ભાવુક થયો મેહુલ ચોક્સી : કહ્યુ અમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.

DIAMOND TIMES – પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીએ મીડીયાને આપેલા એક કલાકના ઈન્ટરવ્યુમાં પોતાની વેદના વ્યકત કરતા કહ્યુ કે અમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.આ ઈન્ટરવ્યુ દરમિયાન નિર્દોષતા સાબિત કરવાના પ્રયત્ન દરમિયાન ભાવુક થયેલા મેહુલ ચોક્સીની આંખોમાથી બે વખત અશ્રુઓની ધારાઓનો શ્રાવણ-ભાદરવો વરસી પડ્યો હતો.

મેહુલ ચોક્સીએ બિઝનેસ સ્ટાન્ડર્ડના પત્રકાર તમલ બંદ્યોપાધ્યાયને ઝૂમ એપના માધ્યમથી આપેલા એક કલાકના ઇન્ટરવ્યુમાં અનેક ખુલાસા કર્યા હતા.પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં તેઓ નિર્દોષ હોવાનું અને ખોટી રીતે ફસાવ્યા હોવાનું જણાવ્યુ હતુ.તેમણે ઉમેર્યુ કે બેંકોએ તેને અને નીરવ મોદીને ડિફોલ્ટ થવા માટે દબાણ કર્યું હતું.તેમણે એમ પણ જણાવ્યુ કે ફેબ્રુઆરી 2018માં પંજાબ નેશનલ બેંકે તેમના પર આરોપ મૂક્યો તે પહેલા તેમણે 2017માં ભારત છોડવા ની યોજના બનાવી હતી.

તેમણે ઉમેર્યુ કે મેં જ્યારથી ભારત છોડ્યું ત્યારથી મારી તબિયત ખૂબ જ ખરાબ છે.મને મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.હું આ કૌભાંડ અંગે સ્પષ્ટતા કરવા આતુર છું કારણ કે હું ભારતમાં ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છું.મારી તબિયતમાં સુધારો થશે અટલે ખુશીથી ભારત પરત ફરીને સ્પેશિયલ ટાસ્ક ફોર્સને તપાસમાં સંપુર્ણ સહકાર આપીશ.