પ્રામાણિકતા અને માનવતા મહેંકી ઉઠી : મહીધરપુરાના હીરા વેપારીએ 25 લાખનું જોખમ મુળ માલિકને પરત કર્યુ

DIAMOND TIMES : અહેવાલ : વિપુલ સાચપરા – ગત તારીખ 24 સપ્ટેમ્બર અને શનિવારે સાંજના 7 કલાકે મહિધરપુરા હીરાબજારમાં તૈયાર માલની દલાલી કરતા એક નાના ફેનીલ મોણપરા નામના દલાલભાઈનું રૂપિયા 25 લાખનું જોખમ બજારમાં ખોવાયું હતું. જોખમ ખોવાઈ ગયુ હોવાનો દલાલ ફેનીલ મોણપરાને તરત જ ખ્યાલ આવી જતા તેની શોધખોળ આદરી હતી.પરંતુ ગુમ થયેલા જોખમને શોધવા અથાગ પ્રયત્નો પછી પણ તે મળ્યું ન હતું.જેના કારણે દલાલ ફેનીલ મોણપરા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા.

બીજી તરફ આ જોખમ મહીધરપુરા હીરા બજારમાં નીધિ સેઈફની પાછળ ઓફીસ ધરાવતા અને તૈયાર હીરાના કારોબાર સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત હીરાના વેપારી રણછોડભાઈ કળથીયા (બોટાદ) ને મળ્યું હતું. રણછોડભાઈ કળથીયાએ પ્રામાણિકતા દાખવી આજે સવારે આ જોખમ હીરાના વેપારી નરેશભાઈ ચોગઠ, ભદ્રેશભાઈ ધારૂકા અને બ્રોકર આસોસીયેશનના હોદ્દેદાર હરેશભાઈ કેવડીયાની સાક્ષીએ તેના મુળ માલિક એવા દલાલ ફેનીલ મોણપરાને સુપરત કર્યુ હતુ. આમ એક હીરા વેપારીની પ્રામાણીકના કારણે દલાલ ફેનીલ મોણપરાને સહીસલામત રીતે પોતાનું જોખમ પરત મળી ગયું હતું.