માર્કેટનાં માર્કેટિંગનું મનોમંથન !

sdb

કહી પે પહુંચને કે લિયે કહી સે નિકલના જરૂરી હૈ !

 DIAMOND TIMES – મુંબઈ હીરા ઉદ્યોગનાં સભ્યોને આકર્ષવા સુરત ડાયમંડ બુર્સ તરફથી પ્રયત્ન થઈ રહ્યા છે. બીજી તરફ ભારત ડાયમંડ બુર્સના કેટલાક સભ્યો તેનો કઈંક અંશે વિરોધ કરી રહ્યાં છે. BDB અને SDB વચ્ચેની આ કશ્મકશ અંગે સહુ સારી રીતે વાકેફ છે.કારણ કે આધુનિક યુગમાં સોશિયલ મિડિયાનાં માધ્યમથી પળભરમાં દુનિયામાં શું થઈ રહ્યું છે તે સરળતાથી જાણી શકાય છે.

દરેક વ્યક્તિ જાણે છે કે કોઈપણ મુદ્દાને વાચા આપવા થોડા જ સમયમાં પ્રચાર-પ્રસાર કરી ખુબ સારી રીતે માર્કેટિંગ થઈ શકે છે.માર્કેટિંગ એટલે આકર્ષવું પોતાના તરફ ખેંચવું, જુના જમાનામાં અત્યાધુનિક ઉપકરણો નહોતા ત્યારે સંદેશને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં ઘણો વિલંબ થતો હતો.પરંતુ આજે કોઈપણ સંદેશ ને સેકેન્ડોમાં દુનિયાનાં કોઈપણ ખૂણે પહોંચાડી શકાય છે.

આજના જમાનામાં માર્કેટિંગ કોણ નથી કરતું? માર્કેટ તો ઠીક, કોઇ પણ પ્રોડક્ટ કે પ્રોજેકટ હોય તે વધુ ને વધુ લોકો સુધી પહોંચે તો જ એની વિશેષતા નો લોકોને ખ્યાલ આવે છે.

ભારત ડાયમંડ બુર્સ દ્વારા પણ સમયા નુસાર માત્ર માર્કેટિંગ જ કરવામાં આવેલું હતુ. જ્યારે ઓપેરા હાઉસ માર્કેટ હતું, ત્યારે BDB તૈયાર હોવા છતાંય કોઈ ત્યાં શિફ્ટ થવા તૈયાર નહોતું. કારણ કે ઉદ્યોગ માં સ્થળાંતર બાબતે અસમંજસની સ્થિતિ હતી. એવા સમયે ટેમ્પો ઉભો કરવા સૌ પ્રથમ દિલીપભાઈ લાખી BDB માં આવ્યા હતા,પછી કિરણ અને શિતલ તૈયાર થયા હતા.

જેના પરથી ખ્યાલ આવે છે કે જ્યારે અગ્રણીઓ તૈયાર થાય તો તેની પાછળ નાના અને મધ્યમ કક્ષાના કારોબારીઓ આવતા હોય છે. BDBમાં ઓફિસ અને કેબીનોમાં વ્યાપારીઓને આકર્ષવા રાહત દરે ભાડાની સ્કીમ આપવામાં આવી હતી. સિંગલ વાળાનું આખું માર્કેટ ઓપેરા હાઉસમાં હતું.

એમને BDB સાથે કોઇ લેવા દેવા નહી હોવા છતાં પણ ઉદ્યોગમાં બધાની સાથે રહેવા BDB માં C ટાવરમાં રાહત દરે એકસાથે નીચે કેબીનો ફાળવવામાં આવી હતી. આ માટે ઓપેરા હાઉસમાં બેનર-પોસ્ટર લગાવી માર્કેટીંગ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ભારત ડાયમંડ બુર્સ માં તેમને પ્રવેશ અપાયો હતો.એ સમયે ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ બધું માર્કેટિંગનો એક ભાગ જ ગણાય ને…?

તે સમયે મુંબઈમાં ઓપેરા હાઉસ ડાયમંડ માર્કેટ માટે સહુથી શ્રેષ્ઠ લોકેશન હતુ.ઓપેરા હાઉસથી માત્ર 4 મિનિટના વોકિંગ ડીસ્ટન્સે રેલવે સ્ટેશન હતુ. જ્યાંથી મુંબઈ લોકલ પકડીને કોઇ પણ ગંતવ્ય સ્ટેશને આરામથી પહોંચી શકે તેમ છે. બહાર ગામ જવું હોય તો મુંબઈ સેન્ટ્રલ સાથે કનેક્શન,સેન્ટ્રલ લાઈનમાં દાદર સાથેનું કનેક્શન, ડોમેસ્ટિક ફ્લાઈટ પકડવી હોય તો વિલે પારલે તો આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ માટે અંધેરીથી ટ્રેન અને રોડ ની કનેક્ટિવિટી સારી હતી.

બસ ટર્મિનસ મુંબઈ સેન્ટ્રલ પણ નજીક હતું , સહુથી અગત્યની વાત તો એ હતી કે હીરા ઉદ્યોગમાં કાર્યરત કર્મચારી ઓના નિવાસ સ્થાન અને દલાલભાઈઓ,સેલરોના નિવાસ સ્થાન પણ અત્યંત નજીક્ના ગિરગાવ,નાના ચોક, મુંબઈ સેન્ટ્રલ તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં જ હતા.

પરંતુ માત્ર સારા લોકેશનના આધારે કોઈપણ માર્કેટ નથી ચાલતું, સાથે સુરક્ષા-સલામતિ અને આધુનિક સગવડો પણ હોવી જોઇએ. કારણ કે હીરા અત્યંત કિંમતી ચીજ છે. જેમાં સુરક્ષા અને સલામતીનું વિશેષ મહત્વ છે. મુંબઈમાં 13 જુલાઈ 2011માં થયેલા થયેલા શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટથી મુંબઈ ધણધણી ઉઠ્યું હતું.જેમાં ઝવેરી બજાર અને ઓપેરા હાઉસ ડાયમંડ માર્કેટમાં પારાવાર જાનહાનિ થઈ હતી.

આ બોમ્બ વિસ્ફોટની ઘટનાએ અગ્રણીઓને ભારત ડાયમંડ બુર્સમાં સ્થળાંતર બાબતે વિચારવા મજબૂર કરી દીધા હતા. ભારત ડાયમન્ડ બુર્સ 20 એકરમાં ફેલાયેલું છે.જેમાં આશરે 2500 ઓફિસો અને અનેક કેબીનો આવેલી છે.વર્તમાન સમયે બીડીબીમાં નાના મોટા સહીત તમામ હીરાના વેપારીઓ સુરક્ષિત રીતે હીરાનો વેપાર કરે છે.કસ્ટમ હાઉસ, બેંકો અને વિવિધ સર્વિસ પ્રોવાઇડરો એક સ્થળે એક કમ્પાઉન્ડમાં સંપૂર્ણ સુરક્ષિત રીતે નિશ્ચિત બનીને કામ કરી શકે એ હેતુથી બીડીબીમાં માર્કેટનું સ્થળાંતર કરવાનું નક્કી થયુ હતુ.

સ્થળાંતર કરવાનું નક્કી તો કર્યું, પરંતુ એ કામ સરળ નહોતું. પોતાનો બિઝનેસ, પોતાના વ્યાપારીઓ અને સપ્લાયરોનું જ્યાં સુધી સ્થળાંતર ના થાય ત્યાં સુધી કોઈ પહેલ ના કરે એ સ્વાભાવિક હતું. BDB મા પોતાની માલિકીની ઓફિસો હોવા છતાં પણ સ્થળાંતર કરી આગેવાની લેવા પણ કોઈ તૈયાર નહોતું. પરિણામે બુર્સમાં સ્થળાંતરની પ્રક્રીયા ઝડપથી થાય એ હેતુથી વેપારીઓને આકર્ષવાનાં પ્રયત્નો (માર્કેટિંગ) શરૂ થયા હતા.

કેબિન ઓફીસનું ઓછું ભાડું, ટ્રાન્સપોર્ટેશન માટેની સવલતો ઉભી કરવામાં આવી. વધુમાં આકામ માટે અગ્રણીઓએ આગેવાની લીધી.કારણકે મોટા સાથે અનેક બાયર્સ-સેલર્સ જોડાયેલા હોય છે. તેઓ ઓપેરા હાઉસ ખાતે પોતાના યુનિટો સંપૂર્ણ પણે બંધ કરી ભારત ડાયમંડ બુર્સમાં સ્થળાંતરીત થયા. સાથે સાથે સિંગલ ચોકી અને ફેન્સી કટની યુનિટી ઓ બની.તેમના માટે રિઝનેબલ ભાડું નક્કી કરી એક સાથે સ્થળાંતર કરાયુ.જેનો મુખ્ય હેતુ હીરા ઉદ્યોગમાં જે પાયાની સવલતો અને સુરક્ષા ઓપેરા હાઉસમાં નહોતી તેને પુરી પાડવાની હતી.

પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે, એવી જ રીતે સુખી થવું હોય તો જૂનું ભૂલી નવું સ્વીકારવું પડે છે !! 

કહેવાય છે ને કે સમય ક્યારેય બંધાઇને નથી રહેતો.દુનિયામાં થતા પરિવર્તનની સાથે તાલથી તાલ મિલાવવા અને ઉદ્યોગમાં સમય સાથે ચાલવા માટે બિઝનેસ અને માર્કેટમાં સુધારા વધારા કરી પરિવર્તિત રહેવું જોઈએ.નોંધનિય છે કે દુનિયાનાં મોટા ભાગના ઉદ્યોગોનું મુખ્ય વેચાણ કેન્દ્ર જ્યાં તે ચીજનું ઉત્પાદન થતુ હોય ત્યાં જ હોય છે. શ્વના 10 પૈકી 9 હીરાનું કટિંગ અને પોલીશીંગનું કામ સુરતમાં થાય છે. સુરત હીરા ઉદ્યોગનું હબ હોવા છતાં મોટા ભાગની ડાયમંડ કંપની ઓની મુખ્ય ઓફિસો મુંબઈમાં આવેલી છે.

પરંતુ મુંબઈમાં ઉદ્યોગનાં સભ્યોનો વધારે સમય ટ્રાફિક અને મુસાફરીમાં પસાર થાય છે. અહીંની ટ્રાફિક સમસ્યાઓ, મોંઘવારી, યુનિયનની દાદાગીરી અને વ્યાપારીને કોઈ નાની મોટી સમસ્યા હોય કે કાયદાકીય કોઈ બાબત હોય,ત્યારે આવતી અડચણમાં અમુક ભ્રષ્ટ અધિકારીઓને લીધે વ્યાપારીઓ હેરાન પરેશાન થાય છે.આવા અધિકારીઓનાં તોડ- પાણી માટે ઉદ્યોગનાં સભ્યો સોફ્ટ ટાર્ગેટ હોય છે.

જ્યારે વ્યાપાર ઉદ્યોગમાં ગુજરાતમાં સહુને આવકારાય છે.અહીં અન્ય રાજ્યનાં સભ્યો પ્રત્યે પણ કોઈ રાગ કે દ્વેષભાવ નથી.ગુજરાત એવું રાજ્ય છે કે જે અન્ય પ્રાંતના સભ્યોને દુધમાં સાકરની જેમ ભેળવી દેવામાં આવે છે. ત્યાં સુધી કે તેમના રીત-રિવાજો અને ખાણી પીણીને પણ અપનાવી લેવામાં આવે છે.

મુંબઈમાં દાદાગીરી, કારોબારી પાસેથી ખંડણી ઉઘરાવતા અમુક ગુંડા તત્વોને લીધે સમગ્ર તંત્રને નીચા જોણું થાય છે. આવા તત્વો પર વર્તમાન સરકારનો કોઈ કંટ્રોલ જ નથી.જેના લીધે એક નાનો વ્યાપારી પોતાના વ્યાપારનાં ઉજ્જવળ અને સલામત ભવિષ્ય માટે વિચારવા મજબૂર થઈ જાય છે.

મુંબઈની સરખામણીએ સુરતમાં વાતાવરણ ઘર જેવું જ લાગે છે. કોઈપણ સમસ્યા કે પ્રશ્નનો હલ અહીં શક્ય છે. સુરત હિરા ઉદ્યોગનું હબ છે અને હવે જવેલરી ક્ષેત્રે પણ વિશેષ સિદ્ધિઓ ધરાવે છે.મુંબઈની તુલનાએ સુરતમાં સસ્તું અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.

મેન્યુફેક્ચરિંગથી માંડીને માર્કેટનું કામ એક જ શહેરમાં થાય અને ઉદ્યોગ વધુ સારી ગતિથી આગળ વધે એ હેતુથી સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ થયું છે.જેમ બીડીબી દ્વારા જે તે સમયે સમયાનુસાર માર્કેટિંગ થયું હતું. બરાબર એજ પ્રકારે એસડીબી દ્વારા માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. ખરેખર તો તેમા સમગ્ર ઉદ્યોગે સહભાગી થવાની જરૂર છે.જેથી તેનો લાભ ઉદ્યોગના દરેક સભ્યોને મળી શકે.

માર્કેટનાં માર્કેટિંગથી થોડા સમય માટે ઉદ્યોગમાં રહેલા સભ્યોને ચોક્કસથી આકર્ષિત કરી શકાય છે. પરંતુ જો ઉદ્યોગનું માર્કેટિંગ કોઈપણ બુર્સ દ્વારા થાય તો તેમાં ઉદ્યોગ ને લગતી વધુ સારી સવલતો, સુવિધાઓ, નીતિ વિષયક પોલિસી ઓમાં રાહત મળશે તો એ ઉદ્યોગનાં સભ્યોને આકર્ષવામાં વધુ યોગ્ય અને અસરકારક નીવડશે. જેનાથી આપણા સહુના હીરા ઉદ્યોગને લાંબાગાળાનો ફાયદો થશે.