રફ હીરાની કીંમતો વધારવાનો તખ્તો તૈયાર, મજબુત વૈશ્વિક માંગના સકારાત્મક માહોલ અને સપ્લાય-ડીમાન્ડની આદર્શ સ્થિતિ વચ્ચે પણ અમુક કેટેગરીના તૈયાર હીરાની કીંમતોને પ્રભાવિત કરવાનું કારસ્તાન રચાયુ હોવાનું ઉપસ્યુ ચિત્ર
DIAMOND TIMES – પોલિશ્ડ હીરાના પુરવઠા અને સપ્લાયની અછત વચ્ચે અમુક કેટેગરીમાં તૈયાર હીરાની કીંમતોમાં વૃદ્ધિનો સિલસિલો યથાવત રહ્યો છે.તો અમુક કેટેગરીના હીરાની કીંમતો સ્થિર રહી છે.જો કે પુરવઠાની તંગી વચ્ચે તૈયાર હીરાની મજબુત માંગ છતા પણ સપ્લાય અને ડીમાન્ડની આદર્શ સ્થિતિના સુત્રથી વિપરીત અમુક કેટેગરીના તૈયાર હીરાની કીંમતોમાં નજીવો ઘટાડો દર્શાવી તૈયાર હીરાની કીંમતોને પ્રભાવિત કરવાનું કારસ્તાન રચાયુ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે.
1 કેરેટની સાઈઝના હીરાના રેપોરેટમાં 0.8 ટકાનો વધારો નોંધાયો છે.જો કે તૈયાર હીરાની કેટલીક કેટેગરીમાં રેપોરેટમાં મામુલી ઘટાડો કરવામાં આવ્યો છે.ઉલ્લેખનિય છે કે અમેરીકા અને ચીન સહીતના વૈશ્વિક બજારોમાં તૈયાર હીરાની ખુબ ડીમાન્ડ હોવા છતા અમુક કેટેગરીમા ઘટાડા પાછળ કયુ પરિબળ કામ કરી રહ્યુ છે?આ સવાલનો જવાબ મળતો નથી.તૈયાર હીરાના પુરવઠાની તંગી વચ્ચે અમેરીકા,ચીન સહીત વિશ્વના અનેક દેશોના મોટા રિટેલરો તૈયાર હીરાની માંગને સતત ઉત્તેજન આપી રહ્યા છે.આ પ્રકારના સકારાત્મક માહોલ વચ્ચે તૈયાર હીરાના પુરવઠાની તંગીથી ડીલરોને પોલિશ્ડ માલનો સ્ટોક કરવામાં મુશ્કેલી પડી રહી છે.નાની કંપનીઓની તુલનામાં મોટા સપ્લાયર્સ મજબૂત પ્રીમિયમ પર તૈયાર હીરાનું વેંચાણ કરી રહ્યા છે.કોરોના મહામારીના કારણે વૈશ્વિક રફ ઉત્પાદન પ્રભાવિત થતા રફના પુરવઠાની તંગી અને મજબુત ડીમાન્ડથી રફ ટ્રેડિંગ મજબૂત છે.
ફેન્સી હીરાનું બજાર : ફેન્સી હીરાનું માર્કેટ અત્યંત મજબૂત અને કીંમતો સ્થિર છે.0.30 થી 0.99 કેરેટના વિવિધ શેઈપના ફેન્સી હીરાની કીંમતો મજબુત છે.1.25થી3.99 કેરેટની સાઈઝમાં F-J, VVS2-SI2 કેટેગરીના ફેન્સી હીરાના પુરવઠાની બજારમાં ભારે તંગી છે.મોટી સાઈઝના ફેન્સી હીરા જડીત સગાઈ રીંગનું અમેરીકામાં થઈ રહેલા ધુમ વેંચાણના પગલે 2 થી 5 કેરેટ વજનના ફેન્સી હીરાના પુરવઠાની તંગી વચ્ચે માંગ અને કીંમતો મજબુત છે.ઓવલ,પિયર્સ,એમરાલ્ડ,પ્રિન્સેસ,લોંગ રેડિઅન્ટ્સ અને માર્ક્વિઝિસના ઓર્ડરમાં વધારો વચ્ચે એક્સેલન્ટ કટના ફેન્સી હીરાની કીંમતોમાં પ્રિયમમ બોલાઈ રહ્યા છે.ચીન તરફથી મળતા સતત ઓર્ડર બજારને ટેકો આપી રહ્યા છે.
અમેરીકન બજાર : અમેરીકાના બજારોમાં મજબુત ઓર્ડરના કારણે ઝવેરીઓ- કારોબારીઓ ભારે ઉત્સાહિત છે.પરંતુ યોગ્ય ગુણવત્તા યુક્ત તૈયાર હીરાની પુરવઠાની તંગીના પગલે મુશ્કેલી અનુભવી રહ્યા છે.0.25 કેરેટથી નાની સાઈઝમાં G-H,IF-SI રેન્જના હીરાની ભારે માંગ છે.જ્યારે 2થી 2.50 કેરેટની સાઈઝમાં રાઉન્ડ સેઇપમાં અને 2 થી 4 કેરેટના H-I SIs રેન્જના ઓવલ કટના ફેન્સી હીરાની માંગ અને કીંમતો સ્થિર છે.
બેલ્જિયમના બજારો : યુએસ અને ચીની માંગ વચ્ચે બજાર ખુબ આશાવાદી છે.કોવિડના કારણે મુસાફરી પર પ્રતિબંધના કારણે હજુ આંતરરાષ્ટ્રીય ખરીદદારોની અછત છે. 1 કેરેટમાં G-J, VS-SI કેટેગરીના હીરાની મજબુત માંગ વચ્ચે પુરવઠાની તંગીથી સપ્લાયર્સ ઓર્ડર પુર્ણ કરવા ભારે સંઘર્ષ કરી રહ્યા છે.રફ બજાર મજબુત બનતા રફ હીરાના ભાવોમાં વૃદ્ધિ થવાના સંકેતો મળી રહ્યા છે.
ઇઝરાયેલના બજારો : ઈઝરાયેલએ કોરોના પર નિયંત્રણ મેળવી લેતા કોરોના મહામારી પછી ડાયમંડ બુર્સમાં પ્રથમ ડાયમંડ ફેરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તમામ કેટેગરીના હીરાની માંગ સ્થિર છે.જો કે 1.50 થી 2.99 કેરેટના હીરાની વધુ માંગ છે.1 કેરેટ F-I,VS2-SI2 રેન્જના હીરા ઉંચી કીંમતે વેંચાઈ રહ્યા છે.
ભારત: કોવિડ મહામારીમાં રત્નકલાકારોની તંગી વચ્ચે મેન્યુફેકચરીંગ ક્ષમતા પ્રભાવિત થતા હીરાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.બીજી તરફ ગ્રેડિંગ લેબમાં બેકલોગના કારણે પોલિશ્ડ હીરાની અછતની સમસ્યા વચ્ચે પુરવઠો અવરોધાતા ઓર્ડર પુર્ણ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થિર નિકાસ માંગને કારણે હીરા ઉદ્યોગ આશાવાદી છે.જો કે મજબૂત રફ ટ્રેડિંગ પછી રફના મુલ્યમાં વધારો થવાના સંકેતો મળી રહ્યા છે.
હોંગકોંગ : કોરોના મહામારી નિયંત્રણ હેઠળ આવી જતા તૈયાર હીરાની સ્થિર માંગ વચ્ચે સકારાત્મક માહોલ છે.0.30 થી 0.80 કેરેટ તથા 1 કેરેટની સાઈઝમાં F-J, VS-SI અને VS-SI, 3X ડાયમંડની રેન્જમાં સોલિડ ઓર્ડર છે.ચીનના અનેક મોટા હીરા કારોબારીઓ હોંગકોંગના ડીલરોને બાયપાસ કરીને ડાયરેક્ટ ભારતીય સપ્લાયર્સ પાસેથી હીરાની જંગી ખરીદી કરવા લાગતા હોંગકોંગના ડાયમંડ ડીલરોમાં ચિંતા ઉદ્દભવી છે.