સુરતના 17 કોરોના આઇસોલેશન સેન્ટરમાં સેવા આપતા 400 થી પણ વધારે સ્વયં સેવકોને બનશે વીમા કવચથી સુરક્ષિત
DIAMOND TIMES – કોરોના મહાસંકટમાં લોકોના જીવ બચાવવા સેવાયજ્ઞ સ્વરૂપે સુરતમાં શરૂ થયેલા આઇસોલેશન સેન્ટરોએ ગુજરાત સહીત સમગ્ર દેશને કપરા સંજોગોમાં સામાજિક રીતે એક જૂથ થઇ માનવ સેવા કઈ રીતે કરી શકાય તેની દિશા અને પ્રેરણા આપી છે.સુરતમાં કાર્યરત આઇસોલેશન સેન્ટરોમાં છેલ્લા 45 દિવસથી જીવના જોખમે સેવાભાવી સ્વયં સેવકો કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે.આ સ્વયં સેવકોને રૂપિયા પાંચ લાખની કોરોના મેડીકલ વીમા સુરક્ષા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી પ્રશંસનિય નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાના પીક સમયે લોકો હોસ્પિટલ, બેડ કે ઓક્સિજન માટે ઝઝુમતા હતા.ત્યારે વિવિધ 50થી વધુ સેવા સંસ્થાઓએ ભેગા મળી અને શક્ય તેટલા વધુ કોરોનાના આઇસોલેશન સેન્ટરો શરૂ કરવા આહવાન કર્યું હતું.કોરોના દર્દીઓની સેવા કરવા કોણ આવશે એ પ્રશ્ન વચ્ચે ગણતરીના દિવસોમાં જ વિવિધ સંસ્થાઓએ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના માર્ગદર્શન અને જરૂરી સહયોગથી 13 થી વધુ આઇસોલેશન સેન્ટર સુરતમાં શરૂ કર્યા છે.આ ઉપરાંત નાના વરાછા, મોટા વરાછા, કતારગામ, અમરોલી અને ઉધનામાં જુદી જુદી સંસ્થાઓ તરફથી 17 જેટલા આઇસોલેશન સન્ટરમાં 400 થી વધુ સ્વયંસેવકોએ રાત દિવસ કાર્ય કર્યું છે.ત્યારે તેઓ કોરાનાથી સંક્રમિત થાય તો શું એ સવાલ હતો.સ્વયં સેવકોના પરિવારો ચિંતામાં હતા ત્યારે આવા કોરોના યોધ્ધાઓ અને તેમના પરિવારોને સુરક્ષાનો અહેસાસ કરાવવાનો ખુબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્વયં સેવકોના સેવાકાર્યની શૈલેષભાઇએ સરાહના કરી છે : કાનજીભાઈ ભાલાળા
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે કોરોનાના કપરા સંજોગોમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સેવા કોવિડ સેન્ટરોમાં ફરજ બજાવનારા 400 જેટલા સ્વયં સેવકોને રૂપિયા પાંચ લાખ સુધીનો કોરોના મેડિક્લેમ સુરક્ષા આપવામાં આવી છે.વિવિધ સંસ્થાઓ એ પોતાની રીતે સેન્ટરો શરૂ કર્યા છે.સમાજે માત્ર દાતાઓના સહયોગથી ટેકો અને માર્ગદર્શન આપ્યુ છે.
અમને સ્વયં સેવકોની ખુબ ચિંતા હતી તો બીજી તરફ સંભવિત કોરોનાની ત્રીજી લહેર માટે પણ તૈયાર રહેવુ પડે તેમ છે. જીવના જોખમે સેવાકાર્ય કરતા સ્વયંસેવકોની સુરક્ષા માટે વિચારવાની અને તેઓના સેવાકાર્યને પ્રોત્સાહન આપવાની પણ આવશ્યકતા હતી.અમારી આ મથામણ વચ્ચે મુંબઇની જાણીતી હીરાની પેઢી જે કે સ્ટાર તરફથી વીમાના પ્રમિયમ માટે માતબર દાન આપવામાં આવ્યુ છે.જે કે સ્ટાર કંપનીના યુવા ડિરેક્ટર અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના ટ્રસ્ટી શૈલેષભાઇ પી લુખીએ કોરોના વોરીયર્સની સેવાકાર્યની કદર કરી છે.કોરોના વોરીયર્સ માટે જેટલું કરીએ તેટલુ ઓછું છે. તેમના માટે વીમા પ્રિમિયમ ભરી આપણે આપણી ફરજ નિભાવી છે. આ પ્રકારની લાગણી સાથે શૈલેષભાઇએ કોરોના વોરિયર્સની સેવાને બિરદાવી છે.જે બદલ અમો તેમના આભારી છીએ.
17 આઇસોલેશન સેન્ટરોના સ્વયં સેવકોની યાદી તૈયાર
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપ પ્રમુખ સવજીભાઇ વેકરીયા, લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિભાઇ કથિરીયા તથા વરાછા બેન્કના ચેરમેન ભવાનભાઇ નવાપરાએ કહ્યુ કે અમોએ પટેલ સમાજના માર્ગદર્શથી ચાલતા 17 આઇસોલેશન સેન્ટરોના સ્વયં સેવકોની યાદી તૈયાર કરી છે.હવે વરાછા બેન્કના વીમા વિભાગ સાથે મળીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ વીમા પોલીસી અંતર્ગત જો કોઇ કાર્યકર્તા આગામી નવ મહિના સુધીમાં કોરોના સંક્રમિત થાય તો હોસ્પિટલમાં રૂપિયા પાંચ લાખ સુધીનો ખર્ચ વીમા કંપની આપશે એવી વ્યવસ્થા કરી છે.
મહેશભાઇ સવાણીના નેતૃત્વમાં સેવા સંસ્થાના યુવા કાર્યકરોની ટીમ જાગૃતિ સંકલન અને વ્યવસ્થા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે.તેમના નેતૃત્વમાં 13 સેન્ટ્રલના સ્વયં સેવકો અને અન્ય સંસ્થાઓના બીજા પાંચ સેન્ટરો એમ કુલ 18 આઇસોલેશન સેન્ટરના સ્વયં સેવકોના આ વીમા કવચમાં સમાવેશ કરવામાં આવ્યો છે.તમામ આઇસોલેશન સેન્ટર પરથી કાર્યકરોની યાદી મંગાવવામાં આવી છે પ્રિમિયમની ગણતરી તથા કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ વીમા કંપની સાથે વરાછા બેન્ક વીમા વિભાગના મેનેજર ભરતભાઇ જોષી કાર્યવાહી કરી રહ્યા છે અને ટુંક સમયમાં સ્વયંસેવકો ને વિમા કવચ મળી જશે.