આર્થિક અનિશ્ચિતતાઓ હોવા છતાં લુકારાએ બીજા ક્વાર્ટરમાં બમણો નફો નોંધાવ્યો

DIAMOND TIMES : કેનેડા સ્થિત માઇનિંગ કંપની લુકારા ડાયમંડ્સનો છેલ્લા ક્વાર્ટર ગાળામાં નફો બમણા કરતા પણ વધુ થયો છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે કંપનીનો નફો 6 મિલિયન ડોલરથી વધીને 12.5 મિલિયન ડોલર થયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે બજારની મજબૂતાઇ આર્થિક અનિશ્ચિતતાઓ પર ભારે પડી છે.

કેનેડા સ્થિત કંપનીએ 30 જૂનના રોજ પૂરા થતા ત્રણ મહિનામાં આવકમાં 13 ટકાનો વધારો નોંધાવ્યો હતો, જે 46.3 મિલિયન ડોલરથી વધીને 52.3 મિલિયન ડોલર થયો છે.

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વધતી હોવા છતાં મજબૂત રફ અને પોલિશ્ડ હીરા બજારના ફંડામેન્ટલ્સ ચાલુ છે. કંપનીએ બોત્સ્વાનામાં કેરોવે માઇન ખાતે તેના 534 મિલિયન ડોલરના ખર્ચે ભૂગર્ભ વિસ્તરણ પર અપડેટ પણ પ્રદાન કર્યું, જે વધારાની આવકમાં 4 બિલિયન ડોલરનું યોગદાન આપશે તેવો અંદાજ છે.

કંપનીના પ્રમુખ અને સીઇઓ ઇરા થોમસે જણાવ્યું હતું કે, અમે મેઇન શાફ્ટ સિન્કિંગ તબક્કા તરફ સંક્રમણની શરૂઆત કરી હોવાથી ભૂગર્ભ વિસ્તરણ પરની ગતિ સતત વધી રહી છે.

ઇરા થોમસે વધુમાં કહ્યું કે, બીજા ક્વાર્ટરમાં, લુકારાએ તેની 100% માલિકીની કેરાવે ડાયમંડ ખાણમાં 10 વર્ષની સતત કામગીરીની ઉજવણી કરી હતી અને શાનદાર હીરાના વેચાણ સાથે યોજના પ્રમાણે ઉત્પાદન કર્યુ હતું, જે સ્થિર પોલિશ્ડ હીરાની માંગને પ્રતિબિંબિત કરે છે અને લાંબા ગાળાના હીરાની કિંમતો માટે સતત હકારાત્મક દૃષ્ટિકોણ દર્શાવે છે. કંપનીના ક્લેરા ડિજિટલ સેલ્સ પ્લેટફોર્મ પરની આવક ક્વાર્ટર દરમિયાન 13 ટકા વધીને 9.4 મિલિયન ડોલર થઈ હતી.