વિશ્વની સૌથી મોટી કંપની પાંડોરાના આ નિર્ણયથી ભારતની લેબગ્રોન ઈન્ડસ્ટ્રીઝને મળી શકે છે મોટો ફાયદો

1205

માત્ર લેબગ્રોન હીરા જડીત જ્વેલરીનું જ ઉત્પાદન કરતી ડેનમાર્કની વિખ્યાત અને વિશ્વની સૌથી મોટી જ્વેલરી કંપની પાંડોરાનો મોટા પાયે વિસ્તરવાનો અને જ્વેલરીના વેંચાણમાં ત્રણ ગણી વૃદ્ધિ કરવાનો પ્લાન

DIAMOND TIMES – ડેનમાર્કની વિખ્યાત અને વિશ્વની સૌથી મોટી ઝવેરાત કંપની પાંડોરાએ ગત એપ્રિલ મહીના માં તેની કંપની દ્વારા ઉત્પાદીત જ્વેલરીમાં માત્ર લેબગ્રોન હીરા જ વાપરવાની જાહેરાત કરી એક મોટો આંચકો આપ્યો હતો.પાંડોરાની સ્થાપના વર્ષ 1982માં પેર એનોલ્વોલ્ડસે કરી હતી.પાંડોરા ચાર્મ બ્રેસલેટ, ડિઝાઇનર રિંગ્સ,નેકલેસ સહીત એફોર્ડેબલ જ્વેલરીના ઉત્પાદન અને વેંચાણ માટે ખુબ જ વિખ્યાત છે.થાઇલેન્ડમાં જ્વેલરી ફેકટરી ઉપરાંત વિશ્વ ના 100થી પણ અધિક દેશોમાં પાંડોરા 7,000થી વધુ જ્વેલરી સેલ્સ પોઇન્ટ ધરાવે છે.

ઝવેરાત કંપની પાંડોરાએ હવે અમેરીકામાં જ્વેલરીનુ વેંચાણ વધારી ડબલ કરવા તેમજ ચાઈનામાં ત્રણ ગણું કરવા માટેની ખાસ યોજના બનાવી તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.જે અંતર્ગત પાંડોરાએ થાઇલેન્ડની ફેકટરીમાં વર્તમાન જ્વેલરી ઉત્પાદનને વિસ્તૃત કરવા તેમજ વિયેતનામમાં એક વિશાળ નવી ફેક્ટરીની સ્થાપના કરવાની જાહેરાત કરી છે.આ યોજના માટે પાંડોરા 160 મિલિયન ડોલરનું રોકાણ કરશે.જ્વેલરી ઉત્પાદન વૃદ્ધિના આ અભિયાનથી પ્રતિવર્ષે 80 મિલિયન બ્રેસલેટનું વધુ ઉત્પાદન મેળવવાની પાંડોરાને અપેક્ષા છે.

કોરોના મહામારી વચ્ચે વિશ્વના અનેક દેશોમાં આવેલા તેમના જ્વેલરી સ્ટોર બંધ રાખવાની પાંડોરાને ફરજ પડી હોવા છતા પણ નાણાકીય વર્ષ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં જ્વેલરીનાં વેંચાણમાં વૃદ્ધિ નોંધાવનારી જ્વેલરી કંપની હતી. પાંડોરાના પ્રમુખ અને સીઇઓ એલેક્ઝાન્ડર લેસિકે , જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ એફોર્ડેબલ જ્વેલરી માર્કેટમાં સૌથી મોટી અને સૌથી વધુ વિશ્વસનિય બ્રાન્ડ બનવાનો છે.કંપનીના આ ઉદ્દેશને પૂર્ણ કરવા અમારી પાસે મજબૂત પાયો છે.

હીરા ફક્ત કાયમ માટે જ નહીં,પરંતુ દરેક માટે હોવા જોઇએ :પાન્ડોરાના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્ઝાન્ડર લેસિક

પાન્ડોરાના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્ઝાન્ડર લેસિકે નિવેદન આપ્યુ હતુ કે હીરા ફક્ત કાયમ માટે નહીં, પરંતુ દરેક માટે હોવા જોઇએ.પાંડોરાએ ગત વર્ષે લેબગ્રોન હીરા જડીત પાંચ લાખ જ્વેલરી પીસનું વેંચાણ કર્યુ હતુ. અમારો ઉદ્દેશ્ય પરવડે તેવા ટકાઉ જ્વેલરી ઉત્પાદનો દ્વારા ઝવેરાતના ઉત્પાદન અને બજાર માં પરિવર્તન લાવવાનું છે. લેબ-ઉગાડવામાં આવતા હીરા ની કિંમતો 2018 પછીથી ઘટી જતા કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન હીરા અનેક ગણા સસ્તા છે.ડીબીઅર્સ કંપનીએ લેબગ્રોન હીરાની જવેલરી બ્રાન્ડ લાઈટ બોક્સ લોંચ કર્યા પછી લેબગ્રોન હીરાની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે.જેનાથી લેબગ્રોન હીરા જડીત ઝવેરાત બજારને ગતિ મળી છે.