વિશ્વના ખ્યાતનામ ફેશન ડિઝાઈનરો કુંદનનો ઉપયોગ કરે છે.વ્યક્તિની ભાવનાઓ,મનોવૃત્તિઓને પોશાક સાથે સમરસ થવાનો ગુણ કુદરતે કુંદનને જ આપ્યો છે.કુંદનના આભૂષણો માટે કોઈ વયમર્યાદા નથી બોલિવુડની રૂપસુંદરીઓથી લઈને શ્રીમંત પરિવારની મહીલાઓ સુધી કોઇ પણ તેને પહેરી શકે છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં ઐશ્વર્યા રાયે ધારણ કરેલા કુંદનના દાગીનાઓએ ભારે ચર્ચા જગાવી હતી.
કુંદન એ સુંદરતાનું પ્રતીક છે.પ્રાચીન સમયથી જાણીતા આ કિંમતી રત્નની આસપાસ અનેક લોકકથાઓ રચાઈ છે. આ કથાઓમાં કુંદને પોતાનું સ્થાન મોખરે રાખ્યું છે. આ સુંદરતામાં અદ્ભૂત એવા આભૂષણો બનાવવા ઉપયોગમાં લેવાતાં કુંદન વિશે જાણવા જેવું છે. કુંદનના દાગીનાનું નામ સાંભળતા જ રાજસ્થાનની ધરતીની યાદ આવી જાય છે. કુંદનનો ઇતિહાસ રાજસ્થાનમાં ધરબાયેલો છે. કુંદનના દાગીનાની પ્રથા રાજા-મહારાજાના સમયથી ચાલી આવી છે. નકશીકામથી લઈને કુંદનસાજ સુધીની લાંબી યાત્રા પાછળ કારીગરોની મહેનત, કુશળતા અને લગન છુપાયેલી છે.
ખૂબજ મોહિત, આકર્ષક, ચમકદાર, તેજસ્વી અને રંગીન કુંદનને જોતાં જ આપણું મન મોહી લે છે.વર્તમાન સમયમા મોટે ભાગે સ્ત્રીઓમા કુંદનના દાગીના પહેરવાનો શોખ વધુ જોવા મળે છે. પાર્ટીમાં લગ્ન જેવા પ્રસંગોમાં સાડી કે ડ્રેસ સાથે કુંદનનો હાર કે નાજુક ઝુમ્મર જેવા લટકણિયા પહેરેલાં હોય તો નારીના સૌંદર્યમાં ચાર ચાંદ લાગી જાય છે. બધાની નજર તમારા દાગીના પર જ મંડાયેલી જોવા મળે છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં ઐશ્વર્યા રાયે પહેરેલાં કુંદનના દાગીનાએ સ્ત્રીઓમાં ઘેલછા લગાડી દીધી છે.ઘરેણાં ઝવેરાતની બનાવટમાં કુંદનને માનભર્યું સ્થાન પ્રાપ્ત થયેલું હોઈ તેની દુર્લભતાને કારણે કિંમતમાં સોનાની બરોબરી કરી રહ્યું છે.તેની આકર્ષકતા યુવતીઓને ઘેલી કરે છે. કુંદનના વિવિધ મીનાકારી રંગો ભરેલા દાગીના મોહકરૃપ ધરાવે છે, પરંતુ આવાં કુંદનના દાગીનાને બનાવવા માટે કારીગરોને કેટલી જહેમત ઉઠાવવી પડતી હશે તેનો મોટાભાગે કોઇને ખ્યાલ આવતો નથી કારણ કે કુંદનાના દાગીના બનાવવામા ખુબ જ જહેમત ઉઠાવવી પડે છે.મોટાભાગના લોકો કુંદનને એક ઐતિહાસિક ચીજ માને છે.પરંતુ કારીગરની નજરે તો કુંદનના દાગીના મહેનત અને પ્રેમનું ફળ છે. હકીકતમાં, ભારતીય પ્રથાથી કુંદનના નંગને બેસાડવાની કારીગરી એ એક કળા છે. પહેલાના જમાનામાં મહારાજા પોતાના મુગટમાં કુંદનના નંગને બેસાડતા જેનું મહત્ત્વ નંગ પરથી આંકવામાં આવતું હતું. આ નંગ પર તેઓ પોતાના બાપદાદાથી માંડીને કુળના પુત્ર સુધી નામ લખાવતા હતા. કુંદનના આવા નંગનું વજન આશરે ૩૦ કેરેટ જેટલું રહેતુ હતુ.
કુંદનના નંગને જે પોલાણની અંદર બેસાડવામાં આવે છે તેને ‘ખોલ’ કહેવાય છે. ૨૨ કેરેટના સોકેટના પોલાણમાં આ નંગ બેસી શકે છે. આ નંગને કોઈ પણ ઘસારાથી કે ઓક્સિજનથી બચાવવા લાખની લાદી પર બેસાડવામાં આવે છે અને છેલ્લે તેને ૨૪ કેરેટ સોનાથી કવર કરવામાં આવે છે. તેથી તેના નકશીકામમાં ચમક આવે છે – તે પછી છેલ્લે તેની પુરાઈ કરવામાં આવે છે. દરેકે દરેક પીસને કારીગરીથી મોતીની અંદર પૂરવામાં આવે છે. કુંદનના દાગીનાની પાછળના ભાગમાં મીનાકારી કરવામાં આવે છે. જેથી તેના દેખાવમાં ચાર ચાંદ લાગી જાય છે. પહેલાના જમાનામાં કારીગરો સસ્તા હતા. હાલમાં કારીગરો મોેંઘા છે, પરંતુ કામમાં તો પહેલાના જેવી જ ચીવટતા છે. કુંદનના દાગીના મોંઘા ભાવમાં અને સસ્તા ભાવમાં પણ મળે છે, પરંતુ દાગીનાની કિંમત ઘટાડવા માટે તેમાં કુંદન પોખરાજ અથવા કાચના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે. મોતી સાથેના કુંદનના દાગીનાની સુંદરતાને જીવંત રાખવા બેલા રસ્તુગી નામની સ્ત્રીનો મોટો ફાળો રહ્યો છે. આ કળાના પ્રેમને જાગૃત રાખવો તે જ તેમનો ધ્યેય છે અને તેમનુ માનવું છે દરેકના ઝવેરાતના કલેક્શનમાં એક કુંદનનો સેટ તો હોવો જ જોઈએ.
કુંદન ક્યારેય ફેશનની બહાર જશે નહીં કારણ કે તે કુદરતી રીતે પાશ્ચાત્ય અને પરંપરાગતનું મિશ્રણ છે. કુંદનનું મહત્ત્વ ફેન્સી છે.મહારાજાઓ અને તેમાય ખાસ કરીને પતિયાલાના મહારાજાએ કુંદનને વિશ્વવિખ્યાત નામ અપાવ્યું છે. યુરોપિયન મહારાજા જેવા કે વેન ક્લીફ અને આરપેલ્સ, ટીફની અને કાર્ટીયરે તો કુંદનને પોતાની બધી વસ્તુઓમાં મોખરે સ્થાન આપ્યું છે. પોતાનાં વસ્ત્રોની ડિઝાઈનમાં પણ તેનો ઉપયોગ કર્યો છે. યુરોપિયનો આને લાખો રૃપિયામાં ખરીદે છે.બેલાનું માનવું છે કે, આવી એન્ટિક વસ્તુ શોધવી મુશ્કેલ છે.જેની પાસે એ છે એવા લોકો પોતાની જાતને ભાગ્યશાળી માને છે. બર્નીશનો દેખાવ હમેશાં સ્ટાઈલીશ હોય છે. મોટાભાગના લોકો તેનું મૂલ્ય આંકતા નથી. ખાસ કરીને પંજાબીઓ કુંદનને સોનામાં પસંદ કરે છે. તેઓને ચળકતા દાગીનાનો શોખ હોય છે પરંતુ જે લોકો વધુ રંગીન મિજાજી હોય તેઓ કુંદનના થોડા ડલ દેખાવને પસંદ કરે છે.
આજકાલ નવોઢાઓ પણ લગ્નના રિસેપ્શનમાં શરારા કે ચણિયાચોળી સાથે એવાં જ નંગના કુંદનના આભૂષણો વધુ પસંદ કરે છે. ઉપરાંત લગ્નમાં ”હાથફૂલ” અથવા ”પાંચે આંગળા” જેને પહોંચા કહેવાય છે, જે આંગળીઓની વીંટીથી હાથની પાછળની બાજુ સુધી સંકળાયેલું હોય તેવું ઘરેણું પણ કુંદનના નંગમાં જ પસંદ કરે છે. નવોઢાનાં આભૂષણોને જોતાં જ આંખો ચાર થઈ જાય છે. દેખાવમાં પણ ચાર ચાંદ લાગી શકે છે. પર્લપિન્સ, કંગન અને વિવિધ પ્રકારના નેકલેસમાં મોતી અને કુંદનનો સહારો લે છે. કેમ કે કુંદન કોઈપણ ફેશનમાં રંગત વધારે છે. કુંદનનાં આભૂષણો પહેરનાર વ્યક્તિ પર સામેની વ્યક્તિની નજર સ્થિર થઈ જાય છે.
વિશ્વના ખ્યાતનામ ફેશન ડિઝાઈનરો કુંદનનો ઉપયોગ કરે છે. તે વ્યક્તિની મનોવૃત્તિનું પણ વર્ણન કરી શકાય છે. સામાન્ય વ્યક્તિને તે અસામાન્ય બનાવે છે.કોઈપણ વ્યક્તિની ભાવનાઓ, મનોવૃત્તિઓને પોશાક સાથે સમરસ થવાનો ગુણ કુદરતે કુંદનને જ આપ્યો છે. કુંદનના આભૂષણો માટે કોઈ વયમર્યાદા નથી બોલિવુડની રૂપસુંદરીઓથી લઈને શ્રીમંત પરિવારની મહીલાઓ સુધી કોઇ પણ તેને પહેરી શકે છે.