સુરતમા કેજરીવાલનો ભવ્ય રોડ – શો : આપનાં શક્તિ પ્રદર્શનમાં ઉમટ્યો માનવ મહેરામણ

295

ડાયમંડ ટાઈમ્સ

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હોમગ્રાઉન્ડ અને ભાજપાનાં ગઢ ગણાતા સુરતમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો કબ્જે કરી આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યા બાદ સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ભવ્ય રોડ – શો નું આયોજન કરવામાં આવ્યું છે.માનગઢ ચોકથી શરૂ થયેલા આ રોડ- શો માં હજારોની સંખ્યામા માનવ મહેરામણ ઉમટી પડ્યો છે.સુરતમા આમ આદમીની જીત અંગે પ્રતિભાવ આપતા કેજરીવાલે કહ્યું હતું કે હું સુરતના લોકોનો આભાર વ્યક્ત કરવાં આવ્યો છું.

સુરતમા કેજરીવાલનું આગમન

આજે સવારે સવા આઠ વાગ્યાના સુમારે સુરત એરપોર્ટ પર કેજરીવાલનું આગમન થયુ હતુ. જ્યા તેમનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે કેજરીવાલે હોદ્દેદારો સાથે બેઠક કરી નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના વિજય થયેલા કોર્પોરેટર તેમજ આપ તરફથી ઉમેદવારી કરનારા કાર્યકર્તાઓ સાથે બેઠક કરી કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ કયા પ્રકારની ભૂમિકા ભજવવાની છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. કેજરીવાલે આદમી પાર્ટીના વિજય થયેલા કોર્પોરેટરોને ર્ક પણ ભ્રષ્ટાચાર નહી થવા દેવા અને ભાજપના નેતાઓને નાની યાદ અપાવી દેવાનું સૂચન કર્યું હતું. બપોરે સંગઠન મંત્રીના ઘરે ભોજન લઈને તેઓ મીનીબજારમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી રોડ- શો માં જોડાયા હતા.

ભવ્ય રોડ-શો : મકાનની છત પર લોકોએ કેજરીવાલ પર કરી પુષ્પવર્ષા

મીનીબજારમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી કેજરીવાલ ખુલ્લા આઈસરમાં બેસીને નીકળ્યા હતા.જેમની એક ઝલક જોવા માટે ખુબ જ મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યાં હતાં.મીની બજારથી હીરાબાગ વચ્ચેના વિસ્તારોમાં મુખ્યમાર્ગની બંને તરફ મકાનની છત પર ઉભેલા લોકોએ કેજરીવાલ પર ફૂલોની વર્ષા કરી હતી.

અરવિંદ કેજરીવાલે સુરતી અને કાઠીયાવાડી ભોજનની લિજ્જત માણી
સુરતની મુલાકાતે આવેલા દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનોજ સોરઠિયાના ઘરે બપોરનું ભોજન લીધુ હતુ.ભોજનમા સુરતી ઊંધિયું, ખમણ સહિત દાળ-ભાત, સમોસાં, કેરીનું કચુંબર અને મીઠાઈમાં ચૂરમાના લાડુ પિરસવામા આવ્યા હતા.તેમણે સુરતી ઊંધિયાનાં વખાણ પણ કર્યાં હતાં. ભોજન દરમિયાન અરવિંદ કેજરીવાલે ખમણ ખાતાં કહ્યું હતું કે ખમણ-ઢોકળાં એ તો ગુજરાતની ઓળખ છે.એને ખાધા વગર ભોજન અધૂરું કર્યું હોય એવું લાગે છે.કોઇ પણ વ્યક્તિ સુરતનો મહેમાન બને તો ખમણ ખાધા વગર જઈ ના શકે.