે આ મર્જરનો ઉદ્દેશ સિદ્ધ થશે. બુર્સ અપેક્ષાથી પણ વધુ ખુબ સારી રીતે બની રહ્યું છે. ત્યારે તેને સફળ બનાવવાની જવાબદારી આપણાં સૌની છે.આ તકે મુંબઈમાં કારોબાર કરતા સભ્યોને એટલું જ કહેવાનું કે ગુજરાત તમારી માતૃભૂમિ છે. જેથી કર્ણભૂમિ જેવી સુરતની માતૃભૂમિને કર્મભૂમિ તરીકે પ્રસ્થાપિત કરવાનો જ્યારે અવસર પ્રાપ્ત થઈ રહ્યો હોય ત્યારે વિલંબ કર્યા વિના માતૃભૂમિના સાદને સકારાત્મક પ્રતિસાદ આપી તેને સાકાર કરજો.

સુરત હંમેશા સહુને મીઠો આવકાર આપી પોતાનામાં સમાવી લે છે : –  મુંબઈથી માર્કેટ જ્યારે સુરતમાં સ્થળાંતર થશે ત્યારે રોજગારીના સોનેરી અવસરો પ્રાપ્ત થશે. મુંબઈમાં જે નાના વેપારીઓ દલાલભાઈઓ કે ઓફિસ સ્ટાફના સભ્યો છે તેઓ અડધા ખર્ચમાં સુરતમાં પરિવાર સાથે ખુબ જ સારી રીતે જીવનનિર્વાહ ચલાવી જીવનનો આનંદ માણી શકશે. મુંબઈની સરખામણીએ સુરતમાં મેડિકલ અને એજ્યુકેશન ખુબ સસ્તું અને ઉત્તમ છે. સાથે સામાજીક જીવન ધોરણ પણ મુંબઈ કરતા સારૂ છે. આપનાં ભવિષ્યનાં તમામ સ્વપ્નાઓ સાકાર કરવાની શક્તિ આ સુરતની પવિત્ર ભૂમિમાં રહેલી છે. અહીંની સુવિધાઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આપનાં બાળકોની તમામ શૈક્ષણિક સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે.આપને આપના બાળકો અને પરિવાર અંગે સુરતમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી . જ્યારે  સુરત હંમેશા સહુને મીઠો આવકાર આપી પોતાનામાં સમાવી લેતું હોય ત્યારે આપ પણ માર્કેટની સાથે માન સિકતાનાં પરિવર્તનમાં સાથ સહકાર આપશો જ એવો વિશ્વાસ છે.

સુરત અને મુંબઈની ડાયમંડ માર્કેટ વચ્ચે છે મોટો તફાવત : – સુરત અને મુંબઈની ડાયમંડ માર્કેટની તફાવતનું વિશ્લેષણ કરતા સારાંશ એટલો નીકળે છે કે લુઝ ડાયમંડ માટે મુંબઈ એક વૈશ્વિક માર્કેટ છે તો સુરત મેન્યુફેક્ચરિંગ હબ છે. મુંબઈની માર્કેટ બાયર મુજબ ચાલે છે તો સુરતનું માર્કેટ સેલર મુજબ ચાલે છે. મુંબઈનું માર્કેટ એસોટેર્ડ નંબરો પર ચાલે છે.વળી બાયરને જે ક્વોલિટી,કટિંગ,સાઈઝ આર્ટિકલ્સનો જેટલો જથ્થો જોઈએ તેટલો મુંબઈમાં મળી રહે છે. જ્યારે સુરતનું માર્કેટ મિક્સ અને ગાળા રેન્જમાં હોલસેલ રીતે ચાલે છે. સુરતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નામ ધરાવતા યુનિટો પોતાના આર્ટિકલ્સનાં વ્યવસ્થિત નંબરો કરી મુંબઈની માર્કેટમાં વેચે છે. મુંબઈમાં બાયર નિયમિતપણે જે આર્ટિકલ્સ લે છે એની ગુણવત્તા એને એક સરખી જોવા મળે છે. વળી તેનો ભાવ તાલ પણ વધારે કરવો પડતો નથી . જ્યારે તેનાથી તદ્દન વિપરીત સુરતમાં જેઓ તૈયાર મિક્ષ માલનું વેચાણ કરે છે, એમની પાસે અલગ અલગ પ્રકારના રફ હીરા આવતા હોવાથી નિયમિત પણે એક ગુણવત્તા વાળો આર્ટિકલ્સ મળતો નથી . જેથી દરેક વખતે નવો ભાવતાલ કરવો પડે છે. દરેક વખતે નવો માલ, નવો ભાવ, નવી વાત કરવાની રહે છે . જેનાથી એક તંદુરસ્ત માર્કેટનું નિર્માણ થતું નથી. માર્કેટ હંમેશા એવું તંદુરસ્ત હોવું જોઈએ જેમાં 3 ટકાના અંતરે વેચો તો મળવું જોઈએ અને લઈએ તો વેચાવું પણ જોઈએ.

સુરતમાં તૈયાર હીરાનો વેપાર ક્યારેક તરત થઈ જાય છે, નહીંતર મોટો ફરક રહી જાય છે. વેચનાર જેમ ચાન્સ શોધતો હોય છે એમ ખરીદનાર પણ ચાન્સ શોધે છે. જેથી બિઝનેસમાં સારા વાતાવરણનું નિર્માણ થતું નથી.સુરત ભલે લુઝ ડાયમંડ માં મેન્યુફેક્ચરિંગ હબ હોય પરંતુ આજ સુધી તે વિદેશનાં બાયરોને કાયમી રીતે આકર્ષી શક્યું નથી. એ પણ સત્ય હકીકત અને વરવી વાસ્તવિકતા છે. જેના માટે બાયર્સને અનુરૂપ બિઝનેસની વાત અને વાતાવરણની કમી મુખ્ય નકારાત્મક પરિબળ છે. સુરતમાં કારખાનેદાર જેઓ તૈયાર માલ વેચે છે, તેઓ પડતર પર અમુક ફિક્સ નફો ગણવાના બદલે તૈયાર હીરાના ભાવની ઓફર્સ કઢાવવાની વૃત્તિ ધરાવે છે. ત્યારબાદ જે વેપારી પાસેથી સારી ઓફર આવી હોય તેને માલનું વેંચાણ કરે છે. આ સિસ્ટમની તકલીફ એ છે કે માર્કેટ જ્યારે સારૂ હોય ત્યારે વાંધો નથી આવતો.પંરતુ ખરાબ થાય ત્યારે પોસાતું હોવા છતાંય શરૂઆતની ઓફર્સ ચુકાઈ જાય છે. નિર્ધારીત વ્યાજબી નફાના બદલે ઉંચો ભાવ લેવાની લ્હાયમાં નિયમિત બાયરને સાચવી નહી શકતા નજીવા વધુ નફાની લાલચમાં આડેધડ વ્યાપાર કરે છે. પરિણામે ઘણી વખત પેમેન્ટ મળવા પર પ્રશ્નચિહ્ન લાગી જતું હોય છે

જ્યારે સુરતના બજારથી વિપરીત મુંબઈના બજારમાં રાઈટ બાયરને સાચવી લઈ તેની કિંમત કરવામાં આવે છે.સારા સમયમાં વેચનાર બાયરને સાચવે છે તો બીજી તરફ ખરાબ સમયમાં બાયર વેચનારને સાચવી લેતા હોય છે. આ ઉત્તમ અને આદર્શ વેપાર પધ્ધતિના કારણે બિઝનેસ ફક્ત બિઝનેસ નહી રહેતા પરસ્પર એક વિશ્વસનીય સબંધનું નિર્માણ થાય છે. જ્યારે સુરતના હીરા બજારમાં ભાવ વધારાની લાલચના કારણે વિશ્વસનીય વાતાવરણ સર્જાતું નથી. પરિણામે સારા સમયમાં વેચનારે ઉઠાવેલો ગેરલાભ ખરાબ સમયમાં માલની ખરીદી કરનાર પણ ઉઠાવે છે.

મુંબઈમાં નિર્ધારીત નફાથી વધુ ભાવ કહેવાની પ્રથા નથી, જ્યારે સુરતમાં ઓછો ભાવ કહેવાની પ્રથા નથી. સુરતમાં તૈયાર હિરા વેંચતા કારખાનેદારોને એવી ભીતી હોય છે કે નવી રફ ગરમ આવશે. જેથી તેઓ તૈયાર માલનો ભાવ વધારે કહે છે.દલાલ ભાઈઓ પણ કારખાનેદારોને મહત્તમ ભાવ અપાવવા પ્રયત્નશીલ રહે છે.જેની પાછળ દલાલ ભાઈઓનું એવુ ગણિત હોય છે કે જો વધારે ભાવ અપાવીશુ તો બીજી વખત પણ પાર્ટી માલ વેચવા ફરીથી તેમને જ આપશે. સુરતની તુલનાએ મુંબઈમાં દલાલભાઈઓ બાયર સાઈડ મહેનત કરી એમને સાચવી લાંબાગાળાનાં વ્યવસાયનું વિચારે છે. જ્યારે સુરતમાં દલાલભાઈઓ સેલર સાઈડ મહેનત કરવા મજબૂર હોય છે.જેથી સેલરો એમને બીજી વખત પેકેટ આપે.દલાલભાઈઓ દ્વારા હીરાની ખરીદી કરનાર વેપારી તરફ ફેવર નહી કરવાથી સુરતમાં બહારગામથી આવતા બાયરો કાયમી રીતે સ્થાયી થઈ શકતા નથી.

કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે મુંબઈની સાથે વિદેશોમાં પણ બિઝનેસ બાયરો ઉપર ચાલે છે. સુરતમાં સેલર સાઈડ બિઝનેસ ચલાવવાથી બહારગામથી અથવા વિદેશથી આવતા બાયરોનું લાંબા ગાળે સેટિંગ રહેતું નથી. કારખાનેદારોએ પોતાનો નફો ફિક્સ રાખી તૈયાર મિકસ માલ માટે બાયરોને આકર્ષવા પડશે.નજીકની વાત કહી એવું વિશ્વસનીય વાતા વરણ ઉભું કરવું પડશે કે જેથી નંબર લેતા બાયરો પણ મિક્સમાં રૂચિ દાખવે,આવી માનસિકતાથી તેઓ પોતાના બાયર્સને નહીં પરંતુ સમગ્ર બુર્સનાં બાયરોને આકર્ષવામાં સફળ રહેશે.જેનો મોટો ફાયદો એ થશે કે જેના થી સુરત-મુંબઈ એમ બંને માર્કેટ વચ્ચેનો ગેપ ઓછો થશે. જેટલો ગેપ ઓછો થશે એટલો જ મોટો ગ્રોથ વ્યક્તિગત અને માર્કેટનો થશે. માટે વૈશ્વિક માર્કેટમાં ટકી રહેવા વૈશ્વિક માનસિકતા રાખવી અત્યંત જરૂરી છે.

સુરત ડાયમંડ બુર્સને બાહ્યની સાથે આંતરીક આકર્ષણનું કેન્દ્ર બનાવીએ : – સુરત ડાયમંડ બુર્સ બાહ્ય રીતે તો આકર્ષણનું કેન્દ્ર બનશે એમા કોઇ શંકા નથી.પરંતુ તેની સાથોસાથ આપણે જો તેને આંતરીક આકર્ષણનું કેન્દ્ર બનાવવું હોય તો કારખાનેદારો,વ્યાપારી મિત્રો, દલાલભાઈઓ ,રત્નકલાકારો કે ઓફિસ સ્ટાફે બિનજરૂરી અંગત સ્વાર્થને ત્યાગી ને સમસ્ત માર્કેટ અને સુરત ડાયમંડ બુર્સના હીતને ધ્યાનમાં રાખીને પ્રામાણિકતાથી કામ કરવું પડશે. આ બાબત સાથે મળીને વિચારીશું તો બુર્સની બાહ્ય સુંદરતાની સાથે આંતરિક ભવ્યતામાં પણ ચાર ચાંદ લાગશે ત્યારે તે ખરા અર્થમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.જ્યારે જ્યારે આપણી અંદરનાં વિચારો બદલાય છે ત્યારે ત્યારે બહારની દુનિયા પણ બદલાતી હોય છે.તો ચાલો સહુ સાથે મળીને આપણી અંદરની દુનિયા બદલીએ જેથી બહાર નો બદલાવ સૌને આકર્ષી શકે અને ઐતિહાસિક અનુભવનો અહેસાસ કરાવી શકે.

આપણાં સહુનાં સપના સમાન સુરત ડાયમંડ બુર્સનું 85 ટકા કામ પુરું થયેલ છે. બુર્સનું દીવાળી પછી ઉદ્દઘાટન થાય એવો આશાવાદ સહુ કોઈ વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસીડેન્ટ વ્લાદિમિર પુતીન હાજરી આપે તેવાં પ્રયાસો પણ ઉદ્યોગકારો દ્વારા થઇ રહ્યાં છે.ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી આગવી ઓળખ બનાવનાર ગુજરાતમાં હવે એ જ રીતે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ હબ બનશે. એમાં પણ જો માર્કેટની સાથે સભ્યોની માનસિકતામા પરિવર્તન થશે અને સહુ હળશે મળશે તો સોનામાં નિઃસંદેહ સુગંધ ભળશે…