DIAMOND TIMES : શેત્રુંજય મહાતીર્થને બચાવવા ગુજરાત સહિત સમગ્ર ભારતના જૈનબંધુઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.જૈન સમાજ દ્વારા રાજકોટ, વડોદરા સહિત વિવિધ ગુજરાતના શહેરોમાં મહારેલીઓ યોજાઈ છે. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા છે. જૈન સમાજે પાલિતાણામાં મંદિરમાં તોડફોડ મુદ્દે રેલીમાં રોષ વ્યક્ત કર્યો હતો. રેલીમાં લોકો પોતાની માગણીઓને બેનરમાં લખીને મંત્રોચ્ચાર તથા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ એલીઓમાં જૈન સમાજનાં નાનાં બાળકો અને મહિલાઓ પણ જોડાઈ હતી. આ રેલીમાં વિવિધ શ્લોકના સૂત્રોચ્ચાર સાથે પોતાનો અવાજ દેશભરમાં પહોંચાડી રેલીમાં જોડાવવા આહવાન કર્યું હતું.
જૈન અગ્રણીઓએ મીડિયાને જણાવ્યું હતું કે સંમેત શિખરને જે પ્રમાણે પર્યટન સ્થળ બનાવવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એને અનુલક્ષીને જૈન સમાજમાં ભારે વિરોધ છે. જો ધાર્મિક સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે તો એની પવિત્રતા જાળવી નહીં શકાય. તેમજ રોહીશાળા સ્થિત ભગવાનના પ્રાચીન પગલાને પણ નુકસાન કરનારાં અસામાજિક તત્ત્વો સામે આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. એ અંગે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેમજ ગિરિરાજ પર લોકોએ દબાણ કર્યું છે. અધર્મી લોકોએ ખોટાં કામ શરૂ કરી દીધા છે. તેની સામે કાર્યવાહી કરવી જોઈએ.
મહાતીર્થને બચાવવાનો હીરા કારોબારીઓનો પોકાર
શેત્રુંજય પર કોઈ જ દબાણના થાય તથા ત્યાં કોઈ તોડફોડના થાય એ માટે સુરતના હીરા બજારમાં કામ કરતા હીરા વેપારીઓ દ્વારા આવતી કાલે મહારેલીનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ રેલી આવતી કાલે સવારે ઉમરા સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથી નીકળી કલેકટર કચેરી ખાતે જશે અને અગ્રણીઓ પાલિતાણામાં પર્વત પર ગેરકાયદે ખનન અટકાવવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે. આ મહારેલીમાં હીરા ઉદ્યોગપતિઓ, હીરાવેપારીઓ, જૈન સમાજના અગ્રણીઓ, CA પણ સ્વયંભુ રીતે મોટી સંખ્યામાં જોડાશે.