DIAMOND TIMES : ફીફા વર્લ્ડકપ જીતનારા કેપ્ટન લિયોનેલ મેસ્સીએ પોતાની ચેમ્પિયન ટીમ આર્જેન્ટીનાને એક સ્પેશ્યલ ભેટ આપવાનો નિર્ણય લીધો છે. મેસ્સીએ પોતાની ટીમના સભ્યો અને સપોર્ટિંગ સ્ટાફ માટે 35 ગોલ્ડ આઈફોનનો ઓર્ડર આપ્યો હતો. આ આઈફોન સંપૂર્ણ રીતે મોડીફાઈડ કરેલા છે.
અહેવાલ મુજબ આ આઈફોન મેસ્સીના પેરિસમાં આવેલા એપાર્ટમેન્ટમાં મોકલી દેવામાં આવ્યા છે. મેસ્સીની આગેવાનીમાં આર્જેન્ટીનાએ પાછલા વર્ષે વર્લ્ડકપ જીત્યો હતો. આ જીતે મેસ્સીને અત્યંત ભાવુક કરી દીધો હતો કેમ કે આ માટે તેણે બે દશકા કરતા વધુ સમયની રાહ જોઈ હતી.
મેસ્સી આ જીતથી એટલો ખુશ છે કે તેણે જીતમાં સામેલ ટીમના તમામ લોકોને આ સ્પેશ્યલ ભેટ આપવાનો નિર્ણય લીધો છે. આ આઈફોનની કિંમત 1.73 કરોડ રૂપિયા છે. મેસ્સી પોતાની આ ક્ષણના સાક્ષી ટીમના ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફને બનાવવા માંગતો હતો. આ માટે તેણે પહેલાં ઘડિયાળ આપવાનું વિચાર્યું હતું પરંતુ બાદમાં તે આઈડિયાને પડતો મુકી આઈફોન આપવાનો નિર્ણય લીધો હતો.
અહેવાલ મુજબ દરેક આઈફોન ઉપર પ્રત્યેક ખેલાડીનું નામ અને આર્જેન્ટીનાનો લોગો છે. આઈફોન પાછળ દરેક ખેલાડીના નામ સાથે જર્સી નંબર પણ છે. આ ઉપરાંત તમામ ફોન ઉપર વર્લ્ડ ચેમ્પિયન પણ લખેલું છે. આ ફોનને આઈ ડિઝાઈને તૈયાર કર્યા છે. આઈ ડિઝાઈનના સીઈઓએ મેસ્સીના વખાણ કરતા કહ્યું કે આ અત્યંત સારા ગ્રાહક પૈકીના એક છે.