ફરજીયાત હોલમાર્કના કાયદા સામે મધ્યપ્રદેશના ઝવેરીઓએ છેડયો કાનુની જંગ

333

DIAMOND TIMES – આગામી પહેલી જુનથી દેશમાં સોનાના આભુષણો પર ફરજીયાત હોલમાર્કનો કાયદો અમલી બની જવાનો છે.આ કાયદો અમલી બનતાની સાથે જ જ્વેલરીના શોખિન ગ્રાહકો માટે ઘરેણાની પસંદગી અંગે બંધન લાગુ થઇ જશે. 31 મે પછી ગ્રાહકો ઇચ્છે તો પણ 22 કેરેટથી વધારે શુધ્ધતા ધરાવતા ઘરેણાં નહી ખરીદી શકે.આ ઉપરાંત 20 અને 21 કેરેટના ઘરેણાં બનાવડાવી પણ નહીં શકે. કારણ કે હોલમાર્ક અંગે અમલી બનનારા કાયદાની જોગવાઈ મુજબ માત્ર 14, 18 અને 22 કેરેટ શુધ્ધતા ધરાવતાં ઘરેણા પર જ હોલ માર્કીંગ કરી શકાશે.વળી કાયદો લાગુ થતાં પરંપરાગત જ્વેલર્સ અને ઘરેણાના કારીગરોનો ધંધો ભાંગી જશે તો શુધ્ધતા અને પારદર્શિતાની આશા રાખતા ગ્રાહકો પણ ઠગાશે એમ કેટલાક ઝવેરીઓનું કહેવુ છે.

આગામી સમયમાં અમલી બનનારા હોલમાર્ક કાયદાની આવી વિસંગતિઓ વિરૂધ્ધ મધ્યપ્રદેશનાં ઝવેરીઓએ કાનૂની જંગ છેડ્યો છે.એમ.પી. જ્વેલર્સ ડેવલપમેન્ટ એસોસિયેસને હોલમાર્કીંગ વિરુધ્ધ હાઇકોર્ટની મુખ્ય બેંચમાં અરજી કરી છે.જ્વેલર્સનો આક્ષેપ છે કે વર્તમાન સ્થિતિમાં કાયદો લાગુ કરી દેવાયો તો પરંપરાગત જ્વેલર્સ અને ઘરેણા બનાવતા કારીગરોનો ધંધો ઠપ્પ થઇ જશે.શુધ્ધતા અને પારદર્શકતાની આશા રાખનાર ગ્રાહકો પણ છેતરાશે.મીડીયા રિપોર્ટ મુજબ એમ.પી. સોની વેપારી એસોસીએશનનાં કહેવા અનુસાર મધ્યપ્રદેશમાં કુલ 35 હજાર જ્વેલર્સ છે. હોલમાર્કીંગ કાયદો લાગુ થવામાં લગભગ અઢી મહિના બાકી છે.તેની સામે મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં માત્ર 18 હોલમાર્કીંગ સેન્ટર છે.પરિણામે ઝવેરીઓએ હોલ માર્કીંગ માટે માત્ર આંગણીના વેઢે ગણી શકાય એટલા જુજ સેન્ટરો પર જ નિર્ભર રહેવું પડશે.ઝવેરીઓના કહેવા મુજબ ગ્રાહક પોતાની પસંદ અને બજેટ અનુસાર ૨૦, ૨૧, ૨૨, ૨૨.૫ અને ૨૩ કેરેટના ઘરેણાંઓ પણ ઓર્ડર આપીને તૈયાર કરાવતા હોય છે.હોલમાર્કના નિયમો અનુસાર હવે આ ઘરેણાઓ નહીં વેચી શકાય અને તેની શુધ્ધતાનું માર્કીંગ પણ નહીં થઇ શકે.વળી કોઇ જ્વેલર્સ ૨૨ કેરેટથી વધુ શુધ્ધતાવાળુ ઘરેણું વેચશે તો પણ તેના પર ૨૨ કેરેટનું જ માર્કીંગ થશે. મીડીયાને આપેલી માહીતિમાં ઇંદોર સોના, ચાંદી, ઝવેરાત વેપારી એસોસીએશનના પ્રતિનિધીએ કહ્યુ કે વર્તમાન સમયમાં હોલ માર્કીંગના સેન્ટરો માત્ર મોટા શહેરોમાં જ કાર્યરત છે.પરિણામે ગામડાઓ, તાલુકા અને જિલ્લાનાં ઘરેણા ઉત્પાદકો કે ઝવેરીઓએ માર્કીંગ માટે નજીકના મોટા શહેર સુધી લાંબા થવુ પડશે.ઘરેણાની આ હેરાફેરીમાં સીધેસીધું જાનમાલનું જોખમ ઉભુ થઈ શકે છે.

હોલમાર્કીંગ કાનુનમાં અનેક વિસંગતતા હોવાનું કેટલાક ઝવેરીઓનુ માનવુ છે.નવા નિયમ મુજબ એક બેચના માત્ર ૧૦ ટકા ઘરેણાની તપાસ થશે અને માર્કિંગ ૧૦૦ ટકા ઘરેણા પર થશે.મોટાભાગના ઘરેણા મશીનના બદલે હાથથી બને છે.એ તમામ ઘરેણાની શુધ્ધતા અને કેરેટમાં અંતર હોય છે.આવી સ્થિતિ વચ્ચે માત્ર ૧૦ ટકા જથ્થાની શુધ્ધ્તાની ચકાસણીના આધારે ઘરેણાના ૧૦૦ ટકા જથ્થા પર માર્કીંગ કરવાના નિયમના કારણે છેતરપીંડીનો રસ્તો ખુલ્લો થશે.