ગરીબો માટે 151 શાળાઓ શરૂ કરવાનો શુભ સંકલ્પ કરનાર આધુનિક યુગનાં કેશવ : શ્રી કેશુભાઈ ગોટી

1416
સુરત સ્થિત હીરાની અગ્રણી કંપની ગ્લોસ્ટારના માલિક કેશુભાઈ ગોટીએ 50 ટકા આર્થિક યોગદાન આપી આદિવાસી બાળકોને ભણાવવા 151 આશ્રમશાળા બનાવવાનો નિર્ધાર કર્યો છે.વળી સરાહનિય બાબત એ છે કે એક પણ શાળા, છાત્રાલયો કે આશ્રમ શાળામા તેમના કે પરિવારના નામની તકતી પણ નહી મુકવાના નિર્ણય સાથે તેમણે તદ્દન નિસ્વાર્થ ભાવે શિક્ષણ યજ્ઞ આરંભ્યો છે.

કુદરત બધાને હીરા જ બનાવે છે, બસ ઘસાય છે એ જ ચમકે છે !! 

DIAMOND TIMES – અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં આદિવાસી જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોને આસાનીથી શિક્ષણ મળે, પાયો મજબૂત બને અને તેમના જીવન ધોરણમાં સુધાર આવે એવા ઉમદા આશયથી સુરતના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ કેશુભાઇ ગોટી દ્વારા શિક્ષણ અને સેવાના ભાવથી જન્મ આપનારી જનની ની સ્મૃતિમાં સેવા કાર્ય માટે બનાવેલા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આદિવાસી વિસ્તારોમાં 151 આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ કરાયો છે.

મુળ ભાવનગર હળીયાદ ગામના મહામુલા રતન સમાન કેશુભાઇ ગોટીએ જ્યારે પહેલી વાર આદિવાસી વિસ્તારની મુલાકાત લીધી ત્યારે તેમણે આ આદીવાસી પરીવાર ના જીવનમાં સુધાર લાવવા અને મદદ કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો. તેમણે મનોમન વિચાર્યુ કે જો આદીવાસી ગરીબ પરીવારને આર્થિક મદદ કરીયે તો થોડાં સમય માટે એમનું પેટ ભરી શકાય . પરંતુ જો એમના બાળકોને શિક્ષણ માટેની યોગ્ય વ્યવસ્થા કરી તેને પગભર કરવામાં આવે તો સમગ્ર પેઢીને ગરીબીમાં થી ઉગારી શકાય છે. પાયાની આ સમજણના સથવારે કેશુભાઈએ 151 શાળા, છાત્રાલયો- આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ લીધો છે. જેમાં તેમના 50 ટકા યોગદાન છતાં પણ કોઇ જગ્યાએ તેમના કે તેમના પરિવારના નામની તકતી લાગતી નથી.

આ પ્રકારે અત્યંત નિસ્વાર્થ ભાવથી સેવાના સંકલ્પને સિધ્ધ કરવા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના તરવરીયા અને સેવાભાવી યુવકોના પ્રચંડ પુરુષાર્થ દ્વારા ધરમપુર,વાસંદા,તાપી, નિઝર,ડેડિયાપાડા, નર્મદા,વલસાડ, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં અત્યાર સુધીમાં 88 આશ્રમ શાળાઓ બનાવી ગ્રામજનોને અર્પણ કરી ચુક્યા છે. એટલું જ નહી છેલ્લાં 15 વર્ષથી આદિવાસી વિસ્તારોમાં છાત્રાલયો – આશ્રમશાળામાં ભોજન, કપડાં અને જીવનજરૂરી ચીજવસ્તુઓ અર્પણ કરી સેવા કરવામાં આવે છે.આ સિવાય 151માં થી માત્ર 15 આશ્રમ શાળાના દાતા શોધવાના બાકી છે.જ્યારે 136 આશ્રમ શાળાના દાતાઓ મળી ગયેલ છે.

એક આશ્રમશાળાના નિર્માણ પાછળ અંદાજીત 25 થી 30 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.જે પૈકી 50 ટકાનું દાન એકલા કેશુભાઈ આપે છે. જ્યારે બાકીની 50 ટકા રકમનું આર્થિક યોગદાન સમાજમાથી એકત્ર કરાય છે.પોતાના સંઘર્ષમાંથી આ પહેલ કરવાની પ્રેરણા મળી છે,એવું સ્વીકારનારા કેશુભાઈએ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, વ્યારાથી લઈને દાહોદ સુધીના આદિવાસી ક્ષેત્રો ઉપરાંત ગુજરાતના સીમાડા વટાવી અન્ય રાજ્યોમાં પણ આશ્રમ શાળાઓ બનાવવાનું જંગી અભિયાન છેડ્યુ છે.

ગુજરાતના સીમાડા વટાવી અન્ય રાજ્યોમાં પણ આશ્રમશાળાઓ બનાવવાનું અભિયાન

કેશુભાઈએ ઓલ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર બોર્ડર, મધ્યપ્રદેશ બોર્ડર, રાજસ્થાન બોર્ડર પર સ્કૂલ,જૂનાગઢમાં અનાથ અને વિકલાંગ બાળકો માટે સ્કૂલ બની ચૂકી છે.જેમનું લોકાર્પણ આગામી ટૂંક સમયમાં થનાર છે.સૌરાષ્ટ્રનાં ઉમરાળા ગામ અને વલ્લભીપુર તાલુકાના રતનપુર ગામ સર્વોદય સંસ્થા કચ્છનાં સરહદ પર રાપર ગામમાં પણ સ્કુલ બનાવવાનું કામ ચાલુ છે. સુરેન્દ્રનગર માં,નળસરોવરમાં અગીયારાના બાળકો ભણવા પાઠડી અને ધરજી ગામમાં પણ સ્કુલ બનાવવાનું કામ ચાલુ છે.નાગાલેન્ડ,અરૂણાચલ પ્રદેશ,ઓરિસ્સામાં પણ આશ્રમ શાળાઓ બનાવી ચુક્યા છે.અને હજુ પણ ઘણી જગ્યાએ આશ્રમ શાળા બનાવવાનું કામ ચાલુ છે.

શુન્યમાથી સર્જન – અત્યંત સરળ સ્વભાવ ધરાવતા અને સુરત ને કર્મભુમિ બનાવનાર ગ્લોસ્ટાર કંપનીના માલિક કેશવ ભાઇ (કેશુભાઇ)હરીભાઇ ગોટી (ઉ.વ.62) નો જન્મ 1958 માં ભાવનગર જીલ્લાના હળીયાદ ગામમાં થયો છે . પરિવારની નાજૂક આર્થિક સ્થિતીના કારણે માત્ર માત્ર ધો.3 સુધી ભણેલા કેશવ ભાઇના માસીના દિકરા મુંબઇમાં હીરા ના વ્યવસાય સાથે સંક‌ળાયેલા હતા.1972માં માસીના દિકરા પાસે હીરા ઘસવાનું કામ શીખ્યા હતા. તે સમયે કેશુ ભાઇની સાથે કુલ 7 જણા બોટાદથી 22 રૂપિયાની ટિકિટ લઇને બોરીવલી ઉતર્યા હતા.મુંબઇમાં કેશુભાઈના બે મામા રહેતા હતા. જેમાથી એક મામાએ ચાર તકિયા આપ્યા તો બીજા મામાએ કપડાની જોડી આપી હતી.હળવદથી મુંબઈ આવવાની ટીકીટ પણ હીરાનું કામ શિખવાડનાર માસીના દિકરાએ કરી આપી હતી.આવી સાવ સામાન્ય આર્થિક પરિસ્થિતી વચ્ચે તેઓએ માત્ર છ મહીના માં મુંબઈમાં હીરા ઘસવાનું કામ શીખીને પછી સુરત આવીને હીરાના કારખાના માં રત્નકલાકાર તરીકે નોકરી શરૂ કરી હતી.

20 વર્ષની વયે નોકરીમાંથી કાઢી મુકાયેલો યુવાન આજે હીરાની કંપનીનો માલિક છે.આજે તેનો દેશ-વિદેશમાં હિરાનો કારોબાર કરે છે.

1978માં મહીધરપુરામાં હીરાના કારખાનામાં તેમનું કામ માલિક ને પસંદ નહીં પડતા માલિકે તેમને નોકરીમાંથી કાઢી મુક્યાં હતા. આ વાતનુ તેમને બહુ ખોટુ લાગ્યુ હતુ.આ દરમિયાન કેશુભાઇ નિયમિત મંદિરમાં દર્શને જતા હોવાથી સાધુ-સંતોના પ્રવચનોથી અંજાઇને ઘર-સંસાર છોડીને વડતાલ ના ત્યાગ આશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા .પરંતુ કઇક કરી બતાવવાની મહત્વકાંક્ષા તેમનામાં જીવંત હતી.હવે તો મોટું સાહસ કરીને આગળ વધવુ છે એવા મક્કમ ઇરાદા સાથે તેઓએ બે વર્ષ બાદ આશ્રમનો ત્યાગ કરીને ફરીથી સુરત આવ્યા.ઉછીના રૂપિયા લઈને તેમણે મહીધરપુરામાં પોતાનું ત્રણ ઘંટીઓ સાથે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું.ત્યાર પછી તેમણે પ્રગતિ કરવામાં કદી પાછું વળીને જોયું નથી.સાવ નાના પાયે શરૂ કરેલુ એ નાનું કારખાનું આજે ગ્લોસ્ટારના નામથી મોટુ વટવૃક્ષ બનીને હીરા ઉદ્યોગમાં ઝળહળી રહ્યું છે.20 વર્ષની વયે નોકરીમાંથી કાઢી મુકાયેલો યુવાન આજે હીરાની કંપનીનો માલિક છે.આજે તેનો દેશ-વિદેશમાં હિરાનો કારોબાર કરે છે.

કમાણીનો સમાજસેવા માટે સદ્દઉપયોગ : –

માણસ બે પાંદડે થાય એટલે મોજમજામાં નાણા વાપરે પરંતુ દીલ ના દાતાર અને આજનાં સ્વાર્થી જગતમાં નિસ્વાર્થભાવે કામ કરતા કેશુભાઇએ જુદો જ સંકલ્પ કર્યો.કારણ કે પોતે જે ગરીબાઇ જોઇ છે એવી દારુણ ગરીબીમાં જીવતા પરિવાર માટે કંઇક કરવાની ભાવના સતત એના મનમા રમતી રહેતી હતી. ઓછુ ભણેલા પણ વાંચનનો શોખ એટલે મહા પુરુષો ના વિચારોમાથી સમાજસેવા કરવાની પ્રેરણા મળતી રહેતી હતી.આઝાદીના આટલા વર્ષો પછી પણ મુશ્કેલ જીંદગી જીવતા આદીવાસીઓની જીવન શૈલીમાં સુધાર લાવી તેમને સમાજના પ્રવાહમાં જોડવાના શુભ સંકલ્પ કર્યો. જેને સાકાર કરવા કંઇક નક્કર કરવું જોઇએ એ વિચારથી પ્રેરાઈને તેમણે માતાના નામથી કાંશીબા હરિભાઇ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી.

માતાના નામથી ટ્રસ્ટ બનાવવવાનો ઉદ્દેશ્ય : – માતાના નામથી બનેલા ટ્રસ્ટ કાંશીબા હરિભાઇ ગોટી ચેરીટેબલના માધ્યમથી કેશુભાઇ જરૂરિયાતમંદોની મદદ કરતા રહે છે.તે સુરત,વલ્લભીપુર, ડાંગમાં 25 થી વધુ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સમાજ પાસેથી જે તેમણે મેળવ્યું છે તે તેને પાછું આપવાની ઇચ્છાના પગલે જ તેમણે ગરીબ ખેડૂતો માટે હોસ્ટેલ બનાવવાનો સંક્લ્પ લીધો છે.કેશુભાઇ ગોટી કહે છે કે, ‘હું ઘણા સમયથી ભુમિપુત્ર મેગેઝીન વાંચું છું. આ મેગેઝીનમાં એક વખત ખેડૂતો અને ભુમિહીન લોકોની સ્થિતી અંગે વાંચ્યું. તેમની સમસ્યાઓ ખરેખર ખુબ જ ભયાનક લાગી. હું બાળપણથી વિનોબા ભાવેના વિચારોથી પ્રભાવિત રહ્યો છું.આ જ વિચારોના કારણે મને લાગ્યું કે આવા ગરીબો માટે કઇક કરવું જોઇએ.જેથી હોસ્ટેલ બનાવવાથી તેમની રહેવાની યોગ્ય વ્યવસ્થા થઇ શક્શે.આ ઉપરાંત હાલ તેઓ આદિવાસી વિસ્તારમાં બનેલી હોસ્ટેલોમાં રહીને અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટિક ભોજન પણ પ્રાપ્ત થાય તેવા પ્રયાસે લાગી ગયા છે.

સમાજ સેવાની લાગણીથી તરબતર મુઠ્ઠી ઉંચેરા માનવી કેશુભાઈ પ્રસિધ્ધિની ભૂખ વિના કરે છે સેવાકાર્ય – બીજા શું કરે છે,તેની સામે ન જોતાં આપણી ફરજ શું છે તે જીવનમાં ઉતારનાર મહાન બને છે. આવા વિચારો ધરાવનાર કેશુભાઇ એ વસ્તુ દૃઢ પણે માને છે કે સારા કર્મ કરવાથી સરવાળો થાય છે, પણ જ્યારે કોઇના અંતરથી આર્શીવાદ મળે ત્યારે એનો ગુણાકાર થાય છે જેને દુનિયા નસીબ કહે છે. પરમાત્મા ક્યારેય આપણું ભાગ્ય નથી લખતા. જીવનના દરેક સ્ટેજ પર આપણા વિચાર, આપણી વાણી તેમજ આપણે કરેલા કર્મ જ આપણું ભાગ્ય લખે છે.ભગવાન ખુદ ગીતામાં કહે છે કે, મનુષ્ય તુ પોતે પણ ખુશ રેહ અને બીજાઓની ખુશીઓંનું પણ તું કારણ બન. બસ એ જ મારી ખરી પુજા છે. આજના જન્માષ્ટમીના પવિત્ર અવસરે કેશુભાઇને આધુનિક યુગના કેશવ કહેવા એ બિલ્કુલ કોઇ અતિશયોક્તિ નથી.જેમ શ્રી કૃષ્ણ ભગવાને ઇન્દ્રના ક્રોધથી બચાવવા દ્વારિકાના લોકોને છત પુરી પાડી હતી.એમ નામ પ્રમાણે કેશુભાઇ એ જરૂરિયાતમંદ આદિવાસી પરિવાર- ખેડૂતોને છત પુરી પાડવાનો સંકલ્પ કરીને અનોખા સેવા યજ્ઞનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડ્યું છે.સમાજ સેવાની લાગણીથી તરબતર મુઠ્ઠી ઉંચેરા આ માનવી કોઇ પણ જાતની પ્રસિધ્ધિની ભૂખ કે નામની લાલસા વગર આદીવાસી બાળકોના ઉત્કર્ષ માટે સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે.આજના સ્વાર્થી જગતમાં નિસ્વાર્થભાવે કામ કરતા કેશુભાઇ ગોટીની સેવાકીય કામગીરી સહુ કોઇ માટે ગર્વ લેવા જેવી વાત છે.