ડાયમંડ ટાઈમ્સ
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અહેવાલ અનુસાર કોરોના મહામારી,વૈશ્વિક આર્થિક સંકટ, સોનાની ઊંચી કિંમતો સહીતના પરિબળોના કારણે નિકાસ ઘટીને 46.4 ટન જ્યારે જ્વેલરીની માગ 42 ટકાના ઘટાડા સાથે 315.9 ટન નોંધાઇ છે.ઉપરાંત સોનાની આયાતમા પણ 47 ટકાનુ ગાબડુ પડ્યુ છે.પરંતુ આગામી મહીનાઓમા સોના અને જ્વેલરીની માંગમા મોટો ઊછાળો આવવાના પણ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે સંકેત આપ્યા છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અહેવાલ અનુસાર સોનાની માંગમા ચીન પછી બીજા ક્રમે આવતા ભારતમાં વર્ષ 2020 દરમિયાન સોનાની માંગમા 35 ટકાનો ઘટાડો નોંધાયો છે.અહેવાલ અનુસાર ગત વર્ષની સરખામણીએ સોનાની આયાત 47 ટકા ઘટી 446.4 ટન થઇ છે.એક અંદાજ મુજબ ભારતમા વર્ષ દરમિયાન સોનાની 800 ટન આસપાસની માંગ રહેતી હોય છે.જેમા વર્ષ 2020મા 50 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે.સોનામાં 2020માં સરેરાશ 20 ટકાથી વધુ રિટર્ન મળ્યું હોવાના કારણે સોનાની કિંમત 51000ની સપાટી ઉપર પહોંચવા છતાં રોકાણકારોની ખરીદી જળવાઇ રહી છે. મહામારી અને આર્થિક સંકટ વચ્ચે પણ 2020ના ચોથા ક્વાર્ટરમાં રોકાણમાંગમાં 8 ટકાનો વધારો થઇ 48.9 ટન રહી છે.આગળ જતા પણ સોનાની કિંમત વધુ વધશે તેવી સંભાવના વ્યક્ત કરવામા આવી છે.

કોરોના,લોકડાઉન અને આર્થિક સંકટ તથા સોનાની સતત વધી રહેલી કિંમતો સહીતના કેટલાક પરિબળોના કારણે સોનાની માંગમા ઘટાડો નોંધાયો હોવાનુ અવલોકન છે.ભારતમા વર્ષ 2019માં સોનાની માગ 690.4 ટન રહી હતી .જે 2020માં 35.34 ટકા ઘટાડા સાથે 446.4 ટન રહી છે.વેલ્યુની દ્રષ્ટિએ સોનાની માગ માત્ર 14 ટકા ઘટી રૂપિયા 188280 કરોડની રહી હતી જે અગાઉના વર્ષે રૂપિયા 217770 કરોડની નોંધાઇ હતી.વોલ્યુમ એટલે કે જથ્થાની દ્રષ્ટિએ ભારતમા જ્વેલરીની માંગ 42 ટકા ઘટી 315.9 ટન રહી છે.જે અગાઉના વર્ષે 544.6 ટનની નોંધાઇ હતી.વેલ્યુની દ્રષ્ટિએ આ ઘટાડો 22.42 ટકાના ઘટાડા સાથે 133260 કરોડ રહી છે.જે અગાઉના વર્ષે 171790 કરોડની રહી હતી.

આગામી સમયમા સોનાની માંગ વધવાની અશા વ્યક્ત કરવામા આવી છે.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના કહેવા મુજબ જૂન 2021માં ફરજિયાત હોલમાર્કિંગના અમલીકરણ,ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જની શરૂઆત,વૈશ્વિક આર્થિક મજબૂતી અને પોઝિટીવ ટ્રેન્ડ સહીતના પરિબળોના કારણે સોનાની માંગમા વૃદ્ધિના સંકેતો મળી રહ્યાં છે.દેશમાં સોનાની આયાત પરના ઉંચા ટેક્સના કારણે દેશમાં દાણચોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જો ડ્યૂટીમાં ઘટાડો આવે તો સરકાર અને ઉદ્યોગ બન્નેને ફાયદો થાય તેમ છે. જોકે, આકર્ષક રિટર્નને ધ્યાનમાં લેતા 2021માં સોનાની માગમાં ઝડપી વધારો જોવા મળે તેવી સંભાવના છે. વર્ષ 2020માં ઘટાડા બાદ આગામી સમયગાળા દરમિયાન સોનાની માંગમાં જોરદાર તેજી જોવા મળશે તેવું અનુમાન છે.