DIAMOND TIMES : મધ્ય પ્રદેશના પન્નામાં અજાયગઢમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીને ડેમ બાંધવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ વિસ્તારમાંથી રફ હીરા ધરાવતી માટીના અને પથ્થરોના ગેરકાયદે ખનન બદલ લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ને રૂ. 2.15 કરોડનો દંડ ફટકાર્યો છે.
અંગ્રેજી અખબાર ન્યુઝ કલીકના અહેવાલ મુજબ પ્રાકૃતિક સંસાધનોના ગેરકાયદે શોષણ માટે લાર્સન એન્ડ ટુબ્રોને દંડ ફટકારવામાં આવ્યો હોય તેવું પ્રથમ વખત નથી. ગત તારીખ 6 નવેમ્બર 2020 માં પણ મધ્ય પ્રદેશ સરકારના ખાણકામ વિભાગે કંપનીને ડેમના બાંધકામમાં વપરાતા 25,000 ક્યુબિક મીટર રોડ સ્ટોનની રોયલ્ટીની ચોરી કરવા બદલ રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો હતો.
અંગ્રેજી અખબાર ન્યુઝ કલીકના અહેવાલ મુજબ મધ્ય પ્રદેશના પન્નામાં અજાયગઢ તાલુકામાં ભાઈગાનની ઉપનદી પર રૂ 270 કરોડના ખર્ચે 1,182 મીટર લાંબો ડેમ નિર્માણાધીન છે.દરમિયાન જિલ્લા ખાણ ખનન કચેરીના અધિકારીઓએ બાતમીના આધારે દરોડાની કાર્યવાહી હાથ અધરી હતી.જેમા બહાર આવ્યુ હતુ કે કંપની બાંધકામ સ્થળ નજીક પ્લાન્ટ સ્થાપીને ગેરકાયદેસર રીતે હીરા મળી આવે તેવી માટીનું ખોદકામ કરી રહી છે.આ ઘટનામાં L&Tને કારણ બતાવો નોટિસ પાઠવી સંભવિત હીરા ધરાવતી માટી અને પથ્થરોના ગેરકાયદે ખનન અંગે ખુલાસો માંગવામાં આવ્યો હતો.
અધિકારીઓના મૂલ્યાંકન મુજબ પન્નામાં અજાયગઢ તાલુકામાં રૂંજ નજીક 3થી 4 ઘન મીટર કાંકરીમાં એક કેરેટ હીરા હોય છે. દરોડા દરમિયાન અધિકારીઓને હીરા મળી આવવાની સંભાવના ધરાવતી માટી ખોદવા માટેના ઓજારો, માટી સાફ કરી હીરા શોધવા માટે 10થી 12 ફૂટ ઊંડા ખાડાઓ પણ મળી આવ્યા હતા. ન્યુઝ ક્લીકના અહેવાલ મુજબ સાઇટના ફોટા પણ સૂચવે છે કે હીરા ધરાવતી માટી ખોદવા માટે પ્લાન્ટને ડીઝાઈન કરવામાં આવ્યો હતો.ન્યુઝ ક્લીકે દાવો કર્યો છે કે વિધાન સભામાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષ વિજય ગેહલોત દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબ માં દંડની પુષ્ટિ કરી હતી.