લેબગ્રોન હીરા વિશ્વમાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે : ધ એમવીઆઈનું સર્વેક્ષણ

32

DIAMOND TIMES – ગ્રાહકો લેબગ્રોન અને કુદરતી હીરા વચ્ચેનો ભેદ સમજવામાં વધુને વધુ જાગૃત થઈ રહ્યા છે. ધ એમવીઆઈ (THE MVEye- માર્કેટ રિચર્સ એન્ડ એનાલિસિસ ફોર લકઝરી બ્રાન્ડ્સ) ના અહેવાલ મુજબ લેબગ્રોન હીરા ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે.અહેવાલ મુજબ રિયલની તુલનાએ લેબગ્રોન હીરાને ખરીદવાની અથવા તો ભેટ આપવાની સંભાવના વધુ છે.ધ એમવીઆઈ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે ફ્રાંસ,ઇટાલી,જર્મની, સ્પેન અને ગ્રેટ બ્રિટનમાં 40 ટકા લોકોએ પોતાના માટે અથવા ભેટ આપવા લેબગ્રોન હીરાની ખરીદી કરી હતી. એમવીઆઈના અહેવાલમાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે મોટાભાગના લોકોની સમજમાં આવી ગયુ છે કે લેબગ્રોન હીરા પર્યાવરણને અનુકૂળ,માઈન્સમાંથી ખોદી કાઢવામાં આવતા પથ્થરો જેવા જ અને કુદરતી હીરાની તુલનાએ લગભગ ત્રીજા ભાગની ઓછી કીંમત ધરાવે છે.

આ સંશોધન માટે ધ એમવીઆઈએ કંપનીએ યુરોપ અને યુએસએના ગ્રાહકોને 1.9 કેરેટના લેબગ્રોન અને 1.4-કેરેટના કુદરતી મળી બે છૂટક ગોળાકાર હીરા ની પસંદગીની ઓફર કરી હતી.જેના પરિણામ સ્વરૂપે 53 ટકા અમેરીકન ગ્રાહકો એ જ્યારે 45 ટકા યુરોપિયન ગ્રાહકોએ લેબગ્રોન હીરા પર પોતાની પસંદગી ઉતારી હતી. ઉલ્લેખનિય છે કે ધ એમવીઆઈ રત્ન,ઘરેણાં અને ઘડિયાળ ઉદ્યોગો માટે બજાર સંશોધન અને વ્યૂહાત્મક સલાહ પ્રદાન કરતી અગ્રણી કંપની છે.આ કંપનીની ડેટાના આધારે જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ તેમની બિઝનેસ વ્યુહ રચના નિર્ધારીત કરતી હોય છે.

આ ઉપરાંત એમવીઆઈ કંપનીએ 3,000 ડોલરની પ્રાઈસ ધરાવતી લેબગ્રોન હીરા જડીત અને 3,900 ડોલરની કીંમતની કુદરતી હીરા જડીત બે સમાન ડાયમંડ રિંગ્સ પણ ગ્રાહકોને ઓફર કરી હતી.જે પૈકી યુરોપના 49 ટકા જ્યારે યુ.એસ.ના 57 ટકા ગ્રાહકોએ લેબગ્રોન હીરા જડીત રીંગ પર પોતાની પસંદગી ઉતારી હતી .આ તમામ આંકડાઓ અને “ઇન્ફ્લેક્શન પોઇન્ટ” લેબગ્રોન હીરા વિશ્વમાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા હોવાના ડાયમંડ ફાઉન્ડ્રી ઇન્કના સીઇઓ અને ફાઉન્ડર માર્ટિન રોશેઇસેનના નિવેદનને સમર્થન આપે છે.

લેબગ્રોનની લોકપ્રિયતાને લણી લેવાની અમેરીકાની અગ્રણી લેબગ્રોન ઉત્પાદક કંપનીની ખાસ યોજના

લેબગ્રોન હીરાના ઉત્પાદન સાથે સંકળાયેલી અમેરીકાની ડાયમંડ ફાઉન્ડ્રી ઇન્કએ ચાલુ વર્ષે લેબગ્રોન હીરાનું પ્રોડક્શન વધારીને પાંચ મિલિયન કેરેટ કરવાની યોજના જાહેર કરી છે.જાણકારોના મત્તે આ એક ખુબ વિશાળ આકડો છે.કારણ કે ગત વર્ષ દરમિયાન ભારત,ચીન સહીત લેબગ્રોન હીરાનું કુલ વૈશ્વિક ઉત્પાદન 7 મિલિયન કેરેટ જેટલું થયુ હતુ.જેમા અમેરીકાનો માત્ર 1 મિલિયન કેરેટ જેટલો મામુલી હિસ્સો હતો.પરંતુ હવે તેમા પાંચ ગણો વધારો કરવાની ડાયમંડ ફાઉન્ડ્રી ઇન્કની યોજના લેબગ્રોન હીરાના વૈશ્વિક કારોબારમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેવુ જાણકારોનું માનવુ છે.

ડાયમંડ માઇનિંગ સ્કેલને આધારે લેબગ્રોન હીરાનું ઉત્પાદન વધારવાની નેમ :ડાયમંડ ફાઉન્ડ્રી ઇન્કના સીઇઓ માર્ટિન રોશેઇસે

ડાયમંડ ફાઉન્ડ્રી ઇન્કના સીઇઓ અને ફાઉન્ડર માર્ટિન રોશેઇસેને મીડીયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની કંપની લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં નાટકીય અને અભૂતપૂર્વ ઉછાળાની આરે છે.માઈન્સમાં કુદરતી  હીરાનું ઉત્પાદન સતત ઘટી રહ્યુ છે.જેને ધ્યાનમાં રાખી ડાયમંડ માઇનિંગ સ્કેલને આધારે લેબગ્રોન હીરાનું ઉત્પાદન વધારવા ની અમારી નેમ છે. રફ ઉત્પાદક કંપની પેટ્રા માત્ર 3.5 મિલિયન કેરેટ જ્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી ડાયમંડ કંપની ડોમિનિયન 6.7 મિલિયન કેરેટ જ રફ ઉત્પાદન કરી શકી છે. ગયા વર્ષે વૈશ્વિક સ્તરે કુદરતી રફ હીરાનું કુલ ઉત્પાદન 111 મિલિયન કેરેટ થયુ હતું. જો કે રફ હીરાના ઉત્પાદનમાં થયેલા જંગી ઘટાડા પાછળ કોરોના મહામારી પણ જવાબદાર હતી. ઉલ્લેખનિય છે કે વર્ષ 2019 દરમિયાન કુદરતી હીરાનું વૈશ્વિક ઉત્પાદન 139 મિલિયન કેરેટ થયુ હતુ.

જો કે જાણકારોનું કહેવું છે કે ડાયમંડ ફાઉન્ડ્રી ઇન્કને લેબગ્રોન હીરાનું ઉત્પાદન ડબલ કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો.હવે ઉત્પાદન વધારી પાંચ ગણું કરવાની તેમની યોજના ગજબની છે. કુદરતી હીરાના વૈશ્વિક કારોબારની સરખામણીએ વર્તમાન સમયમાં લેબગ્રોન હીરાનો કારોબાર લગભગ છ ટકા છે.પરંતુ લેબગ્રોન હીરાની વૈશ્વિક માંગમાં સતત વૃદ્ધિના પગલે તેના ઉત્પાદનમાં પણ વધારો થવાની સંભાવના છે.લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં અગ્રણી ચીન પણ મોટી રમત શરૂ કરવાના મુડમાં છે.ઉપરાંત લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં ચીન પછી બીજુ સ્થાન ધરાવતા ભારત, સિંગાપોર, રશિયા, યુરોપ અને મધ્યપૂર્વના દેશો પણ લેબગ્રોન ઉત્પાદનમાં વધારો કરે તેવી સંભાવનાઓ છે.

રફ કંપની  ડીબિયર્સ પણ લેબગ્રોનનો લાભ ખાટવા મેદાને

અગ્રણી રફ ઉત્પાદક કંપની ડીબિયર્સેએ જ્યારે લેબગ્રોન હીરા જડીત જ્વેલરી બ્રાન્ડ લાઇટ બોક્સનું લોંચીંગ કર્યુ ત્યારે 200,000 કેરેટ લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતી ફેક્ટરીની સ્થાપના પાછળ 94 મિલિયન અમેરીકી ડોલરનું રોકાણ કર્યું હતુ.વર્તમાન સમયમાં લેબગ્રોન હીરાના વૈશ્વિક કારોબારમાં થઈ રહેલી જંગી વૃદ્ધિની તુલના કરતા તે સાવ નજીવી બાબત સાબિત થઈ રહી છે.ઉલ્લેખનિય છે કે વિશ્વની સૌથી મોટી ડાયમંડ રિટેલર કંપની સિગ્નેટ સહીત ટિફની,કાર્ટીયર તેમજ ચીનની જ્વેલરી કંપની ચૌઈ તાઈ ફુકને ડાયમંડ ફાઉન્ડ્રી ઇન્ક કંપની સરેરાશ 282 પ્રતિ કેરેટના ભાવથી લેબગ્રોન હીરાનું વેંચાણ કરે છે.લેબગ્રોન હીરાની આ કીંમત ઘણા કુદરતી હીરાથી પણ વધુ છે.આ આંકડાઓ દર્શાવે છે કે વૈશ્વિક હીરા અને જ્વેલરી કારોબારમાં જંગી પરિવર્તનનું વાવાઝોડૂ ફૂંકાવાની શરૂઆત થઈ ચુકી છે . ઉલ્લેખનિય છે કે તાજેતરમાં લાઈટ બોક્સ દ્વારા અમેરીકામાં લેબગ્રોન હીરાનું ઓનલાઈનવેંચાણ કરવામાં આવી રહ્યુ છે.જેને સારો પ્રતિસાદ મળે રહ્યો છે.

જ્વેલરીમાં માત્ર લેબગ્રોન ઉત્પાદન જ વાપરવાની પાંડોરાની જાહેરાત પછી સિનારીયો ઝડપથી બદલાયો

ડેનમાર્કની વિખ્યાત જ્વેલરી કંપની પાંડોરાએ જ્વેલરીના નિર્માણ માટે માત્ર લેબગ્રોન ઉત્પાદનો જ વાપરવાની જાહેરાત કરી છે. જ્વેલરી ઉત્પાદક અને રિટેલર કંપની પાંડોરાની સ્થાપના વર્ષ 1982માં પેર એનોલ્વોલ્ડસે કરી હતી. આ કંપની ડિઝાઇનર રિંગ્સ, નેકલેસ સહીત કસ્ટમાઇઝ જ્વેલરીના ઉત્પાદન માટે ખુબ જ જાણીતી છે.થાઇલેન્ડમાં જ્વેલરી પ્રોડક્શનની સાઇટ સહીત વિશ્વના 100 થી પણ અધિક દેશોમાં તે 7,000 થી વધુ જ્વેલરી સેલ્સ પોઇન્ટ ધરાવે છે.

આવી વિશાળ અને વિખ્યાત જ્વેલરી કંપનીએ ​​જાહેરાત કરી છે કે તે લેબગ્રોન હીરાની તરફેણમાં ખાણકામ દ્વારા ઉત્પાદીત હીરાનો ઉપયોગ કરવાનું ટાળવા માંગે છે.આ અંગે દિગ્ગજ જ્વેલરી કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમારૂ આ પગલું નૈતિક અને કાર્બન તટસ્થ વ્યાપારિક વ્યૂહ રચનાનો એક ભાગ છે.પાંડોરા આગામી વર્ષથી 100 ટકા નવીનીકરણીય સાથે લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરશે.જેમાથી ઉત્પાદીત કંપનીના નવા બ્રિલિયન્સ જ્વેલરી સંગ્રહમાં સમાવિષ્ટ વીંટીઓ,બંગડીઓ,ગળાનો હાર અને ડાયમંડ રિંગ સહીતની જ્વેલરીનું વિશ્વના 7,000 સેલ્સ પોઇન્ટ પર વેંચાણ કરશે.

સાવધાન : આવી રહ્યો છે લેબગ્રોન હીરાનો બાપ સુપર લેબગ્રોન

સૌ પ્રથમવાર સંશોધનકારો પરીક્ષણ દ્વારા સાબિત કરી શક્યા છે કે કૃત્રિમ રીતે લેબમાં બનાવેલા હેક્સાગોનલ ડાયમંડ કુદરતી રીતે મળતા ક્યુબિક ડાયમંડ કે જે સામાન્ય રીતે જવેલરી બનાવવામાં વપરાય છે તેના કરતા પણ અનેક ગણા વધુ મજબૂત બની શકે છે. ષટ્કોણ આકારના આવા હેક્સાગોનલ ડાયમંડ અમુક સાઈટ પર કુદરતી રીતે મળી આવે છે,અથવા તો લેબમાં બનાવાય છે.પરંતુ તેની સાઈઝ એટલી નાની હોય છે કે તેની મજબૂતીની ચકાસણી કરી શકાતી નથી.
પરંતુ હાલમાં જ વોશિંગટન યુનિવર્સીટીના ઇન્સ્ટિટ્યૂટ ફોર શોક ફિઝિક્સના વૈજ્ઞાનિકોએ એટલા મોટા આકારના હેક્સાગોનલ ડાયમંડને લેબમાં બનાવવામાં સફળતા મેળવી છે કે તેની મજબૂતીનું માપદંડ ધ્વનિ તરંગોના પરીક્ષણ દ્વારા કાઢી શકાયુ હતુ.પરિણામે વોશિંગ્ટન યુનિવર્સીટીના પરીક્ષણથી કૃત્રિમ ડાયમંડની મજબૂતી સાબિત કરી શકાઈ છે.

ઇન્સ્ટિટ્યૂટ ફોર શોક ફિઝિક્સના ડિરેક્ટર યોગેન્દ્ર ગુપ્તા જણાવે છે કે ડાયમંડ ખુબ જ ખાસ પદાર્થ છે.સૌથી વધુ સખત હોવાની સાથે તે ખુબ જ સુંદર દેખાવની ખાસિયત અને ખુબ વધારે થર્મલ કન્ડક્ટિવિટી ધરાવે છે. હવે અમે એવા પ્રકારના હેક્સાગોનલ ડાયમંડ બનાવી શક્યા છીએ કે જે નોંધનીય રીતે કુદરતી ડાયમંડ કરતા પણ વધુ સખત અને મજબૂત છે. લાંબા સમયથી સંશોધનકારો કુદરતી ડાયમંડ કરતા પણ વધુ સખત પદાર્થ બનાવવા માંગતા હતા કે તેનો વિવિધ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થઇ શકે.

ટ્રેવિસ વોલ્ઝ નામના વૈજ્ઞાનિક ગ્રેફાઇટમાંથી હેક્સાગોનલ ડાયમંડ કેવી રીતે બનાવી શકાય એ માટે વોશિંગટન યુનિવર્સીટીમાં સંશોધન કરી રહ્યા હતા. આ સંશોધન માટે વોલ્ઝ અને ગુપ્તાએ ગન પાવડર અને કૅમ્પ્રેસ્ડ ગેસ દ્વારા નાનકડા ગ્રેફાઇટ ડિસ્ક પર 15000 માઈલ પ્રતિ કલાકની ઝડપે દબાણ આપતા ડિસ્કમાં શોક વેવ્ઝ ઉત્પન્ન થઇ અને અતિશય ઝડપથી તે હેક્ઝગોનલ ડાયમંડમાં પરિવર્તિત થઇ ગઈ.આ પરીક્ષણની સાથે જ શોધ કર્તાઓએ તૈયાર થયેલા ડાયમંડની ચકાસણી માટે ધ્વનિ તરંગો અને લેસરનો ઉપયોગ કર્યો. આ તમામ પ્રક્રિયા સેકન્ડના અત્યંત નાના ભાગ એટલે કે નેનો સેકન્ડમાં પુરી થઇ ગઈ. જો કે અતિશય વેગને કારણે પરિક્ષણ દરમિયાન ડાયમંડ તૂટી ગયો હતો,પરંતુ તે પહેલા જ વૈજ્ઞાનિકો ડાયમંડની મજબૂતી માપવામાં સફળ રહ્યા હતા.

કોઈ પણ પદાર્થ જેટલો વધુ સખત એટલો વધુ ટકાઉ હોય છે, જો કે કૃત્રિમ ડાયમંડની મજબૂતી માટે વધુ પરીક્ષણ વૈજ્ઞાનિકો કરી શક્યા નહી. આ વિષય પર જો વધુ રિસર્ચ કરવામાં આવે અને લેબમાં હેક્સાગોનલ ડાયમંડ બનાવીને તેનો ઉપયોગ કરવામાં સફળતા મળે તો અનેક જગ્યાએ તેનો ઉપયોગ થઇ શકે તેમ છે. વોલ્ઝ જણાવે છે કે ઘણા સમયથી કુદરતી કયુબિક ડાયમંડનો ઉપયોગ ડ્રિલિંગ મશીનમાં કરવામાં આવે છે. પરંતુ જો કૃત્રિમ રીતે વધુ મજબૂત હેક્સા ગોનલ  ડાયમંડ બનાવી શકાય તો તેનો ઉપયોગ વિવિધ કેટિંગ,ડ્રિલિંગ મશીનોમાં પણ કરી શકાય તેમ છે.

યોગેન્દ્ર ગુપ્તા વધુમાં જણાવે છે કે હેક્સા ગોનલ ડાયમંડના ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ તો છે જ, સાથે ભવિષ્યમાં કદાચ આભૂષણ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય તો નવાઈ નથી. અત્યારે તો લેબમાં તૈયાર થયેલા ક્યુબિક ડાયમંડની કિંમત કુદરતી ડાયમંડ કરતા ઘણી ઓછી છે.પરંતુ ભવિષ્યમાં જો હેક્સાગોનલ ડાયમંડ બનાવવામાં અને પોલિશ્ડ કરવામાં સફળતા મળે તો તેની ડિમાન્ડ ક્યુબિક ડાયમંડ કરતા પણ વધુ થઇ શકે તેમ છે.

કુદરતના ખજાને સતત પડતી જતી ખોટથી કુદરતી હીરા અમુલ્ય અને દુર્લભ બનશે

અર્થશાસ્ત્રના નિયમ મુજબ જે ચીજની માંગ વધુ હોય તેની કીંમત સતત વધતી હોય છે. આગાહી મુજબ આગામી વર્ષ 2035 સુધીમાં રફ હીરાનું વૈશ્વિક ઉત્પાદન ઘટીને લગભગ અડધું થઈ જવાની ધારણા છે.આગામી ગણતરીના મહીનાઓમાં જ રફ હીરા ઉત્પાદનકર્તા અગ્રણી દેશોની યાદીમાંથી ઓસ્ટ્રેલિયા અને કોંગોની બાદબાકી થઈ જવાની છે.

એક અંદાજ મુજબ હાલમાં ધરતીમાં 4.4 અબજ કેરેટ જેટલાં હીરાના સંસાધનો ઉપલબ્ધ છે.અત્યારે રશિયા,કોંગો, બોટ્સવાના, ઓસ્ટ્રેલિયા,કેનેડા,અંગોલા,દક્ષિણ આફ્રિકા,ઝિમ્બાબ્વે અને નામિબિયા મળી કુલ નવ દેશો લગભગ 99 ટકા રફ હીરાનું કુલ ઉત્પાદન કરે છે.એમા પણ કુલ ઉત્પાદન પૈકી 90 ટકાથી વધુ રફ હીરાનું ઉત્પાદન એકલા રશિયામાં થાય છે.

બોટ્સવાનાની ઓરાપા અને જ્વાનેન્ગ ખાણ બોટ્સવાનાના કુલ રફ ઉત્પાદનના 95 ટકા હીરા પુરાં પાડે છે.આગામી એક દશકા પછી આ ખાણો માટે રફ હીરા દુર્લભ બની જવાની ધારણા છે. કારણ કે સક્રિય ભૂસ્તરીય ખોદકામ સંશોધન કામગીરી છતાં બોટ્સવાનામાં કોઈ નવી ખાણ હાથ લાગી નથી.

ઓસ્ટ્રેલિયન ડાયમંડ્સ દિગ્ગજ ખાણ કંપની રિઓ ટિન્ટો સંચાલિત આર્ગાઈલ ખાણમાં હીરાનો જથ્થો ખલ્લાસ થવાના આરે છે. ઓસ્ટ્રેલિયામાં અન્ય કોઈ નિર્ણાયક ડાયમંડ પ્રોજેક્ટ્સ ન હોવાથી ઓસ્ટ્રેલિયા પ્રમુખ હીરા ઉત્પાદકોની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયુ છે. કેનેડાના હીરા ખાણ ઉદ્યોગની વાત કરીએ એકાતી અને ડાયવીક ખાણ દેશના 60 ટકા હીરાનું ઉત્પાદન કરે છે. ડાયવીકનું આયુષ્ય વર્ષ- 2025માં સમાપ્ત થઈ જશે. જ્યારે એકાતી ખાણની અવધિ વર્ષ-2035 સુધીની નિર્ધારીત કરવામાં આવી છે.

ડી બિયર્સ અને કેનેડાની માઉન્ટેન પ્રોવિન્સની ભાગીદારી ધરાવતી ગહ્યો કુઈ ખાણનો ખજાનો વર્ષ-2030 સુધીમાં ખલ્લાસ થઈ જશે.આ ઉપરાંત કેનેડામાં સક્રિય ભૂસ્તરીય ઉત્ખનન કામગીરી છતાં વર્ષ-2030 સુધીમાં રફના ઉત્પાદન માં ઘટાડાની પ્રબળ સંભાવના છે.

અંગોલામાં હીરાના પ્રમુખ સ્રોત કટોકા ખાણનો ખજાનો પણ વર્ષ-2025 સુધીમાં ખાલી થવાની વકી છે.ઝિમ્બાબ્વેનાં મરાંગેના વિશાળ પ્રદેશમાં હીરાના ગુપ્ત ભંડારો હોવાની સંભાવનાઓ વચ્ચે ચીન સહીત વિશ્વની અનેક કંપનીઓ હીરાના ખોદકામમાં રસ દાખવ્યો હતો.પરંતુ વિશ્લેષકોના અનુમાનોથી વિપરિત હીરા ઉત્પાદનમાં અચાનક ઓટ આવતા મોટાભાગની વિદેશી કંપનીઓ ખાણો પરનો હક-દાવો જતો કરી પોબારા ભણી ગઈ છે.

નામિબિયાની એક માત્ર સમુદ્ર તટવર્ધીય હીરાનો ઓરેંજ રિવર અને એટલાન્ટિક કાંઠા વિસ્તારમાંથી પ્રતિ વર્ષ પમાણમાં ખૂબ ઓછું એટલે કે 15 થી 20 લાખ કેરેટ રફ હીરાનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ દેશમાં 100 મિલિયનથી વધુ કેરેટ હીરા સંસાધનોનો મોટો જથ્થો હોવાનું અનુમાન છે. પરંતુ હીરા શોધવાની કામગીરી માત્ર જટિલ નહીં,ભારે ખર્ચાળ હોઈ ઘાટ કરતાં ઘડામણી મોંઘુ જેવી સ્થિતિ સર્જાતા રોકાણકારો દુર્લક્ષતા સેવી રહ્યા છે.

ટૂંકમાં આગામી વર્ષ-2035 સુધીમાં વૈશ્વિક રફ હીરાનું ઉત્પાદન ઘટીને અડધુ થઈ જશે.કુદરતના ખજાને સતત પડતી જતી ખોટથી રિયલ ઈઝ રેરના સિધ્ધાંત મુજવ હીરા અત્યંત મુલ્યવાન બનશે એમા કોઇ શંકા નથી.