હીરા ઉદ્યોગનાં સભ્યો દ્વારા સ્થાપિત અને માનવતા માટે ધબકતું લોકસમર્પણ રકતદાન કેન્દ્ર – સુરત

ગુજરાતનો અને ખાસ તો સૌરાષ્ટ્રની પાવન ધરતીનો ‘જન સેવા એ જ પ્રભુસેવા’ એ વિશેષતઃ સંસ્કાર વારસો છે. દુઃખી અને પીડિતોની સેવા અને સહાય કરવાની સદ્દભાવના અને સંસ્કાર આપણા લોહીમાં ધબકે છે.

આપી શકતા હોય છે ધબકાર કોઈને,
આપો જો રક્તથી તમે સહકાર કોઈને.

હા રક્તદાન એ જ જીવનદાન થઈ શકે,
લોહી જ દઈ શકે જીવન આધાર કોઈને.

DIAMOND TIMES : થોડા દાયકાઓ પૂર્વે વ્યવસાય અર્થે સૌરાષ્ટ્રથી અનેક યુવાનો સુરત આવીને ધંધા વ્યવસાયમાં સ્થિર થયા.ત્યાર બાદ માત્ર સ્વાર્થ જ નહી પરંતુ નિસ્વાર્થ ભાવે જનહિત માટે સેવા કરવાના ઉમદા હેતુથી યુવા મિત્રોએ ચિંતન કર્યું.જેમાં ધ્યાનમાં આવ્યું કે ઘણા દર્દીઓને જરૂરિયાત હોય ત્યારે બ્લડ મેળવવા માં વધુ તકલીફ પડે છે. તાત્કાલિક લોહી ન મળી શકવાને લીધે દર્દીઓનો જાન ગુમાવવાનો વારો આવે છે. આ સમસ્યાને નિવારવા યુવાનો દ્વારા રક્તદાન કેન્દ્ર શરૂ કરવાનો સંકલ્પ કરાયો.ડો. જીવરાજભાઈ ડાંખરા, હરિભાઈ કથિરિયા, ભરતભાઇ ગજેરા, મહેશભાઈ સવાણી,રસિકભાઈ સાનેપરા, ડૉ. પ્રકાશ ભટ્ટ, રમેશભાઈ ભાદાણી, ડૉ. ગોસાઈ, ડૉ. સવાણી સહીતના સેવાભવી વિરલાઓએ સંકલ્પ સાકાર કરવા સક્રિય થયાં અને બલ્ડબેંકની સ્થાપના કરવાનું ન્ક્કી કર્યુ જેના માટે સર્વ સહમતિથી ‘લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર’ નામ પસંદ કર્યું.આ રીતે તા. 29. નવેમ્બર 1995ના રોજ લોક સમર્પણ ટ્રસ્ટની સ્થાપના થઇ. સંસ્થાના સ્થાપક પ્રમુખ તરીકે ડૉ. જીવરાજભાઈ ડાંખરાએ કુશળતાપૂર્વક સુકાન સંભાળ્યું.સંસ્થાના પ્રારંભમાં મકાનની સુવિધા વિનામૂલ્યે આપીને શ્રી બાબુભાઇ ગજેરા તથા સ્વ.ભીખાભાઇ સાનેપરા સંસ્થાના સેવાયજ્ઞના પાયાના પ્રેરક બન્યા.ત્યારબાદ તા. 7.7.1996ના રોજ સાધના સોસાયટી, વરાછા રોડ ખાતે પ.પૂ. સ્વામીશ્રી સચ્ચિદાનંદજીના વરદ હસ્તે તેની ઉદ્દઘાટન વિધિ કરાઈ ત્યારથી લઈને આજ સુધી આ સંસ્થા દ્વારા 24 કલાક રક્તદાન સેવા યજ્ઞ અવિરત પણે ચાલ્યા જ કરે છે.

આધુનિક ટેકનોલોજી તથા શ્રેષ્ઠતમ સેવા સાથે રક્ત આપવાનો પ્રયત્ન હીરા ઉદ્યોગના સહકારથી સાકાર થયો

સંસ્થામાં શ્રીમતી ભાનુમતીબેન રમણિકલાલ ઠક્કર ભવનનાં દાતાશ્રી તરીકે જોડાયેલાં દિલીપભાઈ ઠક્કર (દિયા જેમ્સ- એન્ટવર્પ) જેઓ હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા છે. લોકસમર્પણ ટ્રસ્ટમાં શરૂઆતથી જ હીરાઉધોગ નો ખુબ મોટો ફાળો રહેલો છે.હીરા ઉદ્યોગનાં કારખાનાઓ હોય કે ઓફીસ હોય લોકસમર્પણ દ્વારા જ્યારે પણ મદદના પોકાર થયા છે ત્યારે હીરા ઉદ્યોગે હંમેશા સાથ સહકાર આપ્યો છે.હીરા ઉદ્યોગ દ્વારા આર્થિક મદદની સાથે અનેક વખત રકતદાન કેમ્પ પણ કરાવ્યા છે.

હીરા ઉદ્યોગના અગ્રણીઓ એ રકતદાન જાગૃતિ માટે સિંહ ફાળો આપ્યો છે.જ્યારે લોકસમર્પણ બેંકના ટ્રસ્ટીઓને કોઈ ઓળખતું નોહતું ત્યારે વલ્લભ ભાઈ સવાણી (બાપુજી)ના માધ્યમથી શ્રી દિલીપભાઈ ઠક્કર દ્વારા 1 લાખ ડોલરનું દાન આપી ‘શ્રીમતી ભાનુમતીબેન રમણિકલાલ ઠક્કર’ નામકરણ કરવામાં આવ્યુ હતુ.ત્યાર બાદ નવા ભવન નિર્માણમાં પણ આ પરિવાર દ્વારા 1 લાખ ડોલરનું યોગદાન પ્રાપ્ત થયેલ છે. અને શ્રીમતી અનિતાબેન દિલીપભાઈ ઠક્કર થેલેસીમિયા સેન્ટર માટે 25 લાખનું યોગદાન પ્રાપ્ત થયેલ છે.આમ વતનની બહાર રહીને પણ વતન પ્રત્યેનો ભાવ આ પરિવાર દ્વારા હંમેશા પ્રગટ થયો છે.

લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા થયેલ કાર્યો

કોઈપણ દુર્ઘટના વખતે આ સંસ્થામાં સેવાભાવી રક્તદાતાઓ તત્કાલ સામેથી જ બ્લડ બેન્ક પર આવીને રક્તદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી દે છે. તેમની આ અનોખી સદ્દભાવના સંસ્થા માટે પ્રેરકબળ છે.ગરીબ દર્દીઓને સંસ્થા તરફથી વિના મૂલ્યે રક્ત આપવામાં આવે છે. થેલેસીમિયા, હિમોફેલિયા, સિકલસેલ અને ડાંગ જિલ્લાના આદિવાસી લોકોને પણ અહીં વિનામૂલ્યે રક્ત આપવામાં આવે છે. સાથે સાથે સુરતની સિવિલ અને સ્વીમેર હોસ્પિટલનાં દર્દીઓને પણ વિનામૂલ્યે સેવા અપાય રહી છે. કારગીલ યુદ્ધ વખતે ઘાયલ સૈનિકો માટે રક્ત પૂરું પાડવા સેવાભાવી રક્તદાતાઓએ રક્તદાન કેન્દ્ર પર આવીને રક્તદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી દીધી હતી. આ રીતે રક્ત પહોચાડીને સંસ્થા દ્વારા રાષ્ટ્રીય ભાવના વ્યક્ત કરાઈ હતી. આ ઉપરાંત સંસ્થામાં એઇડ્સ જાગૃતિ માટે અલગ વિભાગ કાર્યરત છે. પુર હોનારત, અતિવૃષ્ટિ, રોગચાળો જેવી આફત વખતે સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને દવા-ખોરાક અન્ય સામ્રગી પૂરી પાડી સંસ્થા સહાયરૂપ બને છે. કોઈપણ આકસ્મિક સંજોગોમાં સંસ્થા સેવા આપવા તૈયાર હોય છે. કોરોનાકાળ દરમિયાન પણ ગુજરાત માંથી સૌથી વધારે રક્ત જો એકઠું કરાયું હોય તો એ આ રકતદાન કેન્દ્ર દ્વારા એકઠું કરાયું હતું.

લોકસમર્પણ રક્તદાન કેન્દ્રમાં ઉપલબ્ધ વર્લ્ડ ક્લાસ સગવડો

1) લોહીથી ફેલાતા રોગની તપાસ માટેનું ફુલ્લિ ઓટોમેટિક મશીન
2) બ્લડ ગૃપિંગ , ક્રોસ મેચિંગ, એન્ટીબોડી ટેસ્ટિંગ માટેનું ફુલ્લિ ઓટોમેટિક મશીન
3) ક્રોસ મેચિંગ માટે સેમી ઓટોમેટિક મશીન
4) સિંગલ ડોનર પ્લેટલેટ માટેનું મશીન
5) લોહીના જ ઘટકો છુટા પાડવાનાં મશીનો
6) પ્લેટલેટને સ્ટોર કરવા માટે પેનપોલ પ્લેટલેટ એજીટેટર
7) લોહીમાંથી છુટા પાડેલા પ્લાઝમા અને ઝડપથી ફ્રોઝન કરવા માટે ડીપ ફ્રીઝર
8) ફ્રોઝન પ્લાઝમાને સ્ટોર કરવા માટે ડીપ ફ્રીઝર
9) રક્તકણોને સાચવવા માટેના રેફ્રીઝરેટર

ભવનમાં જરૂરી સુવિધાઓ

⏹️સેન્ટ્રલ એ.સી. બ્લડ બેન્ક
⏹️વિશાળ રિસેપ્શન કમ વેઇટિંગ રૂમ
⏹️બી.ટી.ઓ.ઓફિસ, ટેપિંગ રૂમ, કાઉન્સેલિંગ રૂમ
⏹️રક્તદાતાઓ માટે રિફ્રેશમેન્ટ રૂમ
⏹️વહીવટી ઓફિસ
⏹️ટ્રસ્ટી મંડળ ઓફિસ
⏹️લેબ-1 (ફૂલી ઓટોમેટિક , રક્તદાનમાં મેળવેલ રક્તનું ગ્રૂપ તથા દર્દીના લોહી સાથે ક્રોસ મેચ)
⏹️લેબ-2 (ફૂલી ઓટોમેટીક, રક્તદાનમાં મેળવેલ રક્તનું રક્ત પરીક્ષણ)
⏹️કમ્પોનન્ટ લેબ (લોહીના ઘટકો છુટા કરવા)
⏹️ક્વોલિટી કન્ટ્રોલ લેબ
⏹️એસ.ડી.પી. (રક્તદાતાના લોહીમાંથી જોઈતા ઘટક મેળવવા)
⏹️થેલીસિમિયા ટ્રાન્સફ્યુઝન સેન્ટર
⏹️કોલ્ડ સ્ટોરેજ રૂમ-1 (રક્ત સંગ્રહ માટે)
⏹️કોલ્ડ સ્ટોરેજ રૂમ-2 (રક્તના ઘટકો સંગ્રહ કરવા માટે)
⏹️રિસર્ચ સેન્ટર
⏹️સ્ટાફ રૂમ
⏹️સ્ટાફ રિફ્રેશમેન્ટ રૂમ
⏹️વિશાળ કોંફરન્સ હોલ, સભાખન્ડ
⏹️વિશાળ પાર્કિગ
⏹️સ્ટાફ કવાર્ટર
⏹️સ્ટોર તથા રેકોર્ડ રૂમ
⏹️આઈ.ટી.રૂમ
⏹️પેન્ટ્રી
⏹️એચ.આઈ.વી. કન્ટ્રોલ એક્ટિવીટી ઓફિસ

થેલીસીમિયા વિભાગ વર્તમાન સમયની આવશ્યકતાઓ

થેલેસીમિયા એક આનુવંશિક રક્ત વિકાર રોગ છે. જેમાં શરીરમાં લાલ રક્ત કણ અને હિમોગ્લોબિન સામાન્યથી પણ ઓછું થઇ જાય છે. આખા શરીરમાં ઓકસીજનનું પરિવહન માટે હિમોગ્લોબિન નામના પ્રોટીન જરૂરી હોય છે. થેલેસેમીયા મેજર જીવન માટે પડકારરૂપ, અસાધ્ય અને જીવલેણ રોગ છે. આ રોગમાં બાળકને જન્મના 3 થી 18 માસમાં જ લોહીની ઉણપના ચિન્હો દેખાવા લાગે છે. આ રોગથી પીડાતા બાળકને નિયમિત વધારાનું લોહી ચડાવવુ પડે છે. જીવનભર બીજાના લોહી પર જીવાડવુ પડે છે. છતાં આ બાળકનું આયુષ્ય સામાન્ય રીતે ટૂંકુ હોય છે. આ બાળકના પરિવારને દર પંદર દિવસે એક કે બે બોટલ લોહીની વ્યવસ્થા કરવી પડે છે. વારંવાર લોહી ચડાવવાથી બાળકને શારીરિક બહુ જ કષ્ટ પડે છે. આ બાળકને જીવાડવા માટે મહિનામાં પાંચ હજારથી પચ્ચીસ હજાર સુધીનો ખર્ચ થાય છે. તેમજ આ સારવાર દરમિયાન બાળક અને પરિવાર– શારીરિક, માનસિક ને આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર માં થેલેસેમિયાથી પીડાતા દર્દીઓ માટે અલગથી શ્રીમતી અનિતાબેન દિલીપભાઈ ઠક્કર થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર ઉભું કરાયું છે. જ્યાં દર્દીઓની તકેદારી સાથે વિનામૂલ્યે સારવાર કરાય છે અને તેમને પૂરતા પ્રમાણમાં બ્લડ લોકસમર્પણ રકતદાન કેન્દ્ર પર ચડાવાય છે.

લોકસમર્પણ રક્તદાન કેન્દ્રની ડોકટર્સ ટીમ દ્વારા EMM નેગેટીવ લોહીનું સંશોધન

લોહીના ચાર મુખ્ય પ્રકાર હોવા છતાં એક એવું લોહી દર્દીની સારવાર દરમિયાન મળ્યું હતું કે તે અન્ય ચાર પ્રકારના લોહી સાથે મેચ થતું નહોતું. તબીબો માટે આ વાત ચોંકાવનારી હતી. ત્યારે સુરત સહિત અમદાવાદ અને ન્યુયોર્ક સહિતના તબીબોના પ્રયાસોથી એક અલગ જ પ્રકારના લોહીનું સંશોધન કરીને દર્દીનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ સંશોધનમાં સુરતની લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના તબીબનો મહત્વનો રોલ હોવાનું બહાર આવ્યું છે. કોઈપણ બ્લડ ગ્રુપ મનુષ્ય શરીરના રક્તકણો પર રહેલાં એન્ટીજનનો નિર્દેશ કરે છે. આવા 360 થી વધારે Ag રેકોગનાઈઝ થઈ ચૂક્યા છે અને એમને 36 બ્લડ ગ્રુપ સીસ્ટમમાં તેમના જિનેટિક ના આધારે વિભાજિત કરવામાં આવ્યા છે. આ 36 સિસ્ટમમાંથી 23 નંબર ની સિસ્ટમ છે (indian system) જે 1972માં ડૉ. જોશી અને ટીમે બોમ્બે માં ડિસ્કવર કરી હતી. 2016 સુધી આ સિસ્ટમમાં ચાર (Ag) એન્ટીજન રજીસ્ટર થઈ ચૂક્યા હતા. ત્યારબાદ (Ina, Inb, In3, In4) 2016માં ડો.જોશી અને ટીમે લોક સમર્પણ બ્લડ બેંકમાં આ Indain System ની પાંચમાં એન્ટીજનની શોધ કરી. અને તેનું નામ INRA આપ્યું. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન (ISBT) આ નવા બ્લડ ગ્રૂપને રેકોગનાઇઝ કર્યું અને IN5 તરીકે Indian Systemમાં સમાવેશ કર્યો. INRA જિન મ્યુટેશન એટલું જૂજ છે કે સુરતના 500 ડોનરનાં મોલેક્યુલર જિનેટિક સ્ટડીમાં પણ એ જોવા મળ્યું નથી. આ સ્ટડી લોક સમર્પણ બ્લડ બેંક દ્વારા NIH, USA ના કોલોબ્રેશનથી કરેલું છે.

લોકસમર્પણ રક્તદાન કેન્દ્રની પ્રવૃતિઓ અને વિકાસગાથા

1) 7-7-1996 મંગલ પ્રારંભ (સાધના સોસાયટી) પ.પૂ. સ્વામી સચ્ચિદાનંદજીના વરદ હસ્તે
2) 15-9-1996 સંસ્થાના લાભાર્થે સમર્પણ લોકડાયરો
3) 4-4-1999- સંસ્થાનો પોતાના ભવન મીરાનગર ખાતે પ્રારંભ, મહારક્તદાન શિબિરનો સીને કલાકાર જીતેન્દ્રના હસ્તે ઉદ્દઘાટન. 8008 યુનિટ બ્લડ દ્વારા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
4) 5-7-2003- ‘માનવતાની મહેક’ રક્તદાન ક્ષેત્રે વિશિષ્ટ સહયોગીઓનો ભવ્ય સન્માન સમારોહ
5) 14 થી 21 ડિસેમ્બર-2003- પ.પૂ. રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ દ્વારા HIV+VE પરીક્ષણ માટે ફલોસાયટોમીટર અને CD4, CD8 ની સુવિધા શરૂ
6) 29-9-2004- સેવા સૌરભ અંતર્ગત ફલોસાયટોમીટર મશીનનું ઉદ્દઘાટન તેમજ દાતાશ્રીઓ અને રક્તદાન ક્ષેત્રે વિશિષ્ટ સેવા આપનારનું સન્માન
7) 5-6-2005- રક્તદાન મહાશિબિરમાં 20,022 યુનિટ બ્લડ એકત્ર કરી વિશ્વ વિક્રમ. સુરત ડાયમન્ડ એસોસિયેશનના સહયોગથી આયોજીત બ્લડ કેમ્પમાં એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ રક્તદાન કર્યું.
8) 1 થી 7 જુલાઈ 2006- અખંડ રક્તદાન સપ્તાહ (7 દિવસ) દશાબ્દિ વર્ષ ની ઉજવણી એ ‘સ્મૃતિગ્રંથ’ પ્રગટ કર્યો
9) 4-4-2009- સેલ સેપરેટર મશીન & બ્લડ કલેક્શન વાન લોકાર્પણ સમારોહ
10) 22-8-2010- નવનિર્માણ ભવનનું ભૂમિપૂજન સ્વામીશ્રી સચ્ચિદાનંદજીના સાનિધ્યમાં
11) 7-2017- સંસ્થા દ્વારા નવું બ્લડ ગ્રુપ IN-5 નું સંશોધન . પ્રેરક સંસ્થાના ડાયરેકટર ડૉ. સન્મુખ જોશી
12) 3-7 2019- સંસ્થા દ્વારા નવું રેર એન્ટી બોડી, જે ઇન્ડિયામાં પ્રથમ કેસ છે. જેનું નામ Emm છે. જે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર અને પ્રથમા બ્લડ બેન્ક (અમદાવાદ) ના સહયોગથી સંશોધન થયેલ છે.
13)9-7-2019- થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર (પ.પૂ. જ્ઞાનવત્સલ સ્વામીજીના વરદ્દ હસ્તે)

લોકસમર્પણ રક્તદાન કેન્દ્રની રક્તદાન સેવા ક્ષેત્રે યશસ્વી કામગીરીની રજત જયંતિ પૂર્ણ

સુરતમાં કાર્યરત ભારતની અત્યાધુનિક અને હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા સભ્યોનાં સાથ સહકારથી બનેલા તથા રકતદાન સેવામાં વિશ્વ વિક્રમ સ્થાપનાર લોકસમર્પણ રકતદાન કેન્દ્ર ને 25 વર્ષ પુરા થતા સંસ્થા તરફથી તા. 10-7-22ના રોજ મિનિબજાર ખાતેના સરદાર સ્મૃતિ ભવનમાં સમર્પણ રજત જયંતી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

જોકે કોરોનાકાળમાં જ સંસ્થાએ 25 વર્ષ પૂર્ણ કર્યા હતા. પરંતુ કોરોનાને લીધે ઉજવણી શક્ય બની નહોતી. જેથી આ વર્ષે 26 વર્ષ પૂર્ણ થતાં ઉજવણીનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં અધ્યક્ષ તરીકે પધારેલા માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતીમાં રકતદાનદાતાઓ તથા રક્તદાન શિબિરોનું આયોજન કરનારા અને તેમની સંસ્થાઓને સહાય પ્રદાન કરવા માટે સહયોગી સંસ્થાઓનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ વિશેષ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, રક્તદાન પ્રવૃતિ જેવા માનવતાના વિવિધ કાર્યો દ્વારા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર અન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. પોતાના ધનથી માંડી રક્તને પણ બીજાના સુખ માટે દાન કરે એ જ સાચી માનવતા છે. તેમણે રક્તદાનને જીવનનું શ્રેષ્ઠ દાન ગણાવતા કહ્યું હતું કે અન્યના સુખમાં પોતાના સુખને જોવું એ ગુજરાતીઓનાં સંસ્કાર છે. તેમણે રક્તદાતાઓને માનવતાના પ્રહરી અને સમાજની નિધિ ગણાવ્યાં હતા અને અત્યાધુનિક સુવિધા પુર્ણ બ્લડ બેંકને માનવતાનું મંદિર ગણાવ્યું હતું. લોકસર્મપણ ટ્રસ્ટના પ્રમુખ હરિભાઇ કથીરીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે,મ સુરત શહેરના દાનવીર દાતાઓએ જ્યારે પણ જરૂર પડી છે ત્યારે રક્તનું મહામુલું દાન કર્યુ છે.કોરોનાના ક્પરા કાળમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે કેન્દ્ર પર આવીને રક્તદાતાઓએ માનવતા મહેકાવી હતી.

આ કાર્યક્રમમાં ‘રક્તનો ધબકાર ‘ હાસ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ધારાસભ્ય કિશોરભાઇ કાનાણી , શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરનારા વલ્લભભાઈ સવાણી, સમાજ સેવક હંસરાજભાઈ ગોંડલિયા, લોકસર્મપણ કેન્દ્રના સ્થાપક જીવરાજભાઇ ડાંખરા, યુવા ઉદ્યોગકાર રાકેશભાઈ દુધાત તેમજ સામાજિક ક્રાંતિના પ્રણેતા અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.