ધન્ય છે એમનું જીવન કે જેમણે પોતાના શરીર, બિઝનેસ, પરિવારને ગૌણ સમજી શ્રમદાનને મહત્વ આપ્યુ.
DIAMOND TIMES : સુખી અને સં૫ન્ન સમાજનું નિર્માણ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે માનવીઓ વ્યક્તિવાદી વિચારધારા ત્યજીને રાષ્ટ્રવાદી બને. તેમાં જ દેશ અને સમાજનું કલ્યાણ છે. પારિવારીક લાગણી, મદદ, પ્રેમ ભાવના, ઉદારતા, સેવા અને સંગઠનની ભાવનાઓથી જ દેશનો વિકાસ અને સમૃદ્ધિ સંભવ છે.
દેશમાં વ્યક્તિની સૌથી મોટી જવાબદારી સમાજ કલ્યાણ અને ૫રમાર્થની છે. આવી જ જવાબદારી વહન કરતા સુરતના ઉદ્યોગપતિ કેશુભાઇ ગોટી કોઇપણ પ્રકારના માન – પાન કે નામની અપેક્ષા વગર નિસ્વાર્થે ભાવે વિનોબા ભાવેજીના સર્વોદયી વિચારોથી પ્રેરિત થઈને રાજ્ય અને દેશભરના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં બાળકો શિક્ષણથી વંચિત ના રહે એ હેતુથી સરસ્વતી ભવનો ઉભા કરી રહ્યા છે.
આ ભવનના નિર્માણમાં 50% આર્થિક યોગદાન કેશુભાઈનું હોય છે. આમ છતા તેઓ એક પણ ભવનમાં પોતાના નામની તકતી લગાવતા નથી. પરંતુ 50% આર્થિક યોગદાન આપનાર બીજા સહયોગી દાતાનું નામ આપે છે. દેશમાં આવા કુલ 309 શિક્ષણ ભવનોનું નિર્માણ કરવું એ એમની નેમ છે. જે પૈકી 160 ભવનોનું લોકાર્પણ થઈ ચુક્યુ છે.
સરસ્વતીધામના નિર્માણ દ્વારા રાષ્ટ્ર અને સંસ્કૃતિના નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે. કેશુભાઈ ગોટીએ રાષ્ટ્રને ગૌરવ અપાવવા શરૂ કરેલા આ અભિયાનને સફ્ળ બનાવવા તેમની પાસે એક કર્મનિષ્ઠ યુવાઓની મોટી ટીમ છે. સરસ્વતી ધામના નિર્માણની વ્યવસ્થા કર્મયોગી પરિવારના મજબુત ખંભા પર છે. ત્યારે આ કર્મયોગી પરિવાર કેવી રીતે આ જવાબદારી નિષ્ઠા પુર્વક વહન કરે છે. તે અંગે કેશુભાઇ ગોટી સાથે કરેલી વાતચીતના મુખ્ય અંશો અહી પ્રસ્તુત છે.
1 – કર્મયોગી પરિવારનું નિર્માણ કરી તેને આ અભિયાનમાં સામેલ કરવાનો વિચાર કઈ રીતે ઉદ્દભવ્યો?
જયારે પહેલું ભવન 2015 માં શરૂ કર્યું ત્યારે અમે એસ્ટીમેટ માટે કોન્ટ્રાક્ટરરોને બોલાવ્યા હતા. કોન્ટ્રાકટરે બજારથી ખુબ ઉંચા ભાવ આપતા વિચાર આવ્યો કે આ સોશિયલ કામ આપણે નફા વગર થાય તેવું આયોજન કરવું જોઇએ. જેથી અનુભવ ધરાવતા કેટલાક કર્મયોગી પરિવારોને ઘરે ભોજન માટે આમંત્રીત કર્યા. તેમની સામે મે આદિવાસી – અભાવગ્રસ્ત વિસ્તારમાં સરસ્વતીધામ નિર્માણ કરવાના મારા વિચારો રજુ કર્યા. હુ તે લોકોને સમજાવવામાં સફળ રહ્યો કે આમાં પ્રોફિટ વગર માલની ખરીદી કરવી જોઇએ. આમાં સિમેન્ટ, લોખંડ, ઈંટ, રેતી, કપચી, લોખંડ, લાકડું કે ઈમારત બનાવવામાં વપરાતી દરેક વસ્તુની જ્યાથી ખરીદી કરવાની હોય તે વેપારીને સમજાવો કે આ વસ્તુ રાષ્ટ્રને મજબૂત બનાવવા ગરીબ બાળકોના શિક્ષણમાં વપરાવાની છે.
કર્મયોગી મિત્રો વાતને સમજ્યા અને કામની શરૂઆત કરી. આ રીતે વ્યાપારીને પ્રોફિટ ભૂલીને પડતર ભાવે માલ આપવાના પ્રયત્નો ફળ્યા. એટલે હાલ 90 લાખથી 1 કરોડ સુધીમાં તૈયાર થતું ભવન એ જ ક્વોલીટી, એ જ ફિનિશીંગ સાથે કર્મયોગીઓની મહેનતના પ્રતાપે 60 થી 70 લાખમાં તૈયાર કરીને સંસ્થાને સોંપી શકાય છે. માતૃશ્રી કાશીબા ચેરીટેબલ ટ્રસ્ટમાં 30 થી 35 કર્મયોગી પરિવારોની 6 ટીમ કાર્યરત છે. જે પૈકી 2 થી 3 ટીમ ગુજરાત બહારના રાજ્યોની છે. જે નિઃસ્વાર્થભાવે સેવા આપી રહ્યા છે. આ લોકો અબજોપતિ નથી, પણ આ લોકોના દિલ ખરબોપતિ જેવા છે. આ લોકો જીવનની મહત્વતા સમજ્યા છે. તેથી રાત-દિવસ મહેનત કરીને અંતરિયાળ વિસ્તારમાં ભવનો ઉભા કરવાનું કામ કરી રહ્યાં છે.
2 – કર્મયોગી ટીમ કઈ રીતે કાર્ય કરે છે ?
જ્યારે સરસ્વતી ભવનના નિર્માણ માતે કોઇ સંસ્થાની અરજી આવે ત્યારે તે અરજી તે ઝોનની કર્મયોગી ટીમને મોકલી આપીએ છીએ. આપણે 6 ઝોન ની 6 ટીમ બનાવેલ છે. તે લોકો તે સંસ્થાની આર્થિક સ્થિતિ વિશે, વિદ્યાર્થીઓ વિશે તેમને અપાતી સગવડ વિશે તેમની અગવડતા વિશે અભ્યાસ કરે છે. આ અભિયાન ફક્ત અભાવ ગ્રસ્ત અને ગરીબ સંસ્થાઓ માટે જ કામ કરે છે. વર્ષ દરમિયાન 3 થી 4 વાર અમારા કર્મયોગી મિત્રોની ભોજન સાથેની મિટીંગ થાય છે. અરજીઓની ચર્ચા પછી ભવનનું સ્થળ નિર્ધારીત થાય છે.
જે અરજીઓ પાસ થાય તેમાં અમારા 241 સહયોગી દાતા જોડાયેલા છે. 68 દાતા હજી જોડાવાના બાકી છે. ત્યારે ક્યા દાતાને ક્યા ભવનમાં જોડવા તે બધું ચર્ચા કરીને નક્કી કરીયે છીએ. તેમાં ખાતમુહૂર્તથી લઈને લોકાર્પણ સુધીની સંપૂર્ણ જવાબદારી કર્મયોગીને શિરે હોય છે. મટિરિયલ કર્મયોગીએ જ ખરીદવાનું, બાંધકામની દેખરેખ પણ તેમણે જ રાખવાની. એ પછી એણે કેટલી વિઝીટ કરવી, ઓછી વિઝીટ થઈ હોય તો ફોટા દ્વારા માહિતી મેળવવાની હોય છે.
આ ઉપરાંત ફિનિશીંગ, ક્વોલિટી, પાણી છાંટવું વગેરે જેવા કામ પર દેખરેખ એમણે જ રાખવાની હોય છે. એટલે જ હું કહું છું કર્મયોગી આ અભિયાનનું મૂળ છે એ હાથ પગ નહિ પણ આ અભિયાનનું હદય છે. 60 થી 70 લાખમાં જે ભવન તૈયાર થાય છે. તેમાં જો યશ આપવાનો થાય તો હું 100% માંથી 35% કર્મયોગી પરિવારને, 32.50% સહયોગી દાતાને અને 32.50% માતૃશ્રી કાશીબા ચેરીટેબલ ટ્રસ્ટને ફાળવીશ. કારણ કે કર્મયોગી પરિવાર નામની અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવે કામ કરે છે.
કર્મયોગી પરિવાર મેનેજમેન્ટથી કાર્ય કરે છે. ગુજરાતમાં સુરતથી 700 કિલોમીટર દૂરના વિસ્તારોમાં ભવન નિર્માણ થયા છે અને હજુ થાય છે. બહારના રાજ્યોમાં ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ વિગેરેનો સમાવેશ થાય છે. મારા હિસાબે ગુજરાત સિવાય અત્યારે 14 રાજ્યોમાં કામ શરૂ છે, જ્યારે આગામી સમયમાં હજુ ત્રણ નવા કામ શરૂ થવાના છે. એટલે હાલ દેશના ટોટલ 17 રાજ્યોમાં કામ થાય છે અને થયા છે. જેના માટે 3 ટીમ નિમેલ છે. જેમાંથી ત્યાં કોઈ 10 દિવસે આવે છે. કોઈ 8 દિવસે આવે છે, તો કોઈ 20 દિવસે આવે છે. આ રીતે એ લોકો સમજણથી કામ કરે છે. હું ખાસ સહયોગી દાતા અને માનવ સમાજને પણ જણાવવા માંગુ છે કે આ અભિયાનમાં કોઈ સંસ્થાને આર્થિક રકમ નથી અપાતી, પરંતુ ભવન નિર્માણ કરાવી આપીએ છીએ.
3 – કર્મયોગી પરિવારને આ અભિયાનનું દીલ કેમ કહો છો?
જેનો તાજો દાખલો કહું તો હમણાં 6 એપ્રિલ 2023માં ઝારખંડમાં ત્રણ ખાતમુહૂર્ત કર્યા. સ્થાનિક કોન્ટ્રાક્ટરોએ સવા કરોડનો અંદાજ આપ્યો. પરંતુ ભવન નિર્માણની કામગીરીની જવાબદારી કર્મયોગી પરિવારને સોંપતા તેની લાગત 60 લાખ થશે. જેથી કહી શકાય કે 1 રૂના દાનની સામે કર્મયોગી પરિવાર 2 રૂ.નું કામ આપે છે.
આ ભવનમાં રહીને અભ્યાસ કરતા આદિવાસી બાળકોને પોષ્ટીક ભોજન અને ઉત્તમ શિક્ષણ દ્વારા તેમના વિચારોમાં પરિવર્તન લાવી શક્યા છીએ. ભવનના લોકાર્પણમાં હજારો સ્થાનિક લોકોને આમંત્રીત કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય આ અભિયાનથી તેઓને અવગત કરાવી તેમની અંદર પણ રાષ્ટ્રભાવના, નીતિમત્તા, પરિવાર પ્રેમ તેમજ સ્વાવલંબી થવાના વિચારો રોપવાનો છે. આ અભિયાનની મોટી વિશેષતા છે. જેના પાયામાં કર્મયોગી પરિવારનું યોગદાન છે. જેથી કર્મયોગી પરિવારને જેટલા પણ ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.
4 – કર્મયોગી પરિવાર હજુ પણ વધુ સારી રીતે કાર્ય કરી શકે તે માટે કોઇ આયોજન ?
આજ સુધી આશ્રમશાળાનું કોઈ સાહિત્ય નથી. અમે કોઈ જાહેરાતમાં પડ્યા પણ નથી. આગળની ખબર નથી પણ અત્યારે આ પરિસ્થિતિ છે. જેથી ભવનના નિર્માણ માટે વપરાતા મટીરીયલ્સના વિક્રેતાઓને શુન્ય નફે અને નિસ્વાર્થ ભાવે માલ વેંચવા રાજી કરવામાં કર્મયોગી ભાઈઓને જરા પણ તકલીફ પડતી નથી. કારણ કે કર્મયોગી ભાઈઓ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. તેઓ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા બદલ ખુશ છે. તેઓ આધ્યાત્મિક અને પોઝીટીવ વિચારધારા વાળા સજ્જન લોકો છે.
5 – ગુજરાત સિવાય અન્ય રાજ્યોના શાળા સંચાલકો સાથે કેવા અનુભવો રહ્યાં ?
શાળા સંચાલકો સાથે ક્યારેક નેગેટીવ અનુભવો પણ થાય છે. આમ છતા અમો ક્યારેય નેગેટિવ થયા નથી. હુ અને કર્મયોગી પરિવાર સારી રીતે સમજી ચુક્યાં છીએ કે આપણે બ્રહ્મલોકમાં નહિ, પરંતુ મૃત્યુ લોકમાં કામ કરી રહ્યાં છીએ. એટલે ઈર્ષ્યા, રાગ, દ્વેષ આ બધું દરેકમાં રહેલું છે. તે તેમામ નકારાત્મક પરિબળો સામે આંખ આડા કાન કરીને કડવા અનુભવો ભૂલી જઈએ છીએ. કેમકે અમે જે કામ કરીએ છીએ તે સમજણથી કરવા નીકળ્યા છીએ. નેગેટીવ પકડીને બેસી રહો તો કામ થાય જ નહિ. એટલે અમો અમારા મન પર નેગેટિવ વાતની અસર થવા દેતા નથી.
6 – કર્મયોગી સભ્યની પસંદગીનો માપદંડ શુ હોય છે ?
કર્મયોગી સભ્ય નિરભિમાની તેમજ નિસ્વાર્થભાવે રાષ્ટ્રની સેવા કરવાની પ્રબળ ઈચ્છા ધરાવતો ઉત્સાહી હોવો જોઇએ. ગરીબો – નિરાધાર લોકોમા તેને ઈશ્વરના દર્શન થવા જોઈએ. જે રાષ્ટ્રની પ્રગતિમાં પોતાની પ્રગતિ નથી જોતો તે કર્મયોગી બની શકતો નથી. આ એક અમૂલ્ય સેવા છે તેની સમજણ હોવી જોઈએ.
7 – કર્મયોગીએ સમયની સાથે ધનનું પણ દાન આપવાનું હોય છે ?
કર્મયોગી સભ્ય એ સમયનું યોગદાન આપવાનું હોય છે. પૈસાનું યોગદાન આપવાનું હોતું નથી. અને એની ટીમમાં જે બે – ચાર સભ્યો હોય તેમની સાથે હળી-મળીને કામ કરવાનું હોય છે. જો વ્યક્તિ એમ સમજીને કામ કરે કે આ કામનો એમના કુળદેવી કે ગુરૂનો આદેશ હતો તો આ સેવા એના માટે અમૂલ્ય તક છે. હાલ કહું તો અમારે ગુજરાતની અંદર નહિ પણ બહારના રાજ્યમાં કર્મયોગીની જરૂર છે.
8 – કર્મયોગી પરિવાર અને હીરા ઉદ્યોગ વચ્ચે કોઈ સમન્વય ખરો?
કર્મયોગી પરિવારમાં 85 ટકા સભ્યો હીરા ઉદ્યોગ સાથે જ સંકળાયેલા છે. જો કે તે બધા નિવૃત છે અને તેમની ઉંમર 60 વર્ષ ઉપરની છે.
9 – કર્મયોગી પરિવારનું દર વર્ષે વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કઈ રીતે અને કોના દ્વારા થાય છે ?
મારા એક મિત્ર પ્રદીપભાઈ સિંધી જાણીતા એકાઉટન્ટ છે. તે આ અભિયાનથી ખૂબ જ પ્રભાવિત થયા છે. એટલે તે કર્મયોગી અને સહયોગી દાતાઓને પ્રોત્સાહિત કરવા દર વર્ષે નવરાત્રિના આગલા શનિવારે અવધ ઊટોપિયા કલબ ખાતે સ્નેહ-મિલન ગોઠવે છે. એમાં તેમનો એટલો જ હેતું છે કે લોકો કર્મયોગીની સેવાથી માહિતગાર થાય.
બીજુ કે આ અભિયાનમાં દાન આપનાર દાતાશ્રીઓને સ્નેહ મિલનમાં બિરદાવવામાં આવે છે. વળી આ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું અભિયાન છે તેવી વાત જનતા સુધી પહોંચાડવા માટે આ સ્નેહમિલન થાય છે.
પ્રદીપભાઈ સિંધી સ્નેહમિલનનને સ્પોન્સર કરે છે. એ પોતે VVIP છે એટલે એ આ સ્નેહમિલન પણ VVIP કરે છે. મને કહેતા ગર્વ થાય છે કે ગુજરાતની પ્રજામાં તેમજ જે 241 દાતાઓ મળ્યા તે દાતાઓના હદયમાં સ્થાન મેળવવામાં આ સ્નેહમિલન પૂરક બન્યું છે. કર્મયોગીના પરિવાર પણ એ સ્નેહમિલનના માધ્યમથી જાણે છે કે એમના પરિવારના સભ્ય કર્મયોગીની સેવામાં જોડાઈને કેટલું મહત્વનું કામ કરે છે. હિન્દુ ધર્મમાં ગણો કે સંસ્કૃતિમાં ગણો એમાં જે લખ્યું છે એ સેવાનું કામ આ છે. એનાથી અમને એટલો સહયોગ મળ્યો કે કર્મયોગી પરિવારનો કોઈપણ સભ્ય તેમને આ કામ કરતા રોકતો નથી. ઉપરથી તેમને આ કામમાં હૂંફ આપીને સહયોગ કરે છે. એ આ સ્નેહમિલનની ફળશ્રુતિ છે.
ડાયમંડ ટાઈમ્સનાં વાંચકોને આપનો કોઈ વિશેષ સંદેશ
ડાયમંડ ટાઈમ્સના દરેક વાંચકો ખૂબ ઉંચી સમજણ અને ઉંચી સૂઝ ધરાવે છે. તોય એટલું કહીશ કે ઈશ્વરે અને પ્રકૃતિએ આપણને જે આપ્યું છે તે પુરેપુરૂ આપણું હોતું નથી. તેથી આપણે બીજાની ભલાઈ માટે કઈ નું કઈ કરવું જ જોઈએ. એમાં જે આનંદ છે એ આનંદ માણ્યા પછી જ એ આનંદની કિંમત સમજાય છે. આપણી સંસ્કૃતિ કહે છે કે એ પ્રકૃતિ તરફથી મળેલું પ્રકૃતિના જ ઉત્થાન માટે વાપરવું જ જોઈએ.