લોન ધારકોને રાહત આપવાની તૈયારીઓ પુર્ણ : ટૂંક સમયમા એલાન ?

520

DIAMOND TIMES– કોરોનાની પ્રવર્તમાન લહેરમાં લોકોને મોટો આર્થિક ફટકો પડયો છે.જેને અનુલક્ષીને લોન ધારકોને રિઝર્વ બેંક તરફથી રાહત જાહેર કરવાના ચક્રો ગતિમાન થયા છે. શિક્ષણ લોન સહીત અગાઉ એક વખત લોનનું રીસ્ટ્રકચરીંગ (પુર્નગઠન) નો લાભ લઈ ચુકેલા કારોબારીઓ અને ઉદ્યોગપતિઓને પણ રાહત આપવા રિઝર્વ બેંક દ્વારા વિચારણા કરવામાં આવી છે.

રિઝર્વ બેંક તથા અન્ય બેંકોના વડાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં લોનધારકોને રાહત આપવાના સૂચન-દરખાસ્ત થયા હતા. લોન રીસ્ટ્રકચરીંગ સ્કીમનો વ્યાપ વધારવા માટે બેંક વડાઓએ રિઝર્વ બેંકના ગવર્નરને સૂચન કર્યુ હતું. 25 કરોડ થી અધિકની લોનને પણ આ સ્કીમમાં સામેલ કરવાની દરખાસ્ત કરી હતી. બેંકરોએ કહ્યું હતું કે કોરોના સંક્રમણને રોકવા રાજયોએ લાગુ કરેલા મીની લોક ડાઉન ભલે જરૂરી હોય,પરંતુ તેનાથી અર્થતંત્રને ઝટકો લાગ્યો છે. નોન બેંકીંગ ફાયનાન્સીયલ કંપનીઓએ પણ તેના લોનધારકો માટે મોરેટોરીયમ જાહેર કરવા રિઝર્વ બેંક સમક્ષ માંગ કરી છે.

બેંકોના વડાઓ સાથેની બેઠકમાં રિઝર્વ બેંકના ગવર્નરે નાના ધંધાર્થીઓ તથા નાના ઉદ્યોગકારોને અપાતી લોન સહિતની વિવિધ વિગતો માંગી હતી.બેંકોએ તૈયાર કરેલી સ્કીમ અંગે રિઝર્વ બેંકને અવગત કરાવી હતી.