યુએસના એરિઝોનના જ્વેલરી સ્ટોરમાં લૂંટ ચલાવનારા ચાર ગુનેગારોને સાત વર્ષ જેલની સજા

61

DIAMOND TIMES : યુનાઇટેડ સ્ટેટ્સના એરિઝોના ખાતે ગ્લેન્ડેલમાં જેરેડ જ્વેલરી સ્ટોરમાં સશસ્ર લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. જો કે આ તમામ લૂંટારૂો રંગે હાથ ઝડપાઇ ગયા હતા. હવે કોર્ટે આ ગેંગના ચાર સભ્યોને ઓછામાં ઓછી સાત વર્ષ જેલની સજા ફટકારી છે.

આ કેસની વિગતો એવી છે કે, એક વર્ષ પહેલા માર્ચ 2022માં આ સશસ્ર લૂંટારૂઓની ટોળકીએ જ્વેલરી સ્ટોરના કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી તેમની અંગત સંપત્તિ તેમજ સ્ટોરમાંથી કુલ 1.5 મિલિયન ડોલરની લૂંટ કરી હતી. જો કે એ સમયે એક મહિલાએ 911 પર ડાયલ કર્યા પછી ગણતરીની મિનિટમાં પોલીસ પહોંચી હતી અને ચારેયને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ લૂંટારૂઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તમામને પકડી પાડ્યા હતા,

કાઉન્ટી એટર્ની રશેલ મિશેલે જણાવ્યું હતું કે, આ કેસમાં ભોગ બનેલા લોકો ભયાનક ક્ષણોમાંથી પસાર થયા હતા કારણ કે ગુનેગારો તેમને મોતને ઘાટ ઉતારે તેવો ડર હતો. સ્ટોરની અંદરના નવ વ્યક્તિઓ ભોગ બન્યા હતા અને તેઓ ન્યાય માટે અમારી પાસે આવ્યા હતા. લૂંટેલા પૈસા અને જ્વેલરી રિકવર કરવામાં આવી હતી અને ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી.

મેરીકોપા કાઉન્ટી એટર્નીની ઓફિસે જણાવ્યું હતું કે, ગેરી વેઈન ફ્રીનીને 10.5 વર્ષની, મોન્ટા લેમોન્ટ હેરિસને 11.25 વર્ષની, ડીએન્ડ્રે ડોન્ટે હેવનને સાત વર્ષની અને કેનેથ રે વોલ્ટન જુનિયરને આઠ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.