ધર્મનંદન ડાયમંડ આયોજીત સમુહ લગ્નોત્સવ પ્રસંગે લાલજીભાઈ પટેલનું પ્રેરક નિવેદન : સમાજને નવી દીશા આપવાનો એક નમ્ર પ્રયાસ

269

DIAMOND TIMES : કતારગામ સ્થિત હીરાની અગ્રણી કોર્પોરેટ કંપની ધર્મનંદન ડાયમંડ દ્વારા સમાજસેવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત સંસ્થા ધર્મનદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત તારીખ 12 ફેબ્રુઆરી અને રવિવારના રોજ ” પરિવારનું પાનેતર” લગ્નોત્સવનું આયોજન વરીયાવ – સુરત સ્થિત ધર્મનંદન સ્પોર્ટ્સ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું.

સમાજને નવી દીશા આપવા યોજાયેલા આ શુભ પ્રસંગે રેલ્વે અને કાપડ મંત્રી દર્શનાબેન જરદોશ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફૂલ્લભાઈ પાનસેરીયા સહીત ધારાસભ્યો, હીરાની કંપની રામક્રિષ્ણા એક્સ્પોર્ટના શ્રીગોવિંદ કાકા ધોળકીયા, કિરણ જેમ્સના શ્રી વલ્લભભાઈ લખાણી, લક્ષ્મી ડાયમંડના શ્રી વસંતભાઈ ગજેરા, ગ્રીનલેબના શ્રી મુકેશભાઈ પટેલ, ગ્લોસ્ટારના શ્રી કેશુભાઈ ગોટી, હજારો દીકરીઓના પાલક પિતા એવા પીપી સવાણી ગ્રુપના શ્રી મહેશભાઈ સવાણી, શ્રી સોરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ટ્ર્સ્ટના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, સમસ્ત પાટીદર સમાજ ટ્ર્સ્ટના પ્રમુખ શ્રી વેલજીભાઈ શેટા, અગ્રણી બિલ્ડર્સ શ્રી લવજીભાઈ બાદશાહ, શ્રી જેન્તિભાઈ એકલારા, યુરો ફૂડના શ્રી મનહરભાઈ સાચપરા સહીત સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય, સામાજિક અને વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રના અનેક અગ્રણીઓ – મહાનુભાવોએ ખુબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

દરેક મહેમાનોને ધર્મનંદન પરિવારના વડીલો શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી તુલશીભાઈ ગોટી, શ્રી દયાળભાઈ ગોટી, શ્રી જેરામભાઈ વિરાણી તથા દરેક યુવા ડીરેકટર્સ હિતેષભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ, શૈલેશભાઈ ગોટી,પ્રકાશભાઈ ગોટી, સંજ્યભાઈ વિરાણી તથા વિપુલભાઈ સુતરીયાએ ઉમળકા સભર આવકાર આપ્યો હતો.જ્યારે તમામ મહેમાનશ્રીઓએ પણ પ્રસંગને દીપાવી પ્રભુતામાં પગલા પાડનારા 34 નવદંપતિઓને શુભાશિષ પાઠવી આ સામાજીક કાર્ય બદલ સમસ્ત ધર્મનંદન પરિવારના વડીલો- દરેક યુવા ડીરેકટર્સને બિરદાવ્યા હતા.

દેશભક્તિની ચેતના જગાવવા સામુહિક રાષ્ટ્રગાન બાદ મહેમાનશ્રીઓના વરદ્ હસ્તે દિપપ્રાગટય વિધી પછી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આમંત્રિત તમામ સમાજ શ્રેષ્ઠીઓ, માનવંતા મહેમાનશ્રીઓનું આયોજક પરિવારના સભ્યો દ્વારા અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું.

સમુહ લગ્નોત્સવમાં 34 નવદપતિઓ એક સાથે વરમાળા કાર્યક્રમમાં જોડાયા હતા અને પ્રભુતામાં પગલા પાડી સુખી દાંપત્ય જીવવની શરૂઆત કરી હતી. ધર્મનંદન ડાયમંડ્સ પરિવાર તરફથી સમુહલગ્નમાં જોડાયેલ દરેક દિકરીઓને કરિયાવરમાં જીવન જરૂીયાતની કુલ 65 ચીજ-વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. આ ઉપરાંત તમામ મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કંપનીમાં લાંબા સમયથી કાર્યરત મહીલા કર્મચારીઓને પણ મહીલા ગૌરવ પુરસ્કાર એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી.

ધર્મનંદન પરિવારના યુવા ડીરેકટર્સના મહિલા સભ્યોએ દરેક માયરાની મુલાકાત લીધી

કન્યાદાન એ દિકરીના માતા-પિતા માટે જીવનની ખુબ જ યાદગાર ક્ષણ હોય છે.જે પળના સાક્ષી બનવા માટે આયોજક પરિવારના વડીલો અને યુવા ડીરેક્ટરશ્રીના મહીલા સભ્યોએ દરેક માયરાની મુલાકાત લઈ દિકરીઓને સોનાનું મંગળસુત્ર, ભગવદ્દગીતા અને શુભેચ્છા પત્ર એનાયત કરીને અંતરના ઉમળકાથી આર્શીવાદ આપ્યા હતા. તેમજ ઉત્સવની યાદોનું સુખ:દ સ્મરણ રહે તે માટે તમામ નવયુગલોએ આયોજક પરિવાર સાથે ગૃપ ફોટોગ્રાફી કરી હતી. આ સમુહ લગ્નોત્સવ નિમિતે જાન આગમન, હસ્ત મેળાપ, દિકરી વિદાય સહીતના તમામ પ્રસંગોને મધુરા લગ્નગીતો અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારના સથવારે પુર્ણ કરવામાં આવ્યા હતા.

પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ, પાણી બચાવો, આરોગ્ય, એજ્યુકેશન સહિતના અનેક સફળ અભિયાનો પાછળ લાલજીભાઈ પટેલની પ્રેરણા 

ધર્મનંદન ડાયમંડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ,પાણી બચાવો,સ્વસ્થ સમાજના નિર્માણ માટે આરોગ્ય કેમ્પ,એજ્યુકેશન, બેટીબચાવો સહિત અનેક સફળ અભિયાનો ચલાવવામાં આવ્યા છે. ધર્મનંદન ડાયમંડ દ્વારા થતા સેવાકાર્યોની સુવાસ ગુજરાતના સીમાડા વટાવી છેક રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી છે.આ તમામ સમાજ સેવાના કાર્ય માટે ધર્મનંદન ડાયમંડના વડીલ શ્રીલાલજીભાઈ પટેલની પ્રેરણા રહેલી છે.

આ લગ્નોત્સવના આયોજન પાછળ પણ જેમણે કંપનીમાં કાર્યરત પરિવારના સભ્યો સમાન કર્મચારીઓની ઉન્નતિને ધ્યાનમાં રાખી છે એવા ધર્મનંદન ડાયમંડના હેતાળુ માલિક શ્રી લાલજીભાઈ ટી. પટેલે તમામ મહેમાનશ્રીઓને આવકારતા જણાવ્યું હતું કે સમુહલગ્ન પ્રથાએ સમાજને એક નવી જ દિશા આપી છે. સમાજના દરેક લોકો આ ઉમદા કાર્યમાં જોડાઇ રહ્યા છે. પાછલા અનેક વર્ષોથી અમારો ધર્મનંદન પરિવાર સમુહ લગ્નોત્સવમા દાતા તરીકે સમાજ સેવા આપે જ છે. પરંતુ આ વખતે અમારા ધર્મનંદન પરિવારના રત્નકલાકારોના દિકરા-દિકરીઓના પરણિય પ્રસંગના સાથી અને સાક્ષી બનીએ એવા એક નવા વિચાર બિજ સાથે ધર્મનંદન પરિવાર તરફથી આ સમુહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું છે.

સમુહલગ્નના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવવાનો સંદેશ : હિતેષભાઈ પટેલ

સમુહલગ્ન સમારોહના આયોજનના એક સાથે અનેક સામાજીક સેવાના ઉદ્દેશ્ય અંગે પ્રકાશ પાડતા ધર્મનંદન ડાયમંડના ઉત્સાહી યુવા ડિરેક્ટર્સ હિતેષભાઈ પટેલે જણાવ્યુ હતુ કેઆ સમુહલગ્નના આયોજન પાછળનો હેતુ લગ્ન પ્રસંગે દેખાદેખીમાં થતા બિનજરૂરી ખર્ચ અટાકવવા, વરધોડા પ્રથા બંધ કરી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા, સમય અને નાણાનો બચાવ કરવા સહીત સમાજ પ્રચલિત અનેક સમસ્યાઓ દુર કરવાનો છે. તેમણે ઉમેર્યુ કે આ સમુહલગ્ન રૂપી સેવાયજ્ઞને સફળ બનાવવા ધર્મનંદન ડાયમંડ પરિવારના 500થી પણ અધિક ઉત્સાહી યુવા સભ્યોએ નિષ્ઠાપુર્વક કામગીરી કરી છે. ધર્મનંદન ડાયમંડની ઉત્સાહી ટીમે ભારે જહેમત ઉઠાવી ટીમવર્ક અને એકતાની વિશેષ ક્ષમતા પ્રદર્શિત કરી છે.